Friday, October 16, 2020

હૃદયનો સિક્કો

હું નિશાંક મોદી, આ નીચે લખેલ વાર્તા મારી લખેલી નથી, પરંતુ નાનપણમાં આ વાર્તા મેં અંગ્રેજીમાં વાંચી હતી અને આ વાર્તા કે દંતકથા મને ખુબ જ ગમી હતી અને છે. હાલ હું માત્ર એનો અનુવાદ (કદાચ મારી યાદ અને શબ્દો પ્રમાણે જ) કરું છું અને આ વાર્તા પર મારો કોઈ જ કોપીરાઈટ નથી. 

આશા રાખું છું આપને પણ આ વાર્તા ગમશે
*****************************
હૃદયનો સિક્કો

ઘણા વર્ષો પહેલા, એક વખત બૌદ્ધ ધર્મના સંતોએ ભેગા મળીને એક ભગવાન બુદ્ધનું ગોલ્ડ સ્ટેચ્યુ બનાવવાનું નક્કી કર્યું. પહેલી સમસ્યા એવી આવી કે આટલું બધું સોનુ લાવવું ક્યાંથી? એક વિદ્વાન સાધુએ સુજવ્યું કે આસપાસના બે ચાર ગામની મુલાકાત લો. ગામના લોકોને સમજાવો કે અમારે આપણા સૌ માટે એક ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ બનાવવું છે તો આપ યથાશક્તિ જે કાંઈ સોનામહોર કે દાગીના આપી શકો તો આપો. અમે આપેલું સોનાનું દાન ભેગું કરી, એને પીગાળી પછી એમાંથી કારીગરોની મદદથી સ્ટેચ્યુ બનાવીશું.

આ ઉપાય સાથે બધા જ સંતોએ આસપાસના ગામ તરફ દોટ મૂકી. પહેલા ઘરેથી દસ સોનામહોર, બીજા ઘરેથી ચાર પાંચ દાગીના એમ એમ કરતાં જોતજોતામાં તો અઢળક સોનુ ભેગું થઈ ગયું. એક ગરીબની ઝુંપડીમાંથી એક બાળકી જોઈ રહી હતી. એણે એની મમ્મીને પૂછ્યું કે, "આ લોકો શું કરી રહ્યા છે?" ત્યારે એની મમ્મીએ કહ્યું કે, "ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે આ લોકો સોનું આપી રહ્યા છે." છોકરીએ કહ્યું કે, "તો હે મમ્મી! આપડે કેમ નથી આપતા?" સમજાવતા કહ્યું કે, "બેટા, આપણી જોડે સોનું હોત તો કઈ આપણે આ ઝૂંપડીમાં થોડા રહેતા હોત"

નાની છોકરીએ જીદ પકડી અને એક કાંસાનો સિક્કો લઈ સંતોને આપવા દોડી. સંતોએ જોયું કે બાળકી કાંસાનો સિક્કો આપી રહી છે. એમણે પ્રેમથી કહ્યું કે, "ના બેટા, અમે માત્ર સોનું જ લઈએ છીએ." બાળકી ઘરે રોતા રોતા પાછી આવી. એને વધુ તો ખ્યાલ ન આવ્યો પણ એટલું લાગી આવ્યું કે મારા આપેલા સિક્કાની કોઈ કિંમત નથી.

આશા કરતા વધારે સોનું ભેગું થઈ ગયું, બધું જ ભઠ્ઠીમાં પીગાળવાનું શરૂ થઈ ગયું. પંદર દિવસમાં તો સ્ટેચ્યુ તૈયાર થઈ ગયું. આટલા મોટા સોનાના અને આકર્ષક સ્ટેચ્યુને જોવા લોકોની ભીડ એકઠી થઈ. બધું જ ખૂબ સારી રીતે પાર પડ્યું. પણ જ્યારે ભગવાન બુદ્ધના ચહેરા સમક્ષ નજર ગઈ તો એવું લાગ્યું કે એમના ચહેરા પર સ્મિત ન હતું અને એના કારણે ચહેરો આકર્ષક ન'તો લાગતો. જાણે કઈક ખૂટતું હોય એવું લાગ્યું. બધાની સલાહ સાથે બે ત્રણ વાર સ્ટેચ્યુને પીગાળી ફરી ફરી એનું નિર્માણ થયું. દર વખતે એવું જ બન્યું અને મૂર્તિના ચહેરા પર તેજ ન આવ્યું.

ફરી વિદ્વાન સંતની સલાહ લેવામાં આવી. એમણે પૂછ્યું કે, "સોનું તમે દરેકની મરજીથી લીધું છે ને કોઈ બળજબરી કે ખોટી વાત ફેલાઈને નથી માગ્યું ને?" બધાનો જવાબ એક જ હતો "ના" વિદ્વાને ફરી પૂછ્યું કે, "કોઈની આપેલી ભેટનો તમે અસ્વીકાર કર્યો તો?" બધા જ કહે "ના" ત્યાં જ એક સંતને યાદ આવ્યું કે, "ગુરુજી, આમ તો કોઈના સોનાની ભેટનો અસ્વીકાર નથી કર્યો પણ હા એક બાળકીના આપેલા કાંસાના સિક્કાને અમે ના પાડી હતી" વિદ્વાને કહ્યું, "એ જગ્યાએ જાઓ, બાળકીને શોધો અને એના આપેલા કાંસાના સિક્કાને લઈ આવો"

આખું સંતોનું ટોળું પેલી ઝુંપડી પાસે પહોંચ્યું અને પેલી બાળકી પાસે કાંસાના સિક્કાનું દાન માંગ્યું. નાની છોકરીએ ખૂબ ખુશ થઈને એ સિક્કો સંતોને આપ્યો. સંતો એ કાંસાનો સિક્કો લઈને પાછા ફર્યા. મૂર્તિને ફરી પીગાળી એમાં કાંસાનો સિક્કો નાખ્યો અને ફરી મૂર્તિ નિર્માણ શરૂ થયું. થોડીક મહેનત બાદ ભગવાન બુદ્ધની મૂર્તિ તૈયાર થઈ ગઈ. આ વખતે મૂર્તિ આકર્ષક, ચહેરા પર સ્મિત અને તેજ સૌથી સારું હતું. સૌ ખુશ થઈ ગયા અને મૂર્તિને અનાવરણ માટે મૂકી. લોકો ભેગા થયા અને મૂર્તિનું અનાવરણ થયું ત્યારે જોવા મળ્યું કે, કાંસાનો સિક્કો પીગળ્યો જ ન હતો અને ભગવાન બુદ્ધના હૃદય પાસે જડી ગયો હતો.

સાર: શુદ્ધ મનથી થયેલું કામ ઈશ્વરને ગમે છે. ઈશ્વર કદીય ભેટસોગાદોની કિંમત નથી આંકતો અને એને જે ગમે એ પોતાના હૃદયમાં સ્થાપે છે.

Saturday, June 13, 2020

સ્ક્રિપ્ટ: સંસારના ચક્રો- એક ઘરની વાત

સ્ક્રિપ્ટ: સંસારના ચક્રો- એક ઘરની વાત

6 પાત્રો (પ્રોફેસર, એમના પત્ની મધુમતીબેન, મોટો દીકરો ગૌરવ, મોટી વહુ વિનિતા, નાનો દીકરો પ્રકાશ, નાની વહુ હિમાની)

--નાના છોકરાના લગ્ન પતાવીને બીજા દિવસે સવારમાં પતિ પત્ની વાત કરે છે જેમાં પતિ પ્રોફેસર છે--

મધુમતીબેન (બેસતાં): હાશ ભાઈસાબ આ લોકડાઉન પત્યું અને આપણાં નાનકા ના લગ્ન બી. લગ્ન ભલે આપણે ધામધૂમથી ના કર્યા પણ પચાસ લોકો જેને બોલાયાતા એ બધાય આયા હ. હું તો કહું છું દસ પંદર જણા વધારે જ હશે. શું કહો છો તમે સાહેબ?

પ્રોફેસર: મધુ, એટલું તો ચાલે રાખે. પણ એક વાત સારી બની, જે સંબંધીઓ ને નથી બોલાયાને એમને ખોટુંય નથી લાગ્યું...બાકી કોઈક નું કોઈક તો રિસામણે જ હોય.

મધુમતીબેન: ખરી વાત છે. આ આપણા મોટા દીકરા ગૌરવના મૅરેજમાં એવું જ થયું હતું ને એક તો જાન લઈ દૂર સુધી ગયા તા, મસમટો ખર્ચો કર્યો તો, ફોટા જેવી સામાન્ય બાબતમાં રિસાયેલા સંબંધીઓને મનાવ્યાં તા, પાછા આવ્યા તા ત્યાં તો ટાંટિયાની કઢી થઈ ગઈ તી.

પ્રોફેસર: હશે હવે જૂનું ભૂલી જવાનું, એ સમય જુદો હતો, આ સમય જુદો છે. જા હવે ચા મુક હવે.

મધુમતીબેન (હસતાં હસતાં): ના સાહેબ હવે આપણું જે પચાસ ટકા કામ હતું એ ય પૂરું. પહેલી વહુ વિનિતા એ સવાર સાંજનું જમવાનું બનાવવાનું તો કેટલાય વર્ષોથી સંભાળી લીધું તું, ઘરના બે ચાર કામ અને એક આ ચા બનાવવાનું કામ હતું એ મેં કાલે જ નાનકાની વહુ હિમાની ને સોંપી દીધું તું અને એણે ખુશી ખુશી સ્વીકાર્યું છે.

પ્રોફેસર (હસતાં હસતાં): લો તમે તો મારી પહેલા જ રીટાયર્ડ થઈ ગયા.

---નાની વહુ હિમાની ચા લઈને આવે છે--

મધુમતીબેન: લ્યો આવી ગઈ હિમાની આપણી ચા લઈને.

પ્રોફેસર (ચા ની ચૂસકી લેતા): વાહ હિમાની બેટા, કેટલી મસ્ત ચા બનાવી છે. પહેલીવાર આટલા વર્ષોમાં ચા પીને મન ખુશ થઈ ગયું. (હસતાં) સારું કર્યું તારા સાસુને રિટાયર્ડ કરી દીધા. 

--અંદરના રૂમમાં મોટી વહુ વિનિતા અને મોટો દીકરો ગૌરવ સાંભળે છે--

વિનિતા (મોં મચકોડતા): સાંભળ્યું ગૌરવ, કેવું બોલે છે પપ્પા. જાણે આટલા વર્ષોમાં મેં કોઈ વખત સારી ચા બનાવી જ ના હોય.

ગૌરવ (વિનિતાના ગાલ પર હાથ રાખી): વિનિતા, તું પણ કેવી નાની વાતને મોટી કરે છે. કેમ ભૂલી ગઈ આ જ પપ્પા હતા જેમણે આપણા લગ્નના બીજા દિવસે તારા બનાવેલા ભજિયાંના વખાણ કર્યા તા આવી જ રીતે. મમ્મી ધારત તો બન્ને વખત ખોટું ના લગાડત. શું મમ્મીએ કદી સારી ચા કે ટેસ્ટી ભજિયાં બનાવ્યા જ નહીં હોય?

વિનિતા: જવા દો, તમે તો કાયમ તમારા મમ્મીના વખાણ કરો છો. તમે મને કેમ એમના જેવા બનાવા માંગો છો. નવી વહુ સારું ભણેલી છે અને હું દસ ચોપડી પાસ બસ આ જ નડી જાય છે મારે તો.

ગૌરવ: જો વિનિતા, તું ખોટું ના લગાડ. તારા મારા લગ્નને ભણતર સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. તને પણ ખબર જ છે કે મારા મમ્મી પણ કઈ ઝાઝું ભણેલા નથી. હું તો ખાલી વાત કહું છું કે તું શબ્દો ના પકડ. ખોટી આપણી વચ્ચે રકઝક થાય.

વિનિતા: સારું હવે ઓફિસ જાવો...મોડું થશે.

--બહારના રૂમમાં નાનો દીકરો પ્રકાશ, હિમાની, પ્રોફેસર, અને મધુમતીબેન બેઠા છે--

મધુમતીબેન પ્રકાશને: બેટા, હવે તું આ હિમાની માટે કોઈ વાહન લઈ લેજે. રખેને એને વહેલું મોડું થાય. તું રોજ ક્યાં એને મુકવાને લેવા જઈશ. બેટા (હિમાની તરફ જોઈ કહેતા) તને પણ જે પસંદ હોય એ જ લેજે, પ્રકાશ થોડો કંજૂસ છે પણ તું ના માનતી.

હિમાની: ના મમ્મી આપણે કઈ હમણાં ખર્ચો નથી કરવો. પ્રકાશને તકલીફ ના હોય તો ચાલશે આમનું આમ.

પ્રોફેસર: બેટા, તું પૈસાની ચિંતા ના કર. આપણે કોઈ બાંધ છોડ નથી. બધું સારું જ છે. તું તારે એકાદ અઠવાડિયામાં જ લઈ લે.

હિમાની: સારું પપ્પા, તમે જેમ કહો એમ.

--એક અઠવાડિયામાં 2 વ્હીલર આવી જાય છે. ગૌરવ અને વિનિતા રાતે રૂમમાં વાત કરતા--

વિનિતા: જોયું નવી વહુ માટે નવી વસ્તુ

ગૌરવ: તારે લાવવું છે બોલ, કાલે લઈ આવીએ. કીધું તું મેં તને શીખી જા, તો તે જ ના પાડી તી. કેમ ભૂલી ગઈ 2 તોલા નો દોરો નતો આપ્યો તનેય એક અઠવાડિયામાં. અચાનક કેમ આટલું બધું ખરાબ લાગે છે. એવું તો નથી લાગતું તને કેમ ઘરમાં તારાથી ચઢિયાતી વહુ આવી ગઈ. તારી હાલત પેલા મોટા બાળક જેવી છે જેના ઘરમાં નાનો ભાઈ આવ્યો છે અને બધા એને લાડ કરે અને મોટાને એવું લાગે કે મને ભૂલી ગયા.

વિનિતા: ના એવું નથી પણ થોડુંક મનમાં લાગી આવ્યું એટલે કીધું.

ગૌરવ: થોડી ઈર્ષા થાય એ સ્વાભાવિક છે અને તારી સ્ત્રીની લાગણી દર્શાવતી વસ્તુઓની નિશાની છે. પુરુષો કાંઈ કપડાંની એટલી સરખામણી ના કરે પણ સ્ત્રીઓ દાગીનાના ચોક્કસ કરે. એજ રીતે પુરુષો થોડો અહમ રાખે અને સ્ત્રીઓ નમતું જોખે અને આ સંસાર ખુશીથી ચાલ્યા કરે. કુદરતે એટલે જ તો પુરુષ સ્ત્રી બંન્ને ને કેટલીક ભિન્ન લાગણીઓ આપેલી છે. મને ખબર જ છે કે, થોડીકવાર રહીને તારા મનમાં કઈ નહિ હોય પણ હું બીજા દિવસે આ વાત ને વિચાર્યા કરીશ.

વિનિતા: સારું હવે, સુઈ જઈએ મારે સવારે પાછા પપ્પા માટે નાસ્તામાં ભજિયાં બનાવવાના છે.

--વિનિતા, ગૌરવ, પ્રોફેસર, મધુમતીબેન સવારમાં નાસ્તો કરતાં--

પ્રોફેસર: વાહ વિનિતા બેટા વાહ, લગ્ન પછીના પહેલા દિવસે તારા હાથે બનાયેલા મેં ખાધેલા ભજિયાંનો સ્વાદ અને આજના ભજિયાંનો સ્વાદ આજેય એક જ છે. (ગૌરવ તરફ જોતા) ગૌરવ, તું જીવનનમાં કેટલો નસીબદાર બની સફળ થયો એ તો ખબર નથી પણ તું લગ્નજીવનમાં નસીબદાર નીકળ્યો. વહેલી ઉઠે, ઘરના બધા કામ ખૂબ સારી રીતે કરી દે. વસ્તુ લેવા અને બનાવવામાંય પારંગત. બધાનું ધ્યાન રાખતાં આવડે.

ગૌરવ: હા ચોક્કસ હું નસીબદાર છું કે મને વિનિતા જેવી પત્ની મળી.

મધુમતીબેન: એકલો એ કેમ આપણે બધા. મારી દવાઓમાં મને અને વિનિતા બેય ને ખબર ના પડે પણ. એકવાર ડૉકટરે એને સમજાવી એટલે કાયમ યાદ કરી મને વર્ષોથી આપે જ છે ને.

--અંદરના રૂમમાં નાની વહુ હિમાની અને નાનો દીકરો પ્રકાશ સાંભળે છે--

હિમાની: જે દિવસે ભજિયાં બને એ દિવસે ભાભીના વખાણ જ વખાણ હોય હ પ્રકાશ.

પ્રકાશ: ભાભી ભલે ભણ્યા નથી પણ ગણ્યા તો છે ને. એમની કામ કરવાની અને નિર્ણય લેવાની સુઝબૂઝ ઘણીવાર ભણેલા માણસ કરતાં ય સારી હોય છે. ખોટું નહિ કહું, તારા આવતા પહેલાં પપ્પા, મમ્મી, ભાઈ અને મારું પણ બધાનું ધ્યાન એ જ રાખતા તા ને. અને તું કેમ આમ વિચારે છે, લે કેમ તારી ચા રોજ નથી વખણાતી તો કાંઈ ભાભી તારા જેવું વિચારતા હશે!

હિમાની: અરે ના હું એમ જ બોલું છું. મનમાં કઈ નથી મારા.

પ્રકાશ: સારું ચાલ જલ્દી ઉભી થા, આપડે નીકળવું પડશે. અને હા મારે આ રવિવારે ઓફિસના કામે પુના જવાનું છે અને ભાઈ પણ ગામડે પેલી જમીનના સોદા માટે જવાનો છે. તો ઘરે બધાનું ધ્યાન રાખજે (બંન્ને બહાર નીકળી જાય છે)

--રવિવારનો દિવસ, ગૌરવ અને વિનિતા રૂમમાં---

ગૌરવ: સાંભળ વિનિતા, જો જુના જમીનના સોદા માટે ગામડે જવું છું સાંજ સુધી તો આવી જઈશ. પપ્પા મમ્મીનું ધ્યાન રાખજે.

વિનિતા: આટલા વર્ષોમાં કદી કહેવું પડ્યું છે તો આજે કહો છો.

ગૌરવ: ના મારે તને કઈ જ કહેવાની જરૂર નથી પડતી. પણ આતો રાતે લાઈટ ગઈ હતી અને એસી બન્ધ હતું. આખી રાત પપ્પાને સહેજ ગભરામણ રહી હતી અને ઊંઘ બગડી હતી. એટલે ખાલી કીધું. (ગૌરવ નીકળી જાય છે)

--રવિવાર, બપોરનો સમય--

વિનિતા, વિનિતા, હિમાની, હિમાની...જલ્દી આવો. (મધુમતીબેન બુમો પાડે છે)

શું થયું મમ્મી? (બંન્ને વહુઓ સાસુના રૂમમાં પહોંચે છે)

મધુમતીબેન: તારા સસરાને છાતીમાં દુઃખાવો ઉપડ્યો છે. કઈક કરો.

(પ્રોફેસર છાતી પર હાથ રાખે છે ને બોલતા અચકાય છે)

હિમાની: મમ્મી, હું હમણાં જ 108 પર કોલ કરું છું.

(હિમાની 108 બોલાવે છે)

હિમાની: પપ્પા હિંમત રાખો કઈ નહિ થાય. એમ્બ્યુલન્સ દસ મિનિટમાં આવે જ છે, આપડે સીધા હોસ્પિટલ જઈશું. હું પ્રકાશ અને ગૌરવભાઈને પણ ફોન કરું છું.

(હિમાની રૂમની બહાર નીકળે છે, પાછળ વિનિતા આવે છે)

વિનિતા: હિમાની, શું કરે છે?

હિમાની: અરે ભાભી, પપ્પાને છાતીમાં વચ્ચેના ભાગે દુઃખાવો થયો છે, હાર્ટ એટેક હોઈ શકે એમ છે. પ્રકાશ અને ગૌરવભાઈને ફોન કરું છું.

વિનિતા: તું શું કહીશ એમને?

હિમાની: એ જ એટેક નું.

વિનિતા: ના એવું કહીશ તો બંન્ને ગભરાઈ જશે. એક કામ કર હું કહું એમ કર. બંન્ને ને કોલ કરી કહે કે વિનિતાના પપ્પા (સસરા નહિ) પડી ગયા છે, થોડું લોહી વહી ગયું છે અને એમને લોહીની જરૂર છે તમે તાત્કાલિક રાત સુધીમાં હોસ્પિટલ આવી જાઓ. બંને જણા પપ્પાને જે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ ત્યાં આવી જશે અને એટલી ગભરામણમાં પણ નહીં હોય. પછી નિરાંતે સમજાવીશું.

(હિમાની જેમ કીધું એમ જ કર્યું)

હિમાની મધુમતીબેનને: મમ્મી હું સોસાયટીની બહાર એટીએમમાં જવું છું, પૈસા ઉપાડી લઉં છું, અને એમ્બ્યુલન્સ આવે એટલે એને અંદર લઈ આવું છું.

(હિમાની થોડીકવારમાં રૂપિયા 20 હજાર અને એમ્બ્યુલન્સ લઈને અંદર આવે છે)

વિનિતા: હિમાની, તું એમ્બ્યુલન્સવાળાને હોસ્પિટલનું એડ્રેસ આપી દે, મમ્મીને એમ્બ્યુલન્સમાં પપ્પા જોડે બેસાડી દે, આપડે તારા વાહન પર પાછળ પાછળ પહોંચી જઈએ. મેં આ મમ્મી-પપ્પાની કપડાંની બૅગ જરૂરિયાતની વસ્તુ સાથે તૈયાર કરી દીધી છે, મમ્મીની દવા પણ લઈ લીધી છે, કદાચ દાખલ કરવાના થાય ને રાત રોકવાનું થાય તો વાંધો ના આવે.

--એમ્બ્યુલન્સ આવે છે, પ્રોફેસરને એડમિટ કરે છે, રાતે બંન્ને ભાઈઓ પહોંચી જાય છે અને સાચી વાત સાંભળે છે, માઇનોર એટેક આવ્યો તો બે અઠવાડિયા બાદ પ્રોફેસર સાજા થઈ પાછા ઘરે આવે છે. --

---હવે પછીનો રવિવાર, મધુમતીબેન પ્રોફેસર ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય છે--

મધુમતીબેન: લો પ્રોફેસર, ચા જરાક મોળી મૂકી તી.

પ્રોફેસર: લે કેમ? આજે તે ચા મૂકી.

મધુમતીબેન: અરે કઈ નહિ. મેં જ છોકરા વહુઓને કીધું, આજે રવિવાર છે  થોડા મોડા ઉઠજો, હું કરી લઈશ સવારનું કામ. એટલે બધા રૂમમાં છે.

પ્રોફેસર: મધુ, સાચું કહું તો નસીબદાર આપણાં છોકરા કે વહુઓ નહિ પણ આપણે નીકળ્યા.

મધુમતીબેન: હા હું તમને એ જ કહેવાની હતી. એ દિવસે એકબાજુ હિમાની હોસ્પિટલમાં દોડી, પૈસા ઉપાડ્યા, ફટાફટ ફોર્મ અને પૈસા ભર્યા, ડૉકટર સાથે વાત કરી અને તમને એડમિટ કર્યા, બીજી બાજુ વિનિતાએ ઘર બધું જ સંભાળી લીધું. એક બાજુ વિનિતા ટિફિન તૈયાર કરતી અને બીજી બાજુ હિમાની રજા લઈ આપણને ટિફિન પહોંચાડતી. બન્ને દીકરા પણ પોતાની રીતે આવી જતા અને એમના ધંધા પાણી પણ સાચવી લેતા.

પ્રોફેસર: હું કોલેજમાં વિદ્યાર્થીઓને એવું કહેતો કે ઘર સંસારનો રથ પતિ પત્ની જેવા બે પૈડાં પર ચાલે છે પણ એક ખ્યાલ આજે આવ્યો કે રથ હંકારવા, આપણાં દીકરા,દીકરી,વહુ,જમાઈ જેવા અશ્વો પણ જરૂરી છે.

--અશ્વો એટલે ઘોડા--

--ગૌરવ, વિનિતા, પ્રકાશ, હિમાની બધા ઉઠીને ડ્રોઈંગરૂમમાં આવે છે--

મધુમતીબેન બધાને ઉદ્દેશીને: આવો બેટા, બેસો...

પ્રોફેસર: ગૌરવ, આપડે ગયા મહિને જે પેલી જમીનનો સોદો થયો એના દસ લાખ આવ્યા ને એમાંથી પાંચ પાંચ લાખ તું વિનિતા અને હિમાનીના નામે મૂકી દે. અને હા પ્રકાશ, હિમાની એ હોસ્પિટલમાં જે કઈ ખર્ચ કર્યો તો એ પણ એને મારા બેન્કમાંથી આપી દેજે.

ગૌરવ: કેમ અચાનક શું થયું પપ્પા?

પ્રકાશ: પપ્પા, અમારાથી કોઈ ભૂલ થઈ છે, કોઇ કઈ બોલ્યું?

પ્રોફેસર: તમે જે વહુઓ પંસદ કરીને લાવ્યા છો એ પરથી હું કહીશ કે તમે જીવનમાં કદીય ભૂલ નહિ કરો અને બોલવામાં તો મારું મન બોલ્યું કે આવેલા પૈસા આપણી દીકરીઓને આપી દઉં.

ગૌરવ: કેમ તમારે પૈસા નથી જોઈતા?
પ્રકાશ: આ પૈસા તો તમારા જ છે ને?

પ્રોફેસર: હું જેમ કહું છું એમ કરો. મને તો ખાલી હિમાનીના હાથની ચા, વિનિતાના હાથના ભજિયાં અને મધુ જોડે વાતો કરવા મળે એ જ મારા જીવનની મૂડી. જાવ દીકરીઓ મુકો ચા ને ભજિયાં.

હિમાની: પણ પપ્પા, હમણાં જ તો ચા પીધી. ડૉકટરે ઓછી કરવાની કીધી તી ને.
વિનિતા: અને પપ્પા, ડૉકટરે ઓછું તેલવાળું કીધું છે, તો ભજિયાં?

પ્રોફેસર: જો એક એટેક આવી ગયો, પણ આ હૃદય મને મારવા હજી બીજા બે એટેકનો સહારો લેશે. પણ મને બચાવવા માટે હજી બીજા પાંચ જણા છે મારી જોડે. અને તમારા હાથની બનેલી ચા અને ભજિયાં ખાતા ખાતા મૌત આવી જાય તોય અફસોસ શેનો. તમારા જ ઘરે બાળકો બની જન્મવાની મારી અને મધુની ઈચ્છા છે...નહિ મધુ?
(બધા હસી પડે છે)
- નિશાંક મોદી

Thursday, May 21, 2020

નાટક: વિરોધ

7 પાત્રો (4 બહેનો + 3 બહેનો ભાઈઓના પાત્રમાં)

*વિરોધ*

_(બેકગ્રાઉન્ડમાં બાળકીનો રડવાનો અવાજ)_

નિરુબેન: અલી મણી આ અવાજ શાનો? પેલા વગડામાંહી આવે સે.

મણીબેન: હા નિરુ, મેંય હોભર્યો હ. 

નિરુબેન: તો પછી રાહ સેની જુવેસો. હેંડો એ બાજુ.

_(બધી બહેનો એક તરફ જાય છે. ત્યાંથી એક બાળકી મળે છે.)_

ભારતીબેન: નખ્ખોદ જાય મારા રોયાઓનું, આવી ફૂલ જેવી સોડીને કાંટાની વાડમાં નાખી દીધી. અરે રે!

અર્ચનાબેન: આય હાય! એવી તો ચેવી માં? જીવ કેમ કરી હાલે એનો. ઈશ્વર પણ ખરું કરે સે નહિ, જેને જોઈએ સે એને આલતા નહી ને આલે સે એને પડી નહિ.

નિરુબેન: બીચારી આમાં સોડી નું શું વાંક? અરે એને પહેલા ધાબળામાં વીંટાળો. એને ઠંડીમાં કોંક થઈ ન જાય.

મણીબેન: હાલો આને ગામના પોલીસ ચોકીએ લઈ જઈએ. પોલીસવાળા જ નક્કી કરશેહ હું કરવું.

_(ચારે જણા પોલીસ સ્ટેશને જાય છે)_

ભારતીબેન: અરે સાહેબ! સાંભળો છો. અમે સ ન, કૂવે પાણી ભરવા જ્યાં ત્યા. ત્યાં અમને આ સોડી મળી, કૉકે તરસોડી દીધી લાગે સે. લો હાચવો.

પોલીસમેન: અરે આમ કઈ થોડી અમારાથી રખાય. મારે શહેરમાં રિપોર્ટ કરવું પડે. ત્યાંથી મહિલા બાળ આયોગ વાળા આવશે અને કેસ પ્રમાણે વાત આગળ વધશે. એમાંય આપડા ગામમાં કોઈ મહિલા પોલીસ નથી કે એ સાચવે.

હવાલદાર: તો હે સાહેબ, આ બહેનો જ કોને કે એમના ઘરે લઈ જાય અને કેસ પતે નહિ ત્યાં સુધી રાખે. હું ત્યાં સુધી રિપોર્ટ તૈયાર કરું અને શહેરમાં પોલીસ સ્ટેશને જાણ કરું.

અર્ચનાબેન: લ્યો સાહેબ આ તો અમે મદદ કરી અને તમે તો અમને જ કામે વળગાડયા

પોલીસમેન: બહેનો, તમે સમજો. અમે અહીં બે જ પુરુષકર્મી પોલીસ છીએ ને અમે અહીં બાળકીને નહિ રાખી શકીએ.

હવાલદાર: સાહેબ સો બસો આલી દો ને એટલે, દૂધબુધની વ્યવસ્થા કરી દે.

નિરુબેન: મારા રોયા! દૂધના પૈસા લેવાતા હશે. અમારી છાતીનું ધાવણ લજવાય. બે ટાઇમનું જમવાનું કરી લઈએ એટલું તો અમારો વર કમાઈ લેહે. હાલ, હું જ એને મારા ઘરે જ લઈ જવું. તમનેહ ભાળ મળહ તો ગામમાં કોઈ ન પણ પૂછજો કે લાખાનું ઘર ક્યાં? આ સોડી મળી જશે.

_(નિરુબેન બાળકીને લઈ ઘરે જાય છે એમના વર લાખા ને મળે છે.)_

લાખો: અલી નિરુ આ કુંણ સ?

નિરુબેન: કોઈની કમનસીબીને આપણી ખુદનસીબી.

લાખો: એટલે?

નિરુબેન: લાખા, કોઈએ આ સોડીને મરવા માટે ત્યજી દીધી તી. મને મળી.

લાખો: તો અહીંયા ચમ લાઇ.

નિરુબેન: લે તો વળી, આવી રૂપાળી સોડીને કઈ મરવા છોડી દેવાય!

લાખો: નિરૂડી, અલી આ કોઈનું પાપ હશે. તારે શું? મેલી આય જા, ત્યો જ.

નિરુબેન: ખબરદાર લાખા, કઈ આડુંઅવળું બોલ્યો સ તો, મારા જેવું ભૂંડું કોઈ નહિ હોય.

લાખો: પણ તું સમજ તો ખરી, કોણ સ આ, ચ્યો થી આઈ, રઝળી છે કે કોઈએ ફેંકી દીધી છે.

નિરુબેન: જો લાખા, હું શું કહુશું, એવું પણ બન ન કે, પરમેશ્વર ને આટલા વર્ષે અફસોસ થયો હોય ને આ મારું વાંઝણાપણું દૂર કરવા માટે આ દેવીને ઓપડા ઘરે વળાવી હોય.

લાખો: તારી કશિય વાત મારે ન થ હાભળવી, તું મેલી આય ઓને.

નિરુબેન: ના લાખા, મેં નક્કી કર્યું સ, મું જ આને ઉછેરીશ, ભલહ તું મનહ સાથ દે કે નો દે.

લાખો: તું જીદ નહિ મેલે એ તો મનેહ ખબર સ. અને તને એય ખબર સ કે આ લાખો તારી જીદ પુરી પણ કરશે. તો સાંભળ, આજથી આ માત્ર તારી નહીં પણ આપડી સોડી સ. અને કાલહ ગામ પંચાયતમાં આપડો આ સોડીને ખોળે લેવાનો વિરોધે થશે. પણ યાદ રાખજે, આ ગામ સોડીને જવાનું થાય તો પણ ભલે થાય પણ આ સોડીને હવે એના નવા માં બાપ થી કોઈ જુદું નહિ કરી શકે.

_(લાખો, નિરુબેન ખભે હાથ રાખી દે છે અને બાળકીને હાથમાં રાખે છે)_

Narrator Speech (અંતિમ સ્પર્શ:): એમ બને કે પહેલાં ઈશ્વર કદીક આપવાનું ભૂલી જાય અને પછી મન મુકીને આપે. એમ બને કે પોતાના હોય કે પારકા બધા વિરોધ કરે પણ સતકર્મ અને શુદ્ધ મન જ્યાં ભળે ત્યાં, અંત સુખદ જ હોય છે.

જ્યાં આ જમાનો આખોય મારી વિરોધમાં હતો,
ને ત્યાં કદાચ મારો ઈશ્વર જ મારી શોધમાં હતો.

- નિશાંક મોદી

Saturday, April 18, 2020

ટૂંકીવાર્તા: લોકડાઉન

ટૂંકીવાર્તા: લોકડાઉન

"ઓહ! ડૉ. ઉર્વશી હવાલદાર, આ ફરીથી માથું ચઢ્યું છે, ઓલી એસ્પિન આપને" પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ હવાલદારે ડૉકટર પત્નીને રોજિંદી ફરિયાદ કરી.

"એસ્પિન નહિ...ઍસ્પિરિન. આ લો... કેટલી વાર કહ્યું છે કે લોકો જોડે માથાજીક ન કરો, માથું દુઃખે જ ને" ડૉકટર પત્ની ઉર્વશીએ સલાહ આપી.

"તને શું લાગે છે કે લોકો જોડે લમણાં લેવા મને ગમે છે, અમુક જ્ઞાન આપનારી ઉબેટો તો એવી મળે આપણને એમ થઈ જાય કે આજ મારા કમિશ્નરને ગુરુ છે."  બે ઍસ્પિરિનને ચાર પાણીના ઘૂંટડાએ સાબિતી પુરી

"ચાલો તમે પંદરવીસ મિનિટ આડા પડો. પછી મને હોસ્પિટલ છોડી તમે ડ્યૂટી પર જાવો. અને હા, આ હું નવું માસ્ક લઈને આવી છું, સહેજ કરડશે પણ જરીકવાર માટે પણ નીકાળતાં નહિ. હાલ કોરોનાનો કહેર વર્તાયો છે." ડૉકટરે ઇન્સ્પેક્ટરને ચેતવણી આપી.

મિસ્ટર કે.એમ આમ તો ઇન્સ્પેકટર હતા પણ એમની અટક 'હવાલદાર' બાપદાદાની વિરાસતમાં મળી હતી. એમનું ખાનદાન પોલીસમાં જ જોડાય અને અંતે દરેક વ્યક્તિ હવાલદાર બની જ રિટાયર્ડ થાય. ધીરે ધીરે આખું ગામ હવાલદાર પરિવારથી જ ઓળખાવા લાગ્યું. સૌથી ઊંચાઈ પર પહોંચનાર એક વિરલો એટલે 'ઇન્સ્પેકટર કે.એમ હવાલદાર'

"ચાલો ઉઠો, મારે મોડું થાય છે, આજે હોસ્પિટલમાં ઘણા પેશન્ટ છે. તમારે પણ જવાનું છે, આજે ક્યાં ડ્યૂટી છે આ લોકડાઉનમાં?" ડૉકટરે ફરજ યાદ દેવડાવી.

"ગાંધીચોક પાસે, પણ પહેલા યુનિફોર્મ તો પહેરી લે, ખબર નહિ આપણને કોઈક રોકે તો" શર્ટના બટન વાસતા વાસતા ઇન્સ્પેકટર કડક થયા.

"હાહાહા...આટલો મોટો ઇન્સ્પેકટર મારી જોડે છે ને મને કોણ રોકવાનું" બન્ને જણા ડ્યૂટીના યુનિફોર્મ પહેરી તૈયાર થયા. બસ ફરક એટલો હતો કે આજે એક મેડિકલ માસ્ક ઇન્સ્પેકટરના ચહેરા પર પણ હતો.

પોતાની પત્નીને હોસ્પિટલમાં છોડી ઇન્સ્પેકટર પંદર મિનિટ દૂર આવેલા ગાંધીચોક પર પહોંચી ગયા. જતાની વેંત ડૉકટર ઉર્વશી પણ પેશન્ટની ચકાસણીમાં લાગી ગયા. બપોર પડી અને સવારથી પેશન્ટ જોઈ જોઈ થાકેલા બધા ડૉકટર્સ ડૉકટર કેબીનમાં જમવા ભેગા થયા. રોજબરોજની ટેવ કરતા આજે જરાક જુદું હતું, કોઈ એકબીજાના ટીફીનમાંથી ખાઈ નતા શકતા અને દરેક ખુરશી વચ્ચે વચ્ચે સરેરાશ પાંચ ફૂટનું અંતર હતું. એક વસ્તુ બદલાઈ ન હતી, વાતો. રોજબરોજની જેમ જ વાતો શરૂ થઈ.

"ડૉ. ઉર્વશી, આમને મળો, આપણી હોસ્પિટલના નવા ડૉકટર મિસ. બીજલ, આ લોકડાઉનના દિવસો પહેલા જ ધોળકાથી અહીંયા શિફ્ટ થયા છે, સારા એવા ન્યુરોફિઝિશયન છે" સિનિયર ડૉકટરે ઓળખાણ આપી.

"હાય, હું ડૉ. ઉર્વશી હવાલદાર, પીડિયાટ્રીશિયન" ઉર્વશીએ વધુ માહિતી આપી.

"હેલો, હું ડૉ. બીજલ મહેતા, પણ તમે હવાલદાર? સરનેમ લાગે છે?" બીજલનો સવાલ સાંભળી બધા ડૉકટર્સ સાથે હસી પડ્યા. દરેકને પહેલીવારમાં નવાઈ લાગતી.

"હા, લગ્ન પછીની સરનેમ છે પણ મારા હસબન્ડ ઇન્સ્પેકટર છે." ડૉ. ઉર્વશીએ ચોખવટ કરી.

લંચ પતાવી, બધા કામે વળગ્યા. હોસ્પિટલમાં કોરોના સિવાયના બાકીના સાંજના કેસ ઓછા થઈ ગયા તા. પેંશન્ટ પણ ઘણીવાર ઘરેથી જ ફોન કરી દવા પૂછતાં હતા.

એક અઠવાડિયામાં તો ડૉકટર ઉર્વશી અને બીજલ તો ઘણા નજીક આવી ગયા જાણે કોલેજની બે બહેનપણી જ સમજો ને. એક વખત લંચમાં ડૉકટર બીજલે નવાઈ પામતા પૂછ્યું કે, "આ તમારા અને ઇન્સ્પેકટરના મૅરેજ, થોડું ઓડ કોમ્બિનેશન નથી લાગતું?"

"છે ને ઘણું ઓડ છે, મોટાભાગના લોકો એને સમજી જ નથી શકતા" ડૉ. ઉર્વશીએ વાત આગળ વધારી.

"લગભગ બાર વર્ષ પહેલાં હું જ્યારે એમ.બી.બી.એસ. ના લાસ્ટ યરમાં હતી ત્યારે, ઇન્સ્પેકટર કે.એમ...ડ્યૂટીથી પણ હવાલદાર જ હતા. જ્યારે કે.એમ નવા નવા સીટી પોલીસમાં જોડાયા ત્યારે તેમની ડ્યૂટી, ટ્રાફિક પોલીસ સાથે મળીને કામગીરી કરવાની હતી. હું ટુ વહીલર પર હતી. હેલ્મેટનો નિયમ તો હતો, પણ તને તો ખબર છે કે દુપટ્ટા, સનગલાસ આ બધું હેલ્મેટ જોડે ક્યાંથી ફાવે. આપડે બિન્દાસ નીકળી ગયા અને ત્યારના હવાલદાર અને આજના ઇન્સ્પેકટર જોડે મારો સામનો થયો. મેમો ફાટ્યો ત્યાં સુધી મેં ખૂબ આનાકાની કરી પણ અમારા એ ન માન્યા એ ન જ માન્યા. હેલ્મેટ ના પહેર્યાંનો ફાઇન ભરીને મેં એક સિલિ સવાલ પૂછી લીધો કે આની વેલીડિટી કેટલી? સામે પુછાયું કે "શેની વેલીડિટી?" મેં ચોખવટ કરી કે, "આઈ મીન, કે હું કેટલા દિવસ સુધી આ હેલ્મેટ ના પહેરું તો ચાલે, આ મેમો સાથે રાખીને" કે.એમ ને મનમાં બોલાઈ જ ગયું હશે કે, "તમે ભણેલા તો છોને? પણ કદાચ મારો પહેરવેશ જોઈ અટકી ગયા" પણ નિયમ સમજાવતા કહ્યું કે, "દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ ના પહેરવું એ ગુનો છે, આ મેમો કોઈ પીયૂસીનું સર્ટિફીકેટ નથી કે જેની એક્સપાયરી ડેટ હોય. આજનો દિવસ ચાલી જશે પણ હેલ્મેટ જરૂર થી પહેરજો નહિતર કાલે ફરી દંડ થશે"

"આ તો તમારી પહેલી મુલાકાત, એમાં કોઈ લગ્ન થોડા કરી લે?" બીજલનો સવાલ વ્યાજબી હતો.

"ના હવે, આ મુલાકાત પછી કઈ થોડા અમે કઈ લગ્ન કરી લીધા. હું જ્યારે છેલ્લે વધુ ટ્રેનિંગ માટે રેસિડેન્સીલિય ડૉકટર તરીકે ફરજ નિભાવતી હતી ત્યારે અમારી કોલેજ કમ હોસ્પિટલ અને એમની પોલીસ ચોકી એક જ વિસ્તારમાં આવતા. વારંવાર પોલીસ કેસના સંદર્ભમાં એમને હોસ્પિટલમાં આવવાનું થતું. ઘણી વખત પેંશન્ટની ટ્રીટમેન્ટ ચાલતી હોય એટલે એમને કેફેટેરિયામાં બેસવાનું થતું. મારી અને એમની ઘણી બધી મુલાકાતો થઈ અને અમને બંન્નેને એકબીજા પ્રતેય આકર્ષણ લાગ્યું અને પરિણામે અંતે અમે પરણી ગયા. એક વાત હતી અમારા બંન્નેના ક્ષેત્ર અલગ હતા પણ પોતાના ક્ષેત્રમાં બન્ને ઉગતા તારલા જેવા જ હતા. અમે લગ્ન પછી પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ મહેનત કરી અને સમયે સાથ આપ્યો, આજે હું એક બાળકોની નિષ્ણાત ડૉકટર છું અને એ મિસ્ટર હવાલદાર એક ઇન્સ્પેકટર"

"તમારી વાત સાંભળીને ખૂબ નવાઈ લાગે છે. આવું પણ કઈ હોતું હશે. વાહ ડૉ ઉર્વશી, કેવા નસીબદાર છો તમે?" ડૉ. બીજલના અવાજમાં આશ્ર્ચર્ય હતું.

અચાનક ડૉ ઉર્વશીનો ફોન રણક્યો. સામે છેડેથી અવાજ હતો કે, "હા, કોણ ઉર્વશી મેડમ?

"હા, હું ડૉ. ઉર્વશી, આપ કોણ?"

"મેડમ, હું પીસીઆર વાનનો ડ્રાઇવર બોલું છું, અમે સાહેબ સાથે ગાંધીચોક પર ઉભા હતા ત્યાં અચાનક અસામાજિક તત્વોએ લોકડાઉન થોડી તોફાન મચાવ્યુ. ઇસ્પેક્ટર સાહેબે ખૂબ પ્રયત્ન કર્યા પણ ટોળું, ટોળાના પથ્થરો જેવા માણસો કઈ સમજી ન શક્યા. સાહેબે એકબાજુ કંટ્રોલરૂમમાં ફોન કરી મદદ મંગાવી અને બીજીબાજુ પરિસ્થિતિ ઠારે પાડવાની કોશિશ કરી. મદદ આવતા પહેલા, તંગદિલી વધુ સર્જાઈ, સાહેબ અને બીજા બેચાર કર્મચારી ઘાયલ થયા છે. સાહેબે બેભાન થતા પહેલા તમારું નામ, મોબાઈલ નંબર અને હોસ્પિટલનું સરનામું આપ્યું છે, હું બધાને લઈ આવું છું."

ડૉ. ઉર્વશી ગભરાઈ ગયા, તાત્કાલિક એમને હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં જાણ કરી, તૈયારી કરાવડાવી. પંદર મિનિટમાં પીસીઆર વાનનો ડ્રાઇવર બધાને લઈ આવી પહોંચ્યો. સૌથી વધુ હાલત ખરાબ ઇન્સ્પેકટર કે. એમ ની હતી. માથામાં ઇજા હતી. ટ્રોમા સેન્ટરમાં પહેલેથી જ બધી તૈયારીઓ હતી. પ્રાથમિક સારવાર બાદ એક બે દિવસે બધું શાંત પડ્યું. આજે ઇન્સ્પેકટર કે.એમ.હવાલદાર ભાનમાં આવ્યા. ડૉ. ઉર્વશીએ એક દિવસ માટે પણ મિસ્ટર હવાલદારથી અળગા ન થયા. 

થોડાક સ્વસ્થ થયાને પછી ડૉ. ઉર્વશીએ ડૉ. બીજલનો પરિચય કરાવતા કહ્યું કે, "જુઓ હું ભલે તમારી પત્ની ડૉકટર છું પણ આ હોસ્પિટલમાં તમે દર્દી છો અને આ બીજલ તમારા ડૉકટર છે, માથામાં ઇજા હતી એટલે આમના વિભાગે જ સારવાર અને દેખરેખ રાખી, તમે ફરી બાળક બની ઘરે આવો એટલે હું તમારો ઈલાજ કરીશ" હવે ડૉ. ઉર્વશી હાશકારો લઈ પોતાના વિભાગના દર્દીઓ તરફ વળ્યાં.

"થેન્કયું, ડૉ. બીજલ" ઇન્સ્પેક્ટર કે.એમ. હવાલદાર જરાક હલ્યા.

"મિસ. બીજલ કહો.... તો હવાલદાર કુંવરજીત હવે ઇન્સ્પેકટર કે.એમ હવાલદાર બની ચુક્યા છે...એમ ને. તમારી માથા પરની ઇજા એટલી પણ ઊંડી ન હતી કે ધોળકામાં તેર વર્ષ પહેલાં તૂટેલા એક હૃદયની ઘાતને ભુલાવી દે. ના ઓળખાણ પડી, હું બીજલ જેને તમે એકતરફી પ્રેમ કરતા હતા અને લગ્ન પ્રસ્તાવ મુક્યો તો" ડૉ. બીજલે વધુ ઊંડો ઘાવ કર્યો.

"ઓહ, તું અહીંયા, આઈ મીન, તમે અહીંયા" ટોળાથી ના ડરેલા  ઇન્સ્પેકટર હાલ ગભરામણમાં હતા.

"હા, હું થોડાક સમય પહેલા જ ધોળકાથી અહીં શિફ્ટ થઈ છું. ગભરાવાની જરૂર નથી, મેં ઉર્વશીને કોઈ જ વાત નથી કરી અને કરીશ પણ નહીં. પણ મેં કદીય સપનેય વિચાર્યું ન હતું કે, તમે મને આ રીતે ફરી મળશો, એક પેશન્ટ તરીકે. એક વાતનો અફસોસ જરૂર રહેશે કે હું તમારી કાબીલીયતને તેર વર્ષ પહેલા ન સમજી શકી. મારા તમને ના પાડવાના બે કારણ હતા. એક એ કે તમે એ વખતે હવાલદાર તરીકેની સામાન્ય ફરજ નિભાવતા હતા અને બીજું કે હું ડોકટરી ની તૈયારી કરી રહી હતી અને આપણાં ક્ષેત્રો અલગ હતા. હું મારા ફિલ્ડમાં આગળ વધી પણ મનમાં એવો વિચાર ના આવ્યો કે બીજા લોકો પણ પોતાના ફિલ્ડમાં આગળ વધ્યા હશે. આજે આ લોકડાઉન આવ્યું ત્યારે આપણે બંને અને આપણા જેવા ઘણા બધા પોતાની ડ્યૂટી પર લાગી સેવા આપી રહ્યા છે...તો શું થયું તેર વર્ષ પહેલાં એક કહાણી સફળ ન થઈ, આપણી સેવાથી જો દેશ સફળ થાય તો આપણે સફળ જ કહેવાઈએ ને. તમારે કઈ જ બોલવાની જરૂર નથી, આરામ કરો, અને હા રિપોર્ટ્સ બધા નોર્મલ છે, તમારા અને તમારા વિસ્તારમાં ચાલી રહેલા લોકડાઉનના"

એક તરફી પ્રેમ અને એક સફળ પ્રેમકહાનીની સાક્ષી એવી ડૉ. બીજલ અંતે એટલું કહ્યું કે, "વાહ મિસ્ટર કુંવરજીત, કેવા નસીબદાર છો તમે પણ ઉર્વશીની જેમ જ? ઓડ કોમ્બિનેશનવાળી વાત કદાચ ડૉ. ઉર્વશી સમજી ગયા તા, જો હું સમજત તો આજે તમારો ઈલાજ કરનાર મિસ. બીજલ નહિ પણ કદાચ ડૉ. બીજલ હવાલદાર હોત. આશા રાખું છું કે આવી બીજી ઘણી વાતો બીજા લોકો સમજે અને આ લોકડાઉન પણ આજ રીતે જલ્દી પૂરું થઈ જાય..." 

અંતિમ સ્પર્શ:
મારી જાતને વાત ભૂલી બસ મારી ફરજ નિભાવુ છે,
આમ મારા ત્રાજવાનું પલ્લું, હું તારી તરફ નમાવું છું.
- નિશાંક મોદી

Friday, April 10, 2020

ટૂંકીવાર્તા: એક બંધ બારણું

ટૂંકીવાર્તા: એક બંધ બારણું

'ભીલામાસી, આ દરવાજો શાનો છે?' ગયા અઠવાડિયે જ નવી પરણીને આવેલી સુનંદાએ ઘરમાં કામ કરી રહેલા કામવાળા માજીને પૂછ્યું.

'મને નથ ખબર બૂન, હું તો જયારથી આવી ત્યારથી બંધ જ છે.' ભીલમાસીએ બંધ બારણાં પર લાગેલા અરીસાને સાફ કરતા કરતા જ જવાબ આપ્યો.

'અરે! પણ તાળું તો જુઓ, કેટલું મોટું છે?'

'બૂન, મનહ હું ખબર પડહ ઓમાં?' બંધ બારણાં પરનો અરીસો હજુ પણ ધૂંધળો જ હતો.

જેમ આજના મોર્ડન જમાનામાંય હજી એરેન્જ મૅરેજ થાય છે, બસ એ જ રીતે સુનંદા અને સૌમિલના લગ્ન થયા હતા. આજના જમાનાની જેમ જ કોઈ સ્ત્રી પોતાના મનગમતા પાત્રને છોડી, માતાપિતાએ નક્કી કરેલા પુરુષ સાથે પરણી જાય એમ જ સુનંદા 'માહિર' ને ભૂલી સૌમિલને પરણી ગઈ હતી. ઊંચું ખાનદાન, પૈસાથી ધનવાન, કદમાં બળવાન અને રૂપમાં એને જોઈ કોઈનીય નીકળી જાય જાન...એવા સૌમિલને સુનંદા માટે શોધ્યો હતો. સુનંદા પણ માતાપિતાની આજ્ઞા માનીને પોતાના પ્રથમ પ્રેમ 'માહિર' ને ભૂલી ચુકી હતી. સામે છેડે સૌમિલ, સ્વભાવમાં સૌમ્ય, સરળ, શાંત અને શાલીન હતો.

'મને લાગે છે, મમ્મીજી ને ખબર હશે આ દરવાજાની' સુનંદાને વળ ન પડી, પહેલા માળથી નીચે ગઈ ને પૂછ્યું કે,

'મમ્મીજી, આ મારા રૂમમાં એક બારણું છે એ શેનું છે?' 

'કઈ નહિ વહુ બેટા, ખાલી સ્ટોરરૂમ જેવું છે. તમારા આટલા મોટા રૂમની સામે એ ખાલી એક નાની ઓરડી છે, જેમાં અઢળક સામાન પડ્યો છે.'

'પણ તાળું આટલું મોટું કેમ?' સુનંદાએ ભાવ પ્રગટ કર્યો.

'જૂનું ઘરમાં પડેલું હતું એટલે લગાવી દીધું તું, એની તો ચાવીય નથી આપડી જોડે'

'હશે બા, આમેય મારાને સૌમિલ માટે અમારો રૂમ ખાસો મોટો છે' સુનંદા એ વાત પડતી મૂકી.

'સુનંદા, એક કામ કરને, તારા હાથથી બનાવેલી એક કોફી પીવડાવને, આજે બહુ  થાકી ગયો છું.' સાંજે ઓફિસથી ઘરે આવતા સોફા પર બેસતાની સાથે જ સૌમિલ બોલ્યો.

એક પુરૂષને ભૂલી બીજા પુરૂષને આટલા ટૂંકા ગાળામાં પ્રેમ કરવો, થોડુંક અઘરું હતું પણ સુનંદા એ સ્વીકારી લીધું હતું. સ્ત્રી પ્રેમીને ભૂલી શકે પણ પ્રેમને નહિ. બસ એમ જ સૌમિલ પ્રતેયનો પ્રેમ પણ એટલો જ મજબૂત હતો અને સુનંદા બીજા રસ્તેથી વળી, સૌમિલ તરફ ઢળી ચુકી હતી.

કોફી પીધા બાદ જમવાની થાળી પીરસાઈ ગઈ. ચૂપચાપ જમ્યા બાદ સૌમિલ અને સુનંદા પોતાના રૂમ તરફ વળ્યા. થાકીને આવેલો સૌમિલ પડતાવેત સુઈ ગયો. સુનંદાને ઊંઘ ના આવી.એ ઘણા સમય સુધી, બારણું, અરીસો, તાળું અને બારણાંની ઉપર હાથ ન પહોંચી શકે એવી ગોખલી તરફ જોઈ રહી. એને એમ થયું કે, કાલે સવારે સ્ટોરરૂમ ખોલી સાફ કરાવી દઉં.

બીજો દિવસ ઉગ્યો, ભીલામાસી રૂમની સાફસફાઈ માટે આવી ગયા.

'સૌમિલ, હું શું કહું છું કે, આ સ્ટોરરૂમની ચાવી નથી આપણી જોડે? આ તાળું ખોલીને ભીલામાસી જોડે સ્ટોરરૂમની સાફસફાઈ કરાવી દઉં.'

'એ બધું તું રહેવા દે, ભીલામાસી ક્યાં આ ઉંમરે બધો સામાન હટાવશે.'

'હું મદદ કરાવીશ ને પણ'

'રહેવા દે... તાળાની ચાવી નથી અને હાલ હું કોઈને તાળું તોડવા બોલાવવા જવાનો નથી, ચાલ હું ઓફિસ જવા નીકળું છું.'

સાથે રહેનાર વ્યક્તિઓ પરસ્પર એકબીજાને પ્રેમ કરતા થઈ જ જાય છે. એરેન્જ મૅરેજ કરેલા સુનંદાને સૌમિલ પણ એકબીજાને ખૂબ ચાહવા લાગ્યા તા. એક સુખી લગ્નદંપતિએ એક બાળક માટેના પ્રયત્ન ચાલુ કર્યા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. ભીલામાસી પણ થોડાક વધુ ઘરડા થવા લાગ્યા અને આંખના ચશ્માં ધૂંધળા હોવાને લીધે ચોખ્ખો બંધ બારણાં પરનો અરીસો સાફ કરતા રહ્યા.

ઘણા સમય પછી, સારા સમાચાર હતા, ઘરમાં કોઈકના આવવાના એંધાણ મળ્યા. સુનંદાને સારા દિવસો હતા. ડોકટરે એટલું જ કહ્યું કે, તમારી ખુશી બમણી થઈ જશે. આટલા વર્ષોમાં સૌમિલ આટલો ખુશ ક્યારેય ન હતો. હવે તો ઓફિસથી પણ જલ્દી ઘરે આવી જતો. સાંજે બન્ને જણા થોડું વૉક પણ કરતા. આવા સમયે સ્ત્રીને જુદી જુદી ચીજવસ્તુઓ ખાવાની ઈચ્છા થાય. સૌમિલ જે માંગે એ લઈ આવે. ખૂબ ખુશ થઈ બન્ને જણા બાળકના આવવાની રાહ જોવા લાગ્યા. સમય જતાં ક્યાં વાર લાગે છે. આઠમો મહિનો પૂરો થયો ને નવમો બેઠો. હવે, સુનંદા પાસે બાળક જોડે વાત કરવા અને આરામ કરવા સિવાય બીજું કોઈ કામ ન હતું.

સવારે સૌમિલ વહેલો ઓફિસ ગયો તો અને ભીલામાસી મોતિયા ચઢેલી ધૂંધળી આંખે રૂમ અને અરીસો સાફ કરવા આવ્યા. આજે સ્ટોરરૂમમાંથી કોઈક પાંખ ફફડવાનો અવાજ આવ્યો. વધુ ફફડાટ થતા જ, સુનંદાએ ભીલામાસીને કહ્યું કે, 'મને ડર લાગે છે, હવે તો આજે આ બારણું ખોલવુ જ પડશે. તમે કોઈકને બોલાવી આવો.'

થોડીકવારમાં ભીલામાસી ફેબ્રિકેશનવાળાને ત્યાં કામ કરતા પોતાના ભાણીયા લઈને આવ્યા. લુહારનો એક હથોડો તાળાં પર પડ્યો ને તાળું હવે તાળું ના રહ્યું. આખરે સુનંદાએ સ્ટોરરૂમનો દરવાજો ખોલ્યો. ખોલતાવેંત એને ખૂબ નવાઈ લાગી. આખો સ્ટોરરૂમ ખાલી હતો. વિચારતી હતી કે તો પછી અવાજ શેનો હતો. ત્યાં જ એની નજર એક સંખેડાના પારણું હતું એના પર પડી. જેમાં એક કબૂતર ગભરાઈને ઉડવાની કોશિશ કરી રહ્યું હતું. કદાચ એ ઉપરની નાની ગોખલીમાંથી જ અંદર આયુ હશે અને કોઈ આકસ્મિક કારણસર એની પાંખ ચિરાઈ હતી અને એ પારણાંમાં ફસડાઈ પડ્યું તું. આવી હાલતમાં પણ સુનંદા એની મદદે આવી અને એના શરીર પર પ્રેમથી હાથ ફેરવવા લાગી. થોડાક સમયમાં કબૂતર તો શાંત થઈ ગયુ પણ સુનંદાનું મન વિચારોમાં ફસડાઈ ગયું તું.

તાળું તોડવાની વાત ખબર પડતાં જ, સુનંદાના સાસુએ સૌમિલને ફોન કર્યો.  બધું જ કામ પડતું મૂકી સૌમિલ ઘરે આવ્યો. એને ખ્યાલ જ હતો કે સવાલ શું હશે.

'સૌમિલ, આ શું? આખો સ્ટોરરૂમ તો ખાલી છે અને ખાલી એક પારણું, મને કંઈ જ સમજાતું નથી.'

'સુનંદા, તું બેસ, હું તને સમજાવું. એક વાત કહું જે કઈ કહું શાંતિથી સાંભળજે, અકળાતી નહિ, આ પરિસ્થિતિમાં તારે ધ્યાન રાખવાનું છે.'

'સારું ચલ, હવે જલ્દીથી મને કહે આ બધું શું છે?'

'તું બીજવરને પરણી છે અને તું મારી બીજી પત્ની છે' સૌમિલે મોંઢા પર લાગેલું ચાર વર્ષ જૂનું તાળું તોડ્યું.

'હે!' સુનંદાનો ધ્રાસકો કબૂતર કરતા પણ વધુ પીડાદાયક હતો.

'પરિતા...એનું નામ હતું પરિતા, મારી પહેલી પત્ની. ચાર વર્ષ પહેલાંની આ વાત છે, મારા અને પરિતાના લગ્ન થયા તા, પ્રેમ લગ્ન કે એરેન્જ મૅરેજ બધું ભેગું કહી શકાય. અમે એકબીજાને પ્રેમ કરતા તા અને ઘરવાળાની મંજૂરી હતી. અમે બન્ને જેમ આજે આપણે ખુશ છીએ એમ જ ખુશ હતા. લગ્નના એક વર્ષની અંદર જ સારા સમાચાર મળ્યા તા. નવમા મહિને એને એક ઈચ્છા જાગી કે આપણે આપણા બાળક માટે સ્પેશિયલ સંખેડાનું ઘોડિયું લાવીએ. લાકડાની કારીગરી માટે વખણાતું સંખેડા ગામથી ઘોડિયું લાવવું સહેલું તો ન હતું. મેં એને ખૂબ સમજાવી. એણે કીધું, ક્યાં દૂર છે, એક દિવસમાં તો જઈ, લઈ ને સાંજે તો પાછા આવી જઈશું. ખ્યાલ નહિ સ્ત્રીહઠ હતી કે બાળહઠ પણ અમે બીજી જ સવારે સંખેડા ગામે ઘોડિયું લેવા કારમાં ઉપડ્યા.'

'બધું શાંતિથી પતી ગયું, સંખેડા પહોંચી ગયા, સરસ ઘોડિયું લઈ લીધું અને અડધે રસ્તે પાછા વળતી વેળાએ એને લેબર પેન ઉપડ્યું. મારે કાર એક નાના ગામડાની કોઈ હોસ્પિટલ તરફ વાળવી પડી. પરિતા અને અમારા બાળકે ખૂબ પીડા વેઠી પણ હોસ્પિટલની અપૂરતી વ્યવસ્થાને કારણે એ બન્ને જણાએ જીવ ગુમાવ્યા. મારા જીવનનો આ એક ગંભીર અકસ્માત હતો. સ્ત્રીહઠ કે બાળહઠ સામે એક પુરુષ હારી ગયો તો. અમે એમ્બ્યુલસમાં પાછા વળ્યા તા ત્યારે એમાં એક જીવ વગરનો આત્માવાળો પુરુષ, બે આત્મવગરના શરીર, એક સંખેડાનું ઘોડિયું અને ત્યાંથી જ લીધેલો એક અરીસો હતા'

'ઘટના બાદ હું એક વર્ષ ખૂબ ઉદાસ થઈ ગયો હતો, ઘણી વખત હું મારા કામ કરવામાંય મનથી સક્ષમ નતો રહ્યો. આ ઘાવ ભૂલવા માટે મેં ઘરમાંથી એમની યાદ દેવડાવતી બધી જ ચીજવસ્તુઓ કાઢી દીધી. પાછા વળતી વેળાએ, પરિતાએ મને કહ્યું હતું કે, આ અરીસો હું આપણા સ્ટોરરૂમના દરવાજે લગાવીશ અને આપણા બાળકને મસ્ત આ સંખેડાના પારણે ઝુલાવીશ. જાણે જતા જતા એ કહેતી ગઈ કે આજ મારી છેલ્લી ઈચ્છા છે.'

'એને ભૂલી સ્વસ્થ રહેવા, એની બધી જ વસ્તુઓ મેં નીકાળી દીધી, બસ આ બે વસ્તુઓ હું ના કાઢી શક્યો. થોડાક સમય બાદ મેં પારણું સ્ટોરરૂમમાં મૂકી, તાળું મારી દઈ, ચાવી ફેંકી દીધી અને એની છેલ્લી ઈચ્છા મુજબ અરીસો આ બારણે લગાવી દીધો.'

'આપણા લગ્ન પહેલા મેં આ વાત તારા માતાપિતાને કરી હતી. જેમાં એમને કોઈ બાધ ન હતો. હું તને પહેલીવાર મળવા આવવાનો હતો ત્યારે મેં વિચાર્યું તું કે હું તને બધું જણાવી દઈશ, પણ તને મળ્યા પછી હું તને પણ ખોવા નતો માંગતો, એટલે મેં આ વાત કદીય નથી કરી. તારા મમ્મી પપ્પાએ તું જે વ્યક્તિના પ્રેમમાં હતી એની પણ સંપૂર્ણ માહિતી મને આપી હતી જેમાં મને પણ કોઈ બાધ ન હતો. કદાચ આપણા રસ્તા જુદા હશે પણ મળવાનું નક્કી હશે એટલે આપણી મંજીલ પણ એક થઈ.'

'હું તારો ગુનેગાર તો છું પણ મને સમજાતું નથી કે હું શું કરું. એક વસ્તુ કહીશ કે હું ફરીથી ગમતી વ્યક્તિઓ ગુમાવવા નથી માંગતો.' 

બે દિવસ સુધી સુનંદાએ ખૂબ વિચાર કર્યો અને કોઈની જોડે વાત ન કરી. એણે મનમાં વિચાર્યું કે, પુરૂષ પણ પહેલી પત્નીને ભૂલી શકે પણ પ્રેમને નહિ. સૌમિલ બીજા રસ્તેથી વળી ગયો છે ને મારા તરફ ઢળી ચુક્યો છે. સુનંદાનો પણ સૌમિલ પ્રતેયનો પ્રેમ એટલો જ મજબૂત હતો. જૂની વાતો ભૂલી સુનંદાએ સૌમિલ જોડે બેસીને વાત કરવાનો નિર્ણય લીધો.

'સૌમિલ, હું જૂની વાતો ભૂલી હવે નવી શરૂઆત કરવા માગું છું, આપણો સંબંધ આ ખુલ્લા બારણાં જેવો રહેશે જે હવે ક્યારેય બંધ નહિ થાય. તે પરિતાની એક જ ઈચ્છા પૂરી કરી તી, અરીસો લગાવવાની, હવે આપણે બન્ને મળીને એની બીજી ઈચ્છા પૂરી કરીશું, આપણા બાળકને આ સંખેડાના પારણે જ ઝુલાવીશું'

નવમા મહિને સુનંદા અને સૌમિલના ઘરે બે બાળકો (ટ્વીન્સ) જન્મ્યા, એક છોકરોને એક છોકરી. ડોકટરે કિધેલી બમણી ખુશી હવે સમજાઈ રહી હતી.

સૌમિલે પૂછ્યું કે, 'શું નામ રાખીશું?' 

સુનંદાએ ક્ષણિકભર પણ વિચાર કર્યા વગર કહ્યું, 'પરિતા'

સુનંદાએ કીધું કે, 'બાબાનું નામ તું રાખ'

સૌમિલે પણ સુનંદાના પહેલા પ્રેમનું માન જાળવી રાખતા કહ્યું કે, 'માહિર'

છેલ્લા મહિનામાં ઘણી સારી વાતો બની. સુનંદાને સૌમિલનું ફરી એકવાર સ્નેહમિલન થઈ ગયું હતું. હોસ્પિટલમાં ભીલામાસીએ પણ મોતીયાનું ઓપરેશન કરાવી દીધું તું, હવે એમની આંખો, નજર, ચશ્માં અને ઘરનો અરીસો કશુંય ધૂંધળું ન હતું. ઘરનું જે બારણું વર્ષોથી બંધ હતું એ હવે એ કાયમ માટે ખુલી ગયું હતું. સંખેડાનું પારણું બાળકોના કિલકિલાટ સાથે ઝૂલી રહ્યું હતું. કબૂતરની પાંખ સાજી થઈ ગઈ હતી અને હવામાં એ ઉડી ગયું હતું...

અંતિમ સ્પર્શ:
ક્યાં લગી તું મનમાં બાંધી રાખીશ, જૂની યાદોનું પારણું,
પડ ફરીથી તું પ્રેમમાં, ખોલી નાખ મનનું દરેક બંધ બારણું,

- નિશાંક મોદી