Sunday, October 16, 2011

મુખવટો

કાકી, પગથીયા જરાક ભીના છે લો મારો હાથ પકડી લો, તમને ઉતારવામાં સરળતા રહેશે.’ જીવંતિકાબેન મંદિરની સીડીઓ ઉતરી રહ્યા હતા ત્યારે પ્રીતે કહ્યું. જીવંતિકાબેનનો મંદિરમાં પાઠ કરવાનો નિત્યક્રમ હતો. ઉંમરને લીધે ચાલવામાં થોડી તકલીફ રહેતી. પ્રીતની મદદથી જીવંતિકાબેન નીચે ઉતર્યા અને મંદિરની બહાર પહોંચી રિક્ષાની રાહ જોવા લાગ્યા. એ દરમ્યાન, એક કાર આવીને ઉભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને ફરી પાછો એ જ અવાજ, ‘કાકી, ક્યાં જવું છે, હું તમને ઘરે મૂકી જવું.’ જીવંતિકાબેને પ્રીતને કહ્યું, ‘ના બેટા, હું મારી રીતે ચાલી જઈશ, તું તારે જા.’ પ્રીતના ઘણા આગ્રહ બાદ જીવંતિકાબેન પ્રીતની કારમાં બેઠા. ‘દીકરા, શું નામ છે તારું?’ એક સવાલ પુછાયો. જવાબમાં પ્રીતે પોતાનું નામ જણાવ્યું. મનમાં ને મનમાં જીવંતિકાબેન વિચારવા લાગ્યા, ‘છોકરો કેટલો સંસ્કારી છે, નક્કી કોઈ ઊંચું ખાનદાન ધરાવતો હશે.’ પ્રીતની વાતચીત કરવાના રીતભાવ અને પહેરેલ કપડા પરથી ખ્યાલ આવી ગયો કે છોકરો ખુબ સારું ભણેલો હોવો જોઈએ. કારના આગળના કાચ પર ચોંટેલા ડોક્ટરના સ્ટીકરને જોઈ જીવંતિકાબેને પૂછ્યું, ‘ઘરમાં કોઈ ડોક્ટર છે.’ પ્રીત મલકાઈને બોલ્યો, ‘હું જ પોતે ઓર્થોપેડીક સર્જન છું.’ જીવંતિકાબેન થોડીકવાર તો વિચારમાં પડ્યા, ‘છોકરો બધી જ રીતે મારી દીકરી નિર્વિ માટે લાયક છે. એ પણ એમ.બી.બી.એસ. થયેલી છે અને આનાથી સારો છોકરો એણે ક્યાંય નહિ મળે.’ ઉતરતા પહેલા જીવંતિકાબેને ખુબ મહત્વનો પ્રશ્ન પૂછી લીધો, ‘બેટા, તારા મેરેજ થઇ ગયા છે કે નહિ?’ પ્રીતના નકારાત્મક જવાબે જીવંતિકાબેનને નિર્વિ માટેનું ગ્રીન સિગ્નલ આપી દીધું. બસ પછી મંદિરમાં જીવંતિકાબેન અને પ્રીતનો ભેટો થઇ જતો. એક દિવસ જીવંતિકાબેને પગની ફરિયાદ કરતા કહ્યું, ‘બેટા, તે કહ્યું હતું કે તું હાડકાનો ડોક્ટર છે તો આ મારા પગના સાંધાના દુખાવાનો કઈક ઈલાજ કરી આપને.’ વળતા જવાબમાં પ્રીતે પોતાનું વીઝીટીંગ કાર્ડ આપતા કહ્યું, ‘કાકી, મારા ક્લીનીક પર આવી જજો, આપણે જોઈ લઈશું અને ચિંતા ન કરતા આ દીકરો તમારા જોડેથી ફી નહિ લે. દર વખતની જેમ પ્રીતે જીવંતિકાબેનને ઘરે ઉતાર્યા.


જીવંતિકાબેને ઘરે પહોંચી દીકરી નિર્વિ ને કાર્ડ આપતા કહ્યું, જો હું આ છોકરાની વાત કરતી હતી. એ તારા માટે બધી જ રીતે યોગ્ય છે.’ નિર્વિએ કાર્ડ પર લખેલું નામ વાંચ્યું, ‘ડૉ. પ્રીત કંસારા’ નિર્વિ ફક્ત એટલું જ બોલી, ‘હ્મ્મ્મ્મ....જોઈએ છીએ’. જીવંતિકાબેનનો જીવ પોતાની દીકરીના લગ્ન માટે ખુબ રઘવાયો રહેતો. દીકરીના લગ્નની ચિંતા હમેંશા માતા-પિતાને રહે છે આ એક સનાતન સત્ય છે અને એ દરેક વ્યક્તિ સ્વીકારે છે. એક દિવસ જીવંતિકાબેન પ્રીતના ક્લીનીક પર પહોંચ્યા. ત્યાં તેમણે પ્રીતની સલાહ મુજબ સારવાર કરી. થોડાક દિવસબાદ પગને ઘણી રાહત હતી. તેમણે નિર્વિને પ્રીત માટે મનાવતા કહ્યું, ‘બેટા, આના જેવો સફળ પુરુષ અને સફળ ડોક્ટર તને ક્યાંય નહિ મળે. તું મારી વાત માને તો હું તેના માતા-પિતા સાથે તારા લગ્નની વાત કરું.’ આ જ વખતે નિર્વિએ પોતાની પ્રેમકથા પરથી પડદો ઉઠાવ્યો અને મૌન તોડ્યું, ‘હું એક છોકરાને જાણું છું જે મને ચાહે છે અને હું પણ તેને ચાહું છું. એનું નામ છે ડૉ. યુગ પટેલ. એ ઈ.એન.ટી. સ્પેશ્યાલીસ્ટ છે. અમે બંને એમ.બી.બી.એસ. માં સાથે હતા. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ મેં પ્રેક્ટીસ શરુ કરી અને તેણે ઈ.એન.ટી. માં આગળ એડમિશન મેળવ્યું. અને અમે બંને એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ અને તેના માતા-પિતાને પણ આ વાતની ખબર છે. તેઓ પણ મને સ્વીકારે છે. બસ હવે તારી અને પપ્પાની રાહ જોવાય છે. જો તમે કહો તો હું એમને આ રવિવારે બોલાવું.’ દીકરીની ખુશી આગળ બીજું બધું જ નકામું છે. જીવંતિકાબેને આગળ વધવાની પરવાનગી આપી. એક-બે દિવસમાં તો તેમણે નિર્વિના પપ્પાને પણ રાજી કરી દીધા. બસ હવે આ અઠવાડિયાના અંતની રાહ જોવાતી હતી.


કેટલાય દિવસોથી જે રવિવારની રાહ જોવાતી હતી એ આયો. ડૉ. યુગ પટેલ અને તેનો પરિવાર આવ્યો. આખો દિવસ બંને પરિવારે એકબીજાની સાથે વાતો કરી. જીવંતિકાબેન ડૉ. યુગના પરિવારને મળી ખુશ થયા પણ તેમના મનમાં થોડી કચાશ હતી. યુગના ગયા પછી જીવંતિકાબેને નિર્વિને કહ્યું, ‘અરે બેટા! તને હું ચોખવટ કરવા માંગું છું. થોડાક સમય પહેલા મંદિર પાસે મેં યુગને કોઈ અજાણી વ્યક્તિ સાથે અભદ્ર ભાષામાં વાત કરતા જોયો હતો. તું એણે બરોબર જાણે તો છે ને? મારા ખ્યાલ મુજબ તો પેલો હાડકાનો ડોક્ટર પ્રીત....’ નિર્વિએ ત્યાં જ તેમને અટકાવતા કહ્યું, ‘મમ્મી, હું પ્રીત અને યુગ બંનેને જાણું છું. હું કોલેજમાં સાડા પાંચ વર્ષ તેમની સાથે હતી. તે પ્રીતનો બનાવટી ચહેરો જ જોયો છે. તેણે પ્રેમમાં એક છોકરીને ફસાવી પાછળથી ધોકો આપ્યો તો. પ્રેમમાં નાસીપાસ થયેલી એ છોકરીએ ભણવાનું છોડી દીધુંતું. અને પછી એ મારી પાછળ પડ્યો હતો અને હું એ પણ કહી આપું એ તારી આગળ સારો હોવાનો ડોળ કરે છે. તું જે પ્રીતનો ચહેરો જુએ છે એ તો મુખવટો છે.’ આ વાત અહી પૂરી થઇ અને થોડાક દિવસબાદ યુગ અને નિર્વિની સગાઇ થઇ ગઈ. પોતાની બાધા પૂરી કરવા જીવંતિકાબેન મંદિરમાં ગયા અને ત્યાં ફરી એજ મીઠો અવાજ આયો, ‘કેમ છો? કાકી, બહુ દિવસે’ પ્રીતનો અવાજ સાંભળી જીવંતિકાબેને વાત માંડી. ‘દીકરા હું તો મારી દીકરીની સગાઈને લઈને કામમાં પરોવાયેલી હતી એટલે થોડું ટાઈમટેબલ બદલાઈ ગયુંતું.’ દરેક વખતની જેમ ડૉ. પ્રીત કંસારાએ જીવંતિકાબેનને ઘરે મૂકી ગયો. આ પછી જીવંતિકાબેનનો મંદિરમાં પાઠ કરવાનો ક્રમ ચાલુ રહ્યો પણ ડૉ. પ્રીત કંસારા નામનો બનાવટી ચહેરો ક્યારેય જોવા ન મળ્યો. કદાચ એને ખ્યાલ આવી ગયો હશે કે હવે કશું જ થઇ શકે તેમ નથી. એક દિવસ જીવંતિકાબેન મંદિરના પગથીયા પર બેઠા બેઠા વિચારી રહ્યા હતા કે, ‘મારી દીકરી સાચું કહેતી હતી ડૉ. પ્રીત સફળ ડોક્ટર તો હતો પણ સારું વ્યક્તિત્વ નહિ ધરાવતો હોય. કેટલાંક લોકો મનથી સારા હોય છે અને કેટલાંય સારો હોવાનો ઢોંગ કરતા ચહેરા પર મુખવટો લગાવીને ફરતા હોય છે.....’


આસપાસ જે ચહેરાને જોવાનો દિલમાં ખ્વાબ હતો,
સમયે સમજાવ્યું કે એના પર તો કોઈ નકાબ હતો


- નિશાંક મોદી

Thursday, August 25, 2011

બે જિંદગી

બે જિંદગી

આપણા લીધેલા ફૈસલાને કાયમ રાખવા આજ પછી આપણે બંને એકબીજાની જિંદગીમાં સહેજ પણ દખલ નહિ કરીએ. બસ આ આપણી છેલ્લી મુલાકાત હશે. પણ આજનો આખો દિવસ હું તારી સાથે પસાર કરવા માંગું છું. ચોમેર વરસતા વરસાદમાં ભીંજાયેલી આંખો સાથે જૈવિકે પરિતાને કહ્યું. આજે આ બે જિંદગીઓ છૂટી પડી રહી હતી. પોતાની મોટી બહેને માતા-પિતાની વિરુદ્ધ જઈને બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા. અને આ બાબતને લઈને પરિતાના કુટુંબમાં એક જ્વાળામુખી ફાટ્યો હતો. એવામાં જો પરિતાના પ્રેમ પ્રકરણ વિષે ખબર પડે તો બળતામાં ઘી હોમવા જેવું થાત. પરિતાના માતા-પિતાએ પોતાની નાની દીકરી આવું કોઈ પગલું ન ભારે તે માટે પરિતાની પસંદ-નાપસંદ જાણ્યા વગર જ તેના લગ્ન પોતાની જ્ઞાતિના ઉચ્ચ કુટુંબમાં નક્કી કરી દીધાતા. આજના મોર્ડન જમાનામાં પણ સંસ્કારી દીકરીએ પોતાના માતા-પિતાની વાતનું માન રાખી તેમણે લીધેલા નિર્ણયનો સ્વીકાર કર્યો હતો. બે દિવસમાં તો સફળ પ્રેમી-પંખીડાઓ લગ્ન માટે નિષ્ફળ બની રહ્યા હતા. એકબાજુ પરિતાના ઘરે ગોળ-ધાણા ખવાઈ રહ્યા હતા અને બીજીબાજુ જૈવિકના ઘરે છોકરીવાળા તરફથી જન્માક્ષરની આપ લે થઇ રહી હતી. જૈવિકને ખ્યાલ આવી ગયો હતો કે પરિતાનો સાથ હવે થોડા દિવસ માટે જ છે. અને આખરે તેમણે એવો ફૈસલો લીધો કે, તે પોતાના આ સાચા પ્રેમને વધુ આગળ નહિ લંબાવે. અને તેઓ પોતપોતાની જિંદગીમાં આવનાર નવા જીવનસાથીને પ્રેમથી સ્વીકારશે. આ બે જિંદગીઓ બીજી આવનારી બે જિંદગીઓ માટે પોતાની જિંદગીઓ સાથે રમત રમી રહ્યા હતા. આખો દિવસ સાથે વિતાવ્યા પછી જૈવિક અને પરિતા છુટા પડ્યા. થોડાક સમય બાદ પરિતાએ પોતાના માતા-પિતાએ પસંદ કરેલા મુરતિયા વિનય સાથે લગ્ન કરી લીધા. અને જન્માક્ષર મળતાની સાથે જ જૈવિકે પણ ઝલક માટે હા પાડી દીધી.

હવે પરિતા અને જૈવિક બંને એકબીજાના પ્રેમને ભૂલી ચુક્યા હતા પણ પરિતાને સપનામાંય ખ્યાલ ન હતો કે જે નવી eeજિંદગી માટે પોતાની જિંદગી દાવ પર લગાવીતી તે તેનો સાથ નહિ આપે. થોડાક દિવસ વીત્યા ને મોરે કળા કરવાની શરુ કરી. વિનય પરિતા નો ધીરે ધીરે તિરસ્કાર કરવા લાગ્યો અને પરિતા સાથેનું વર્તન અજુગતું થવા લાગ્યું. વિનય પહેલેથી જ કોઈ છોકરીના ચક્કરમાં હતો અને એ છોકરી એ વિનય ને પોતાની પ્રેમજાળમાં ફસાવી રાખ્યો તો. વિનય એ છોકરી પાછળ ધનદોલતથી માંડી સમાજમાં મેળવેલી પ્રતિષ્ઠા પણ ગુમાવી રહ્યો હતો. પરિતાએ પોતાના પ્રેમી જૈવિકને આપેલા વાયદા મુજબ ઘરસંસાર ના ભાંગે તે માટે સતત પ્રયાસ કરતી રહી. પરિસ્થિતિ એટલી કપરી આવી ગઈ કે ના છુટકે પરિતા એ વિનયને છૂટાછેડા આપવા પડ્યા. વિનયે પેલી છોકરી જોડે લગ્ન કરી લીધા અને પરિતા એકલી પડી. હવે પરિતાને પોતાની સાથે બનેલી આ કરુણ ઘટનાનો ખુબ જ અફસોસ હતો. કારણ કે એ ધારત તો જૈવિક જોડે માતા પિતાની વિરુદ્ધ જઇ લગ્ન કરી લીધા હોત. થોડાક દિવસ સુધી ઘરમાં લોકો સાથે મતભેદ રહેત પણ આખરે જિંદગીમાં આવી ઘટના તો ના બનત. પણ આવા અફસોસો કાઈ જિંદગી થોડી બદલે છે.


પોતાની દીકરીની ચિંતામાં પરિતાના પિતા બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ ભરચક હોસ્પિટલમાં જગ્યા ઓછી હોવાથી તેના પિતાને જનરલ વોર્ડમાં રાખ્યાતા. એકાદ પડદો નાખો એટલે જનરલ વોર્ડ સેમી સ્પેશિઅલ વોર્ડ બની જાય. ત્યારબાદ પડદા પાછળથી એક અવાજ આવ્યો કે, ચાલ દીકરા જૈવિક, હું રજા લઉં. તું તારા મમ્મી જાગે એટલે યાદ આપજે. જૈવિક નામ સાંભળતા જ પરિતાની આંખો ચાર થઇ. એક જુનો પડદો હટ્યો ને જૂની યાદો બહાર આવી. પરિતા અને જૈવિકે એકબીજા સામે જોયું. જૈવિકે પરિતા ને પૂછ્યું, કેમ છે? પરીતાના મોમાંથી એકાદ શબ્દ પણ ના નીકળ્યો. પાછળથી પોતાની હૈયા વરાળ ઠારતા પરિતા એ બધી જ વાતો જૈવિકને કરી. જૈવિક પાસે ઘણા શબ્દો હતા પણ આ સમય ન હતો કે જે પરિતાને સમજાવી શકે. પરિતાની આ વાતો સાંભળી જૈવિકને ખુબ દુઃખ થયું. તે પરિતાને સાંત્વના આપતા કહ્યું કે, હું તારો દર્દ સમજી શકું છું. પણ હું અત્યારે લાચાર છું. એ વાત હું માનું છું કે એક વખત હું તારા માટે કાઈ પણ કરી શકું તેમ હતો પણ હવે સમય બદલાયો છે. આપણે લીધેલા ફૈસલા મુજબ હું ઝલકને અપનાવી ચુક્યો છું. અને અમે બંને જણા એકદમ ખુશ છીએ. અને ઝલક મારી જિંદગીમાં આવી પછી મારી પ્રગતિ ખુબ સારી થઇ છે. કદાચ જો હું એની સાથે સુખી ના હોત તો હું તારા માટે વિચારત પણ હવે એ શક્ય નથી. જૈવિકને શાંત પાડતા પરિતા બોલી, હું તો માત્ર તને જોઈને પોતાને રોકી ના શકી. તું ખુબ સુખી છે એ વાત જાણીને આનંદ થયો. થોડા સમય પહેલા કરેલા આપણા ફૈસલામાં તું પોતાની જિંદગી જીતી ગયો પણ હું મારી જિંદગી હારી ગઈ. કાઈ વાંધો નહિ, આપણા બે ની જિંદગીમાંથી એકાદ જિંદગી ખુશ હોય તો બીજું શું જોઈએ. આમેય એક વખત આપણે એક જ જિંદગી હતા બસ બંને જણાએ આખો દિવસ સાથે વિતાવ્યોને વળી પાછા એકબીજાની જિંદગીમાં દખલ ન કરવાની શરતે છુટા પડ્યા....

ઘણી કરી ઈશ્વરની પૂજા ને ઘણી કરી ખુદાની બંદગી,
પણ આજે મળી સફળતા જ્યાં સુધારી કોઈની જિંદગી.

- નિશાંક મોદી

Saturday, August 6, 2011

મિત્ર કહું કે.....

A Friendship Day- એક એવો દિવસ જયારે બધા જ મિત્રો પોતાની મિત્રતાનો પરિચય આપવા આતુર હોય છે. એમાંનું જ એક ગ્રુપ હતું નીલમનું. પણ ગ્રુપ ની ખાસિયત એ હતી કે ચાર જણાના ગ્રુપમાં બસ નીલમ જ છોકરી. થોડાક વર્ષો પહેલા રાજે નીલમનો પરિચય સુનીલ અને સૌમ્ય સાથે કરાવ્યો હતો. પણ હવે તેઓ ખુબ સારા મિત્રો બની ચુક્યા હતા. પરિચયમાં આવ્યા પછી એવું ક્યારેય નતું બન્યું કે નીલમના સારા કે ખોટા પ્રસંગમાં ત્રણેયની હાજરી ના રહી હોય. જયારે નીલમના પપ્પાને એટેક આવ્યો હતો ત્યારે રાજે જ પોતાના પિતાની ઓળખાણ કાઢી મેડીકલ ટ્રીટમેન્ટના ખાસા એવા રૂપિયા બચાવ્યાતા. સુનીલનું ઘર હોસ્પિટલથી નજીક હોવાથી નીલમ અને તેના પરિવારનું જમવાનું ત્યાંથી આવતું. અને સૌમ્ય હોસ્પિટલમાં રાત રોકાતો અને સવારે નીલમના આવ્યા પછી જ ઘરે જતો. આતો વાત હતી નીલમના ત્યાં બનેલા ખરાબ પ્રસંગની પણ નીલમની ખુશી બમણી થાય એવો તેની સગાઈનો પ્રસંગ આવ્યો હતો. નીલમની સાથે ત્રણેય મિત્રો ખુબ જ ખુશ હતા. ૬ જુને ૨૦૧૦ ના રોજ નીલમની સગાઇ રાહુલ સાથે થઇ. સૌથી મોઘી ભેટ નીલમને રાજે આપી. રાજના પિતા મોટા બિઝનેસમેન હતા અને રાજના જીવનની રાહ પર આપકમાઈ કરતા બાપકમાઈ શબ્દ વધુ વપરાતો. રાજે નીલમને ગીફ્ટ આપતા અભિમાનથી કહ્યું કે, આજે એક હિરોઈન ને બે હીરો મળી રહ્યા છે. એક હીરો ના રૂપમાં રાહુલ અને બીજો આ નેકલેસમાં જડેલો નાયાબ ડાયમંડ. સુનીલ અને સૌમ્ય એ પણ પોતાની પરિસ્થિતિ મુજબ ભેટસોગાદો આપી. ત્યારબાદ બધા પોતાની રોજિંદી લાઈફમાં બીઝી થઇ ગયા. ત્રણેય મિત્રો સગાઇ બાદ નીલમની લાઈફમાં વધુ દખલગીરી ન કરતા.

હવે રાહુલ અને નીલમ પોતાની લાઈફના ગોલ્ડન પીરીયડમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યાં મિત્રો માટે ખુબ જ યાદગાર એવો ઓગસ્ટ નો પહેલો રવિવાર એટલે કે ફ્રેન્ડશીપ ડે આવ્યો. સગાઇ પછીનો આ પહેલો જ ફ્રેન્ડશીપ ડે હતો. રાહુલ ને નીલમના ત્રણેય મિત્રોને પહેલેથી જ મળેલો હતો અને એણે ખ્યાલ હતો કે નીલમને એના મિત્રો પ્રત્યે કેટલો લગાવ છે. રાહુલે નીલમની જાણ બહાર સામેથી જ ત્રણેય મિત્રોને ફોન કરી પોતાના ઘરે બોલાવ્યા. નીલમને એમ કે ત્રણે મિત્રો તેણે ફોન કરી વિશ કરશે પરંતુ ત્રણે જણા રાહુલની જોડે ઘરે આવી જશે તેવું નતું વિચાર્યું. નીલમ માટે આ પહેલો ફ્રેન્ડશીપ ડે હશે જેમાં પોતાના ફીયાન્સની સાથે તેના મિત્રો પણ હાજર હતા. આ અનેરા દિવસ માટે નીલમને જુદી જુદી સરપ્રાઈઝ મળી. રાહુલે ત્રણે મિત્રોને બોલાવી નીલમને અચંબામાં મૂકી દીધી. રાજે નીલમને સિલ્વર કલરની એક સ્વીફ્ટ કાર આપી. પણ આ સરપ્રાઈઝ શબ્દ અહી અટકતો નથી. સુનીલે પહેલેથી જ ટીજીબીમાં ડીનરનું એરેન્જમેન્ટ કરેલું હતું. પાંચેય મિત્રો ડીનર બાદ નીલમની સ્વીફ્ટમાં બેસી લોંગ ડ્રાઈવ પર જવા નીકળ્યા. જવાનીનો જોશ હોશ ગુમાવે. એમ જ રાજના ખરાબ ડ્રાઈવિંગને કારણે તેમને એક અકસ્માત નડ્યો. નીલમ સિવાય બાકી બધાને સામાન્ય ઈજા પહોંચી. ને બસ પછી કોઈને કઈ જ યાદ ના આવ્યું.



જયારે નીલમને હોશ આવ્યો ત્યારે તે હોસ્પિટલમાં હતી. અને તેણે પરિવારજનોના આંખોમાંથી આંસું વહેતા જોયા. આ અકસ્માતે નીલમની જિંદગી બદલી નાખીતી. નીલમનો કમરથી નીચેનો ભાગ પેરેલાઈઝ થઇ ગયો હતો. બે સભ્યો સિવાય ત્યાં બધા જ હાજર હતા. એક ન હાજર હતા તો રાહુલ અને સૌમ્ય. નીલમે પૂછ્યું કે, રાહુલ અને સૌમ્ય ક્યાં છે? જવાબમાં સુનીલે કહ્યું, એ બંને જણા મેડીસીનને રીપોર્ટ લેવા ગયા છે.રાજ નીલમની માફી માંગતા જ જમીન પર ઢળી પડ્યો. એને પોતાની ભૂલ પર ખુબ જ પસ્તાવો હતો. બસ ત્યાં તો રાહુલ અને સૌમ્ય આવી પહોંચ્યા. રાહુલ અને નીલમને એકાંતમાં મૂકી બધા જ લોકો રૂમની બહાર ગયા. નીલમે રાહુલને પૂછ્યું, શું તું મને હજી પણ તારા જીવનની સાથી બનાવીશ? થોડીકવાર રહીને રાહુલે જવાબ આપ્યો, હા, હું જરૂરથી તને જીવનસાથી બનાવીશ. પણ તારે આ માટે તારા મિત્ર સૌમ્યનો આભાર માનવો પડશે.નવાઈ પામેલી નીલમે પૂછ્યું, સૌમ્યનો કેમ? રાહુલ બોલ્યો તને થોડી નવાઈ લાગશે પણ તારી આવી હાલત જોઈ મેં એક વખત તને છોડી દેવાનો વિચાર કર્યો હતો. ત્યારે સૌમ્ય એ મને કહ્યું હતું કે, રાહુલ, જો આ ઘટના તારી જોડે થઇ હોત તો નીલમ તને ક્યારેય છોડીને ન જાત. બસ એણે એક વાક્યમાં મને ઘણું બધું સમજાવી દીધું. હું સાચા પ્રેમી તરીકેની ફરજ ભૂલી ગયો તો પણ સૌમ્ય પોતાની મિત્રતાની ફરજ નતો ભૂલ્યો. અને સૌમ્ય એ જ મને સાચો રસ્તો બતાવ્યો.એકબીજાનો હાથ પકડી રાહુલ અને નીલમ રડી રહ્યા હતા. આખરે નીલમ એટલું બોલી કે, મેં ગયા જન્મમાં કોઈ સારા કર્મો કર્યા હશે માટે જ મને આવા સારા મિત્રો મળ્યા છે. પણ હું આ સૌમ્યને હવે મિત્ર કહું કે ઈશ્વર એ જ સમજાતું નથી. કદાચ ફ્રેન્ડશીપ ડે ના દિવસની બાકી રહેલી સરપ્રાઈઝ ગીફ્ટ સૌમ્ય એ ઈશ્વર બની ને આપી જે મારા જીવનની સૌથી યાદગાર ભેટ હોઈ શકે.....

પડે તને આપદા તો એને સુખમાં પલટાવી દઈશ,
સમય આવવા દે હું આપણી મિત્રતા બતાવી દઈશ.

નિશાંકમોદી

Saturday, July 23, 2011

મેનેજમેન્ટ

લીના, ડ્રાઈવરને કહો કાર નીકાળે મારે આજે એરપોર્ટ થોડા વહેલા જવું છે. અને મારા વાઈફને ફોન કરી કહી દેજો કે રાતે આવતા મારે મોડું થશે. ત્રિલોક અવસ્થીએ ટેલીફોન ઓપેરેટર લીનાને ઇન્ટરકોમથી કહ્યું. યુએસથી MBA કરીને આ ૩૫ વર્ષનો આ નવયુવાન પોતાના કરોડપતિ બાપના બીઝનેસમાં દસ વર્ષથી જોડાયેલો હતો. એની લાઈફ સમયના કાંટા પર જ ચાલતી અને તેનું કોઈ પણ કામ પ્લાનીંગ વગર ન થતું. MBA કરેલો વ્યક્તિ જો મેનેજમેન્ટ વગર ચાલે તો તેનામાં અને સામાન્ય BA કરેલામાં શું ફરક રહે. આજે ત્રિલોક અવસ્થી પોતાની નવી બિઝનેસ ડીલ માટે એરપોર્ટ જઈ રહ્યો હતો. પણ અનાયાસે એરપોર્ટ તરફ જતા રસ્તામાં કાર બંધ પડી. ડ્રાઈવરને ખ્યાલ ના આવ્યો કે શું પ્રોબ્લેમ છે. ડ્રાઈવરે ઘણા પ્રયત્નો કર્યા પણ બધા વ્યર્થ રહ્યા. આખરે કંટાળેલા ત્રિલોકે ડ્રાઈવરને કહ્યું કે, કાર બરાબર સર્વીસમાં તો જાય છે ને? ડ્રાઈવર એટલું જ બોલ્યો, હા સાહેબ, દર ત્રણ મહિને. પણ ખબર નહિ આજે શું પ્રોબ્લેમ છેત્રિલોકે ડ્રાઈવરને કહ્યું કે, તું રીક્ષા રોક મારે સહેજ મોડું થાય છે. તું કાર રીપેર કરાવી ઘરે મૂકી દેજે. ડ્રાઈવરે રીક્ષા રોકી અને ત્રિલોક પોતાનો નાસ્તાનો ડબ્બો, લેપટોપ, અને મોબાઈલ લઈને રીક્ષામાં બેઠો. તેને રીક્ષાવાળાને કહ્યું કે, ચલ ભાઈ એરપોર્ટ લઇ લે રીક્ષાવાળો જાણે આજે ખુશ હોય તેમ બોલ્યો, ચલો સાહેબ, મારી રીક્ષાને આજે એરપોર્ટની સવારી કરાવીએ. ડ્રાઈવરે પોતાની રીક્ષામાં લગાવેલા નાના રેડીયોને ચાલુ કર્યો. રીક્ષા ધીરે ધીરે એરપોર્ટ તરફ રવાના થઇ. રીક્ષાવાળાને ગીતોના તાલ પર ઝૂમતો જોઈ ત્રિલોકને નવાઈ લાગી. આ માણસ એક નાના રેડીયોથી કેટલો ખુશ રહી શકે છે. ક્ષણવાર માટે ત્રિલોક વિચારમાં પડ્યો કે, મારી કારમાં મોંઘી દમદાર સ્ટીરીઓ સિસ્ટમ છે પણ લેપટોપ પર કામ કરતો હોવાને કારણે ડીસ્ટર્બ ના થવા માટે હું એ સાંભળતો નથી. ગરમીનું વાતાવરણ હતું એટલે ત્રિલોકને પાણીની તરસ લાગી હતી. પણ ઉતાવળમાં એ પોતાની મીનરલ વોટરની બોટલ કારમાં જ ભૂલી ગયો હતો. રીક્ષા એરપોર્ટ તરફ આગળ વધી રહી હતી ત્યાં ત્રિલોકે એક રેસ્ટોરન્ટ પાસે રીક્ષા થોભાવી અને બોલ્યો, તું જરાક બે મીનીટ રાહ જો હું પાણીની બોટલ લઇને આવું છું. બસ ત્રિલોક બોટલ લેવા રેસ્ટોરન્ટમાં ગયોને રીક્ષાવાળો પોતાની પાસે કેટલાય સમયથી વપરાતી મીનરલ વોટરની બોટલ લઇ ત્યાં નજીકમાં રહેલા પાનના ગલ્લા પર ગયો.

રીક્ષાવાળો પોતાના મિત્ર જેવા ગલ્લાવાળાને જોડે હસી મજાક કરતો ગયો ને પાસે રહેલી પાણીની પરબ માંથી પાણીની બોટલ ભરતો ગયો. બે-ત્રણ મીનીટમાં એ મસાલો ખાતો ખાતો પાછો આવ્યો. ત્રિલોકે આ જોયું અને બોલ્યો,તે એને મસાલાના પૈસા ના આપ્યા? જવાબમાં રીક્ષાવાળાએ કહ્યું, સાહેબ મારે તો રોજનું છે, એ તો મારા ખાતામાં લખી લેશે. ત્રિલોક બોલ્યો, પછી એ હિસાબમાં ગોટાળો મારે તો. રીક્ષાવાળા સહેજ મલકાઈને બોલ્યો, એ તો મારો દોસ્તાર છે એ એવું ના કરે. એટલું બોલી રીક્ષાવાળાએ પાણીની બોટલ ગટગટાવી. ત્રિલોક મનમાં બોલ્યો કે આ તો મિત્ર પર કેવો આંધળો વિશ્વાસ. પણ એક વાત ત્રિલોકે સ્વીકારી કે જે રીતે એ બે દોસ્તારો એકબીજા જોડે હસીને વાત કરતા હતા એ વાત ત્રિલોક પોતાના મિત્રો સાથે થતી લેપટોપ પર ચેટ કરતા વધુ મજેદાર હતી. ત્રિલોકનું ધ્યાન રિક્ષાવાળાની પાણીની બોટલ પર પડ્યું અને બોલ્યો કે, આ પાણી પીઇશ તો બીમાર પડીશ તે જોયું નહિ કે ગલ્લા પાસે કેટલી ગંદકી હતી. ફરી મલકાતા રીક્ષાવાળાએ કહ્યું, સાહેબ , હું તો કેટલાંય વખતથી આવું પાણી પીવું છું મને હજુ સુધી કશુ જ થયું નથી. ત્રિલોકે પૂછ્યું, તું કેટલું ભણેલો છે રીક્ષાવાળાએ હસતાં હસતાં કહ્યું, માંડ માંડ દસ ચોપડી આપણા મેનેજમેન્ટ ગુરુ ત્રિલોક અવસ્થીના મનમાં એક પછી એક સવાલોના વાદળો વધુ ઘેરાઈ રહ્યા હતા. પછી તેને પૂછ્યું, તું ક્યાં જમે છે. રીક્ષાવાળો બોલ્યો, સાહેબ, અત્યારે તો હું એકલો છું એટલે ગમે ત્યાં નાના ધાબામાં જમી લઉં છું. પણ મારી સગાઇ થઇ ગઈ છે અને થોડાક સમયમાં મારા લગ્ન થવાના છે. પછી તો હું દરરોજ ઘરે જ જમવા જઈશ. આજે એના ઘરે જવાનો છું જો એ કહેશે તો અમે પિક્ચર જોવા જઈશું. રિક્ષાવાળાની વાતોએ ત્રિલોકને ફરી એક વખત વિચારતો કરી દીધો. ત્રિલોક મુવી જોવાનો પ્લાન એકાદ અઠવાડિયા પહેલા બનાવતો. ઘણીવાર આ પ્લાનમાં કામને કારણે બદલાવ આવી જતો. ત્રિલોક મનમાં પોતાની સાથે વાતો કરતો આગળ વધ્યો, આ વ્યક્તિ કેવી રીતે પ્લાનીંગ વગર જીવે છે. ગમે ત્યાં ખાય, પીવે અને જરૂર પૂરતા જ પૈસા કમાય એની જિંદગી આટલામાં જ સીમિત છે. પણ ત્રિલોકે એક વાત સ્વીકારી કે જો કોઈ સુખી માણસોની શોધ કરવી હોય તો આ રીક્ષાવાળાને ગણતરીમાં લઇ શકાય.

વાતચીતનો અંત આવ્યો સાથે એરપોર્ટ પણ આવી ગયું. ત્રિલોકે ઉતરીને પૈસા આપ્યા અને રીક્ષા ત્યાંથી રવાના થઇ. ત્રિલોક પહેલેથી બુક કરાયેલી ફ્લાઈટમાં બેઠો અને કાન પર હેડફોન ચઢાવ્યા. થોડીકવાર પછી તેણે હેડફોન ઉતારી બોલ્યો, આ હેડફોનમાં પેલા રિક્ષાવાળાના રેડીયા જેવી મજા નથી. હું MBA કરેલો માણસ પ્લાનથી ચાલુ છું અને છતાંય સતત જીવનમાં તાણ અનુભવું છું. પણ પેલો દસ ચોપડી ભણેલો માણસ પોતાને સમય સાથે એડજસ્ટ થઇ જાય છે. મારા કરતા તો એ રીક્ષાવાળાને સારું મેનેજમેન્ટ કરતા આવડે છે. કદાચ એણે જિંદગીમાં ક્યારેય મેનેજમેન્ટ નહિ કર્યું હોય પરંતુ એણે જિંદગીનું મેનેજમેન્ટ ખુબ સારું કર્યું છે. આખરે તેણે પોતાની પત્નીને ફોન લગાડ્યો અને બોલ્યો, હું કાલે આખો દિવસ તારી જોડે રહીશ અને તું કહીશ તો આપણે ક્યાંક પિક્ચર જોવા જઈશું. ફોન ડીસકનેક્ટ થયો પણ ત્રિલોકનું મન ઉત્સાહથી કનેક્ટ થયેલું હતું. કારણ કે આજે આ મેનેજમેન્ટ ગુરુ ત્રિલોક અવસ્થીને એક સામાન્ય ભણેલા રિક્ષાવાળાએ મોટો મેનેજમેન્ટનો પાઠ સમજાવ્યો તો.....

કોઈ સમયથી બદલાય છે ને કોઈ એની સાથે મેળ કરે છે,
પણ મેનેજમેન્ટના નામે કેટલાંય જિંદગી વેરવિખેર કરે છે.

- નિશાંક મોદી