Saturday, August 6, 2011

મિત્ર કહું કે.....

A Friendship Day- એક એવો દિવસ જયારે બધા જ મિત્રો પોતાની મિત્રતાનો પરિચય આપવા આતુર હોય છે. એમાંનું જ એક ગ્રુપ હતું નીલમનું. પણ ગ્રુપ ની ખાસિયત એ હતી કે ચાર જણાના ગ્રુપમાં બસ નીલમ જ છોકરી. થોડાક વર્ષો પહેલા રાજે નીલમનો પરિચય સુનીલ અને સૌમ્ય સાથે કરાવ્યો હતો. પણ હવે તેઓ ખુબ સારા મિત્રો બની ચુક્યા હતા. પરિચયમાં આવ્યા પછી એવું ક્યારેય નતું બન્યું કે નીલમના સારા કે ખોટા પ્રસંગમાં ત્રણેયની હાજરી ના રહી હોય. જયારે નીલમના પપ્પાને એટેક આવ્યો હતો ત્યારે રાજે જ પોતાના પિતાની ઓળખાણ કાઢી મેડીકલ ટ્રીટમેન્ટના ખાસા એવા રૂપિયા બચાવ્યાતા. સુનીલનું ઘર હોસ્પિટલથી નજીક હોવાથી નીલમ અને તેના પરિવારનું જમવાનું ત્યાંથી આવતું. અને સૌમ્ય હોસ્પિટલમાં રાત રોકાતો અને સવારે નીલમના આવ્યા પછી જ ઘરે જતો. આતો વાત હતી નીલમના ત્યાં બનેલા ખરાબ પ્રસંગની પણ નીલમની ખુશી બમણી થાય એવો તેની સગાઈનો પ્રસંગ આવ્યો હતો. નીલમની સાથે ત્રણેય મિત્રો ખુબ જ ખુશ હતા. ૬ જુને ૨૦૧૦ ના રોજ નીલમની સગાઇ રાહુલ સાથે થઇ. સૌથી મોઘી ભેટ નીલમને રાજે આપી. રાજના પિતા મોટા બિઝનેસમેન હતા અને રાજના જીવનની રાહ પર આપકમાઈ કરતા બાપકમાઈ શબ્દ વધુ વપરાતો. રાજે નીલમને ગીફ્ટ આપતા અભિમાનથી કહ્યું કે, આજે એક હિરોઈન ને બે હીરો મળી રહ્યા છે. એક હીરો ના રૂપમાં રાહુલ અને બીજો આ નેકલેસમાં જડેલો નાયાબ ડાયમંડ. સુનીલ અને સૌમ્ય એ પણ પોતાની પરિસ્થિતિ મુજબ ભેટસોગાદો આપી. ત્યારબાદ બધા પોતાની રોજિંદી લાઈફમાં બીઝી થઇ ગયા. ત્રણેય મિત્રો સગાઇ બાદ નીલમની લાઈફમાં વધુ દખલગીરી ન કરતા.

હવે રાહુલ અને નીલમ પોતાની લાઈફના ગોલ્ડન પીરીયડમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યાં મિત્રો માટે ખુબ જ યાદગાર એવો ઓગસ્ટ નો પહેલો રવિવાર એટલે કે ફ્રેન્ડશીપ ડે આવ્યો. સગાઇ પછીનો આ પહેલો જ ફ્રેન્ડશીપ ડે હતો. રાહુલ ને નીલમના ત્રણેય મિત્રોને પહેલેથી જ મળેલો હતો અને એણે ખ્યાલ હતો કે નીલમને એના મિત્રો પ્રત્યે કેટલો લગાવ છે. રાહુલે નીલમની જાણ બહાર સામેથી જ ત્રણેય મિત્રોને ફોન કરી પોતાના ઘરે બોલાવ્યા. નીલમને એમ કે ત્રણે મિત્રો તેણે ફોન કરી વિશ કરશે પરંતુ ત્રણે જણા રાહુલની જોડે ઘરે આવી જશે તેવું નતું વિચાર્યું. નીલમ માટે આ પહેલો ફ્રેન્ડશીપ ડે હશે જેમાં પોતાના ફીયાન્સની સાથે તેના મિત્રો પણ હાજર હતા. આ અનેરા દિવસ માટે નીલમને જુદી જુદી સરપ્રાઈઝ મળી. રાહુલે ત્રણે મિત્રોને બોલાવી નીલમને અચંબામાં મૂકી દીધી. રાજે નીલમને સિલ્વર કલરની એક સ્વીફ્ટ કાર આપી. પણ આ સરપ્રાઈઝ શબ્દ અહી અટકતો નથી. સુનીલે પહેલેથી જ ટીજીબીમાં ડીનરનું એરેન્જમેન્ટ કરેલું હતું. પાંચેય મિત્રો ડીનર બાદ નીલમની સ્વીફ્ટમાં બેસી લોંગ ડ્રાઈવ પર જવા નીકળ્યા. જવાનીનો જોશ હોશ ગુમાવે. એમ જ રાજના ખરાબ ડ્રાઈવિંગને કારણે તેમને એક અકસ્માત નડ્યો. નીલમ સિવાય બાકી બધાને સામાન્ય ઈજા પહોંચી. ને બસ પછી કોઈને કઈ જ યાદ ના આવ્યું.



જયારે નીલમને હોશ આવ્યો ત્યારે તે હોસ્પિટલમાં હતી. અને તેણે પરિવારજનોના આંખોમાંથી આંસું વહેતા જોયા. આ અકસ્માતે નીલમની જિંદગી બદલી નાખીતી. નીલમનો કમરથી નીચેનો ભાગ પેરેલાઈઝ થઇ ગયો હતો. બે સભ્યો સિવાય ત્યાં બધા જ હાજર હતા. એક ન હાજર હતા તો રાહુલ અને સૌમ્ય. નીલમે પૂછ્યું કે, રાહુલ અને સૌમ્ય ક્યાં છે? જવાબમાં સુનીલે કહ્યું, એ બંને જણા મેડીસીનને રીપોર્ટ લેવા ગયા છે.રાજ નીલમની માફી માંગતા જ જમીન પર ઢળી પડ્યો. એને પોતાની ભૂલ પર ખુબ જ પસ્તાવો હતો. બસ ત્યાં તો રાહુલ અને સૌમ્ય આવી પહોંચ્યા. રાહુલ અને નીલમને એકાંતમાં મૂકી બધા જ લોકો રૂમની બહાર ગયા. નીલમે રાહુલને પૂછ્યું, શું તું મને હજી પણ તારા જીવનની સાથી બનાવીશ? થોડીકવાર રહીને રાહુલે જવાબ આપ્યો, હા, હું જરૂરથી તને જીવનસાથી બનાવીશ. પણ તારે આ માટે તારા મિત્ર સૌમ્યનો આભાર માનવો પડશે.નવાઈ પામેલી નીલમે પૂછ્યું, સૌમ્યનો કેમ? રાહુલ બોલ્યો તને થોડી નવાઈ લાગશે પણ તારી આવી હાલત જોઈ મેં એક વખત તને છોડી દેવાનો વિચાર કર્યો હતો. ત્યારે સૌમ્ય એ મને કહ્યું હતું કે, રાહુલ, જો આ ઘટના તારી જોડે થઇ હોત તો નીલમ તને ક્યારેય છોડીને ન જાત. બસ એણે એક વાક્યમાં મને ઘણું બધું સમજાવી દીધું. હું સાચા પ્રેમી તરીકેની ફરજ ભૂલી ગયો તો પણ સૌમ્ય પોતાની મિત્રતાની ફરજ નતો ભૂલ્યો. અને સૌમ્ય એ જ મને સાચો રસ્તો બતાવ્યો.એકબીજાનો હાથ પકડી રાહુલ અને નીલમ રડી રહ્યા હતા. આખરે નીલમ એટલું બોલી કે, મેં ગયા જન્મમાં કોઈ સારા કર્મો કર્યા હશે માટે જ મને આવા સારા મિત્રો મળ્યા છે. પણ હું આ સૌમ્યને હવે મિત્ર કહું કે ઈશ્વર એ જ સમજાતું નથી. કદાચ ફ્રેન્ડશીપ ડે ના દિવસની બાકી રહેલી સરપ્રાઈઝ ગીફ્ટ સૌમ્ય એ ઈશ્વર બની ને આપી જે મારા જીવનની સૌથી યાદગાર ભેટ હોઈ શકે.....

પડે તને આપદા તો એને સુખમાં પલટાવી દઈશ,
સમય આવવા દે હું આપણી મિત્રતા બતાવી દઈશ.

નિશાંકમોદી

No comments:

Post a Comment