‘કાકી, પગથીયા જરાક ભીના છે લો મારો હાથ પકડી લો, તમને ઉતારવામાં સરળતા રહેશે.’ જીવંતિકાબેન મંદિરની સીડીઓ ઉતરી રહ્યા હતા ત્યારે પ્રીતે કહ્યું. જીવંતિકાબેનનો મંદિરમાં પાઠ કરવાનો નિત્યક્રમ હતો. ઉંમરને લીધે ચાલવામાં થોડી તકલીફ રહેતી. પ્રીતની મદદથી જીવંતિકાબેન નીચે ઉતર્યા અને મંદિરની બહાર પહોંચી રિક્ષાની રાહ જોવા લાગ્યા. એ દરમ્યાન, એક કાર આવીને ઉભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને ફરી પાછો એ જ અવાજ, ‘કાકી, ક્યાં જવું છે, હું તમને ઘરે મૂકી જવું.’ જીવંતિકાબેને પ્રીતને કહ્યું, ‘ના બેટા, હું મારી રીતે ચાલી જઈશ, તું તારે જા.’ પ્રીતના ઘણા આગ્રહ બાદ જીવંતિકાબેન પ્રીતની કારમાં બેઠા. ‘દીકરા, શું નામ છે તારું?’ એક સવાલ પુછાયો. જવાબમાં પ્રીતે પોતાનું નામ જણાવ્યું. મનમાં ને મનમાં જીવંતિકાબેન વિચારવા લાગ્યા, ‘છોકરો કેટલો સંસ્કારી છે, નક્કી કોઈ ઊંચું ખાનદાન ધરાવતો હશે.’ પ્રીતની વાતચીત કરવાના રીતભાવ અને પહેરેલ કપડા પરથી ખ્યાલ આવી ગયો કે છોકરો ખુબ સારું ભણેલો હોવો જોઈએ. કારના આગળના કાચ પર ચોંટેલા ડોક્ટરના સ્ટીકરને જોઈ જીવંતિકાબેને પૂછ્યું, ‘ઘરમાં કોઈ ડોક્ટર છે.’ પ્રીત મલકાઈને બોલ્યો, ‘હું જ પોતે ઓર્થોપેડીક સર્જન છું.’ જીવંતિકાબેન થોડીકવાર તો વિચારમાં પડ્યા, ‘છોકરો બધી જ રીતે મારી દીકરી નિર્વિ માટે લાયક છે. એ પણ એમ.બી.બી.એસ. થયેલી છે અને આનાથી સારો છોકરો એણે ક્યાંય નહિ મળે.’ ઉતરતા પહેલા જીવંતિકાબેને ખુબ મહત્વનો પ્રશ્ન પૂછી લીધો, ‘બેટા, તારા મેરેજ થઇ ગયા છે કે નહિ?’ પ્રીતના નકારાત્મક જવાબે જીવંતિકાબેનને નિર્વિ માટેનું ગ્રીન સિગ્નલ આપી દીધું. બસ પછી મંદિરમાં જીવંતિકાબેન અને પ્રીતનો ભેટો થઇ જતો. એક દિવસ જીવંતિકાબેને પગની ફરિયાદ કરતા કહ્યું, ‘બેટા, તે કહ્યું હતું કે તું હાડકાનો ડોક્ટર છે તો આ મારા પગના સાંધાના દુખાવાનો કઈક ઈલાજ કરી આપને.’ વળતા જવાબમાં પ્રીતે પોતાનું વીઝીટીંગ કાર્ડ આપતા કહ્યું, ‘કાકી, મારા ક્લીનીક પર આવી જજો, આપણે જોઈ લઈશું અને ચિંતા ન કરતા આ દીકરો તમારા જોડેથી ફી નહિ લે.’ દર વખતની જેમ પ્રીતે જીવંતિકાબેનને ઘરે ઉતાર્યા.
જીવંતિકાબેને ઘરે પહોંચી દીકરી નિર્વિ ને કાર્ડ આપતા કહ્યું, ‘જો હું આ છોકરાની વાત કરતી હતી. એ તારા માટે બધી જ રીતે યોગ્ય છે.’ નિર્વિએ કાર્ડ પર લખેલું નામ વાંચ્યું, ‘ડૉ. પ્રીત કંસારા’ નિર્વિ ફક્ત એટલું જ બોલી, ‘હ્મ્મ્મ્મ....જોઈએ છીએ’. જીવંતિકાબેનનો જીવ પોતાની દીકરીના લગ્ન માટે ખુબ રઘવાયો રહેતો. “દીકરીના લગ્નની ચિંતા હમેંશા માતા-પિતાને રહે છે” આ એક સનાતન સત્ય છે અને એ દરેક વ્યક્તિ સ્વીકારે છે. એક દિવસ જીવંતિકાબેન પ્રીતના ક્લીનીક પર પહોંચ્યા. ત્યાં તેમણે પ્રીતની સલાહ મુજબ સારવાર કરી. થોડાક દિવસબાદ પગને ઘણી રાહત હતી. તેમણે નિર્વિને પ્રીત માટે મનાવતા કહ્યું, ‘બેટા, આના જેવો સફળ પુરુષ અને સફળ ડોક્ટર તને ક્યાંય નહિ મળે. તું મારી વાત માને તો હું તેના માતા-પિતા સાથે તારા લગ્નની વાત કરું.’ આ જ વખતે નિર્વિએ પોતાની પ્રેમકથા પરથી પડદો ઉઠાવ્યો અને મૌન તોડ્યું, ‘હું એક છોકરાને જાણું છું જે મને ચાહે છે અને હું પણ તેને ચાહું છું. એનું નામ છે ડૉ. યુગ પટેલ. એ ઈ.એન.ટી. સ્પેશ્યાલીસ્ટ છે. અમે બંને એમ.બી.બી.એસ. માં સાથે હતા. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ મેં પ્રેક્ટીસ શરુ કરી અને તેણે ઈ.એન.ટી. માં આગળ એડમિશન મેળવ્યું. અને અમે બંને એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ અને તેના માતા-પિતાને પણ આ વાતની ખબર છે. તેઓ પણ મને સ્વીકારે છે. બસ હવે તારી અને પપ્પાની રાહ જોવાય છે. જો તમે કહો તો હું એમને આ રવિવારે બોલાવું.’ દીકરીની ખુશી આગળ બીજું બધું જ નકામું છે. જીવંતિકાબેને આગળ વધવાની પરવાનગી આપી. એક-બે દિવસમાં તો તેમણે નિર્વિના પપ્પાને પણ રાજી કરી દીધા. બસ હવે આ અઠવાડિયાના અંતની રાહ જોવાતી હતી.
કેટલાય દિવસોથી જે રવિવારની રાહ જોવાતી હતી એ આયો. ડૉ. યુગ પટેલ અને તેનો પરિવાર આવ્યો. આખો દિવસ બંને પરિવારે એકબીજાની સાથે વાતો કરી. જીવંતિકાબેન ડૉ. યુગના પરિવારને મળી ખુશ થયા પણ તેમના મનમાં થોડી કચાશ હતી. યુગના ગયા પછી જીવંતિકાબેને નિર્વિને કહ્યું, ‘અરે બેટા! તને હું ચોખવટ કરવા માંગું છું. થોડાક સમય પહેલા મંદિર પાસે મેં યુગને કોઈ અજાણી વ્યક્તિ સાથે અભદ્ર ભાષામાં વાત કરતા જોયો હતો. તું એણે બરોબર જાણે તો છે ને? મારા ખ્યાલ મુજબ તો પેલો હાડકાનો ડોક્ટર પ્રીત....’ નિર્વિએ ત્યાં જ તેમને અટકાવતા કહ્યું, ‘મમ્મી, હું પ્રીત અને યુગ બંનેને જાણું છું. હું કોલેજમાં સાડા પાંચ વર્ષ તેમની સાથે હતી. તે પ્રીતનો બનાવટી ચહેરો જ જોયો છે. તેણે પ્રેમમાં એક છોકરીને ફસાવી પાછળથી ધોકો આપ્યો તો. પ્રેમમાં નાસીપાસ થયેલી એ છોકરીએ ભણવાનું છોડી દીધુંતું. અને પછી એ મારી પાછળ પડ્યો હતો અને હું એ પણ કહી આપું એ તારી આગળ સારો હોવાનો ડોળ કરે છે. તું જે પ્રીતનો ચહેરો જુએ છે એ તો મુખવટો છે.’ આ વાત અહી પૂરી થઇ અને થોડાક દિવસબાદ યુગ અને નિર્વિની સગાઇ થઇ ગઈ. પોતાની બાધા પૂરી કરવા જીવંતિકાબેન મંદિરમાં ગયા અને ત્યાં ફરી એજ મીઠો અવાજ આયો, ‘કેમ છો? કાકી, બહુ દિવસે’ પ્રીતનો અવાજ સાંભળી જીવંતિકાબેને વાત માંડી. ‘દીકરા હું તો મારી દીકરીની સગાઈને લઈને કામમાં પરોવાયેલી હતી એટલે થોડું ટાઈમટેબલ બદલાઈ ગયુંતું.’ દરેક વખતની જેમ ડૉ. પ્રીત કંસારાએ જીવંતિકાબેનને ઘરે મૂકી ગયો. આ પછી જીવંતિકાબેનનો મંદિરમાં પાઠ કરવાનો ક્રમ ચાલુ રહ્યો પણ ડૉ. પ્રીત કંસારા નામનો બનાવટી ચહેરો ક્યારેય જોવા ન મળ્યો. કદાચ એને ખ્યાલ આવી ગયો હશે કે હવે કશું જ થઇ શકે તેમ નથી. એક દિવસ જીવંતિકાબેન મંદિરના પગથીયા પર બેઠા બેઠા વિચારી રહ્યા હતા કે, ‘મારી દીકરી સાચું કહેતી હતી ડૉ. પ્રીત સફળ ડોક્ટર તો હતો પણ સારું વ્યક્તિત્વ નહિ ધરાવતો હોય. કેટલાંક લોકો મનથી સારા હોય છે અને કેટલાંય સારો હોવાનો ઢોંગ કરતા ચહેરા પર મુખવટો લગાવીને ફરતા હોય છે.....’
“આસપાસ જે ચહેરાને જોવાનો દિલમાં ખ્વાબ હતો,
સમયે સમજાવ્યું કે એના પર તો કોઈ નકાબ હતો”
- નિશાંક મોદી