Wednesday, November 21, 2018

ટૂંકી વાર્તા: ઘરડો પ્રેમ

ટૂંકી વાર્તા: ઘરડો પ્રેમ

"લ્યો પપ્પા, આ તમારા સિનિયર સીટીઝન ગ્રુપમાંથી કંકોત્રી આવી છે. કરો કંકુના" મજાકિયા મયુરે મજાક માંડી

"અલા, આને આમંત્રણ કહેવાય અને આ કઈ કોઈ લગ્નપ્રસંગની કંકોત્રી નથી. આ તો અમારા ગ્રૂપની સાથે બેંકવેટ હોલમાં જમવા જવાનું છે ત્યાં થોડી સિનિયર સીટીઝનની એક્ટિવિટીસ હશે, જઈ આવીશું" મનસુખકાકાના મુખે શબ્દો મલકાયા.

"ના ના આજે તમારે ચોખવટ કરવી જ પડશે કે મળી એ ગમી નહિ કે ગમી એ મળી નહિ" મુખવાસ ખાતા ખાતા    મયુરે મજાક ચાલુ રાખી.

સાંભળી મનસુખકાકા મૌન રહ્યા....

મનસુખકાકાની ઉંમર આમ તો ઇકોત્તેર વર્ષ પણ મોજીલો, રંગીન, મજાકિયો માણસ સદાય જુવાન જ લાગે. સગાઈ ફોક થયા બાદ આજીવન અપરણિત રહેવાના નિર્ણય સાથે મજા કરી જિંદગી વિતાવતા. બાળકો પ્રત્યે પ્રેમ હોવાથી પિસ્તાલીસ વર્ષની ઉંમરે મયુરને દત્તક લીધેલો. એનો ઉછેર પણ એવી રીતે મદમસ્ત બની કરેલો અને બાળપણથી મજાકભર્યું હળવું ઘરનું વાતાવરણ બનાવેલું. આજ કારણથી મયુર પણ થોડો તોફાની હતો. જયારે પણ વાતાવરણ ગંભીર લાગે ત્યારે મનસુખકાકાની સગાઈ ફોક અને અપરણિત રહેવાની વાતને લઈ મેણો મારતો કે, "મળી એ ગમી નહિ કે ગમી એ મળી નહિ"

"તું મારો સગો દીકરો હોત તો આવી રીતે વાત ના કરત" મનસુખકાકાએ મોં મચકોડયું.

"અરે તમારો દીકરો હોત તો બધી આ માલ મિલકત કબજે કરીને તમને ઘરડાઘરમાં મૂકી દીધા હોત, આ તો મારા જેવો માયાળુ માણસ તમે દત્તક લીધો એ તમારું નસીબ છે" મયુરે મજાકની માજા મૂકી.

ઘરમાં બે જ વ્યક્તિ પણ ઘરનું વાતાવરણ કાયમ મોજીલું રહેતું. આટલા વર્ષોમાં મનુસખકાકા અને મયુરની મજાકોએ ક્યારેય ઘર માથે નથી લીધું. આજે પણ દિવસ નામના દરિયાની શરૂઆત આમ જ થઈને વાતોના મોજાં આગળ વધ્યા.

"તો શું પ્રોગ્રામ છે પપ્પા આ રવિવારનો? મારે એકલાએ જ લંચ લેવાનો છે"

"તને ખ્યાલ તો છે કે દર મહિનાના છેલ્લા રવિવારે અમારે લંચ બહાર હોય છે અને આ વખતે તો વારો ઓલા મિસ્ટર મૂછછડનો છે, મોટી પાર્ટી છે મોટી પાર્ટી જ આપશે જો ને આ ઇન્વીટેશન કાર્ડ છપાયા છે અને પાછી શરતો મૂકી છે કે દરેક જણાએ પોતાનું કોઈ પરફોર્મન્સ આપવાનું છે. જોક કહો, ડાન્સ કરો, ગીત ગાઓ, શાયરી...." છેલ્લા શબ્દે મનસુખકાકા અટવાયા.

"લ્યો તમારે તો ક્યાં કોઈ પ્રેક્ટિસ કરવાની છે, મહેફિલો સજાવવા માટેની ક્યાં કોઈ મજબૂરી છે, આ વર્ષોથી તમે ફિલોસોફી, શાયરી, ગઝલો લખો છો એ તો પસ્તીમાં જવાની છે પણ આ એક સોનેરી મોકો મળ્યો છે કે જેમાં તમે મહેફિલના મહારાજા બની શકો એમ છો" મયુરે માન આપ્યું.

રવિવારને ચાર પાંચ દિવસની વાર હતી અને મનસુખકાકાએ તૈયારીઓ ચાલુ કરી. રોજની સાંજની બેઠકો તો વર્ષોથી ચાલતી હતી અને આજેય બધા ભેગા થયા.

"તો મનસુખલાલ શું ચાલે? એ જ શાયરીઓ જ કરવાના છો રવિવારે?" ભગીરથભાઈએ એન્ટ્રી મારી

"નારે ભગિયા, હું તો ભજીયાં જ દાબવાનો છું, કરશે જેને કરવું હશે એ" મનસુખકાકાએ મટકું માર્યું

"તું શું કરીશ લ્યા ભાલચંદ્ર, સાંભળ્યું છે કે તું તો જોરદાર ડાન્સ કરતો તો જવાનીમાં" ભગીરથે બીજો ભોગ લીધો

"કરતો તો કરતો નથી, મેં મૂછછડ ને મેનુ પૂછી લીધું છે, આપણે તો ચાસણીમાં ડાન્સ કરતા ગુલાબજાંબુની જોડે સાલસા કરવાના છે" ભાલચંદ્રએ મીઠાશ વેરી

"પણ લ્યા તને તો ડાયાબિટીસ છે ને"

"અરે અહીંયા બેઠેલામાં મનસુખલાલ સિવાય બધાને ડાયાબિટીસ છે જ ને, સિત્તેર વર્ષ પછી ડાયાબિટીસ ના હોય તો શું પ્રેમરોગ હોય" ભાલચંદ્રએ સિનિયર સીટીઝનનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું

"અરે આ વખતે તો પેલા મૂછછડે બે સિનિયર સીટીઝન ગ્રૂપ ભેગા કરીને પાર્ટી આપવાનું નક્કી કર્યું છે" ભગીરથ ભૂકંપ લાયો

"એટલે" બધાનો એક સાથે એક જ સવાલ

"અરે આપણી જેમ મિસિસ મૂછછડનું પણ એક સિનિયર સીટીઝનનું ગ્રૂપ છે અને આ વખતે મિયાંબીબીએ ભેગા મળીને બન્ને ગ્રૂપને સાથે જ પાર્ટી આપવાનું નક્કી કર્યું છે એટલે તો પાર્ટીએ આટલો મોટો બેંકવેટ હોલ બુક કરી મોટો જમણવાર રાખ્યો છે"

આ સાંભળી બેઠેલામાંથી કેટલાકના મોતિયા મરી ગયા, થોડાક મોંમાં આંગળા નાખી ગયા, કોઈ મહેકાઈ ગયું ને કોઈ મલકાઈ ગયું. ખાલી મનસુખકાકા મૂંઝાઈ ગયા...એમને ખબર જ હતી કે જ્યારે જ્યારે મહેફિલ સજે ત્યારે એક જ સવાલ સામે આવતો "મળી એ ગમી નહિ કે ગમી એ મળી નહિ" અને આજ સવાલ મયુરે મજા માટે રાખ્યો તો જે પહેલા સજેલી કોઈ એક મહેફિલમાંથી જ આવેલો.

જાનની રાહ જોઈ ઉભા હોય અને જાનૈયા આવી જાય બસ એવી ખુશી સાથે રવિવાર આવ્યો. મિસ્ટર એન્ડ મિસિસ મૂછછડે બધા જ સિનિયર સીટીઝનનું સ્વાગત કર્યું. કદીક હાય હેલોથી મળતા લોકો આજે જય શ્રી કૃષ્ણ કહી મળતા. ફરક ખાલી ઉંમરનો જ હતો બાકી આજેય દરેક ઘરડા વ્યક્તિમાં એકાદ બાળપણ વસેલું જ રહે છે.

વેલકમ ડ્રિન્ક પૂરું થતાની સાથે જ ભગીરથ ભજીયાં તરફ ભાગ્યો ને ભાલચંદ્ર ગુલાબજાંબુ તરફ ઘૂમી ગયો. સિત્તેર વર્ષની ઉંમરના લોકોમાં કોઈકને દાંતની તકલીફ કોઈક ને હાર્ટની તોય કુદરત પણ એકાદ જીવનની મજા લેવાનો મોકો આપ્યા જ કરે. મનસુખકાકાની નજર પાણીપુરીના કાઉન્ટરની પાસે ઉભેલા કોઈ એક નવા ચહેરા તરફ ગઈ. નજીકના ચશ્માં ઉતારીને દૂર સુધી નજર માંડી તો લાગ્યું કે ચહેરો નવો તો નથી લાગતો. એ ચહેરા તરફ થોડાક પગલાં માંડ્યા અને તરત જ જાન તો પાછી વળી. ઘડીકભર તો શ્વાસ થંભી ગયો અને બોલ્યા "આ અહીં ક્યાંથી?"

મિસિસ મૂછછડ જાણે સવાલ સાંભળી ગયા હોય એમ બોલ્યાં, "અરે મનસુખભાઇ આવો, મળો મારી સહેલીને આ છે મયુરિકા" મનસુખકાકાને આજે મયુરિકાના કારણે પીંછા ખેંચાઈ રહયા હોય એવી લાગણી આવી.

"અરે કદાચ તમે મને નહિ ઓળખો પણ હું તો તમને જાણું છું, મનસુખ" મયુરિકાએ કાકા અને ભાઈ શબ્દોને તિલાંજલિ આપી મનસુખકાકાને મોહિત કર્યા.

"તમને થોડા ભુલાય મયુરિકા" મનુસખકાકા ફરી એકવાર મોહમાં પડ્યા.

"લો તમે તો એકબીજાને ઓળખો છો, વાતો કરો હું તો ચાલી બીજાને મળવા" મિસિસ મૂછછડે મોકળાશ કરી.

"કેમ છે તું?" મનસુખકાકાના 'તું' મા તુકારો નહિ આપણાપણું હતું.

"બસ મજામાં અને તમે" મયુરિકાના જવાબમાં 'તમે' મા 'અમે' હતું.

આટલી જ વાત થઈ અને બન્ને શાંત થઈ એકબીજાને જોઈ રહ્યા. ના કોઈ એકાદ બીજો સવાલ અને ના કોઈ પણ બીજો જવાબ. એક સરસ માહોલ ઉભો થયો હતો અને અચાનક ભગીરથે ભંગાણ પાડ્યું. માઇકમાં જાહેરાત કરી કે હું ગીત ગાવું છું બધા સાંભળો. નક્કી કરેલી એકવિટી પ્રમાણે શરૂઆત ભગીરથે કરી ગીત ગાઇને.

"વો ચાંદ ખીલા વો તારે હસેં યે રાત અજબ મતવારી હૈ!"

બાકીની લાઈનો મનસુખકાકાએ મનમાં વાગોળી કે "સમજનેવાલે સમજ ગયે હૈ ના સમજે વો અનાડી હૈ"

એક પછી એક બધાએ પોતાની લાયકાત મુજબ પરફોર્મન્સ આપ્યું અને અંતે મનુસુખકાકાનો વારો આપ્યો. મયુરિકાના આવવાથી મહેફિલ તો પહેલેથી રંગીન હતી બસ એને મિજાજી બનાવવાની વાર હતી. મનસુખકાકાએ ખૂબ ધ્યાન લગાવ્યું પણ આ વખતે એ બોલવામાં ધાપ ખાવા લાગ્યા, શાયરીની લાઈનો ઉપર નીચે થવા લાગી અને લોકોને મજા ન આવી. કોઈએ ડિમાન્ડ કરી કે "પ્રેમ વિશે કઈક કહો મનસુખલાલ"

અચાનક જ એમને શબ્દો સૂઝયા ને મુક્તક મળ્યું,
"ના તું મળી ના કોઈ તારી છાયા મળી,
ના પ્રેમ મળ્યો ના કોઈ પ્રેમની માયા મળી,
જે હતું જવાનીનું જોમ દોડતું જતું રહ્યું
લાકડીના ટેકે ચાલતી ઘડપણમાં કાયા મળી"

બધા જ બેઠેલા હસી પડ્યા અને બોલવા લાગ્યા કે મનસુખભાઇ લગ્ન ના કર્યા સારું થયું નહિતર આજે આ શબ્દો ના મળત. ઠઠાં મશ્કરી સાથે મહેફિલ પુરી થઈ બધા પોત પોતાના ઘરે પહોંચ્યા.

"શું મનસુખલાલ? કેવી રહી મહેફિલમાં તમારી પરીક્ષા" મયુરે માર્કશીટ માંગી

'બસ જો બેટા, આવી ગયા ઘરે" મનસુખકાકાના અવાજમાં સહેજ ગંભીરતા હતી

"શું થયું પપ્પા આજે થોડા ગંભીર લાગો છો? થાકી ગયા છો?"

"ના આજે જિંદગીને હું રિવાઇન્ડ કરી જોઈ રહ્યો હોવું એવું લાગી રહ્યું છે"

"કઈ સમજાયું નહીં મને"

"આજે પાર્ટીમાં મને એક વ્યક્તિ મળી જેને હું વર્ષો પહેલા ખૂબ ચાહતો હતો અને કદાચ એ પણ મને ચાહતી જ હશે. જયારે જયારે અમારી નજર એક થતી ત્યારે ત્યારે અમે કશું જ બોલ્યા વગર ઘણું બધું કહી જતા. બસ આજેય એ જ થયું. અમે લગ્ન તો ન કરી શક્યા અને બીજે મારી સગાઈ થઈ ગઈ. મેં સામેવાળાને મારા ગમતા પાત્રની વાત કરી અને ત્યાં જ મારી સગાઈ ફોક થઈ ગઈ"

"શું નામ છે એમનું?"

"મયુરિકા"

"તો શું મારુ નામ તમે એમના નામ પરથી જ પાડ્યું છે?"

જવાબમાં મનસુખકાકાએ પહેલીવાર ઉપર નીચે માથું હલાવ્યું.

"તો લાવો આપડે હવે તમારા લગ્ન કરાવીએ, એમના લગ્ન તો નથી થયાને?" મયુરે મથ્યો માયાજાળ રચવા.

મનસુખકાકાએ એને રોકતા કહ્યું કે, "ભાઈ શાંત થઈ જા, આ ઉંમરે કઈ હું પરણવાનો નથી અને મારે એ પણ જાણવું નથી કે એના લગ્ન થયા, નથી થયા, તૂટી ગયા, એનો પતિ છે કે નહીં. હવે આ વાત અહીં પૂર્ણ થઈ જાય છે. હું ઘરડો થયો છું મારો પ્રેમ જે કદાચ જવાનીમાં જ ઘરડો થઇ ગયો હતો એ આજે ફરી જવાન થવાના વિચારો કરે છે પણ દીકરા આપણે કોઈ વર્ચુયલ રીઆલીટીમાં નથી જીવતા કે લાઈફનું કોઈ રિવાઇન્ડ બટન પણ નથી કે ફરી ત્યાં પહોંચી જઈશું. હવે ફરી મૂછછડ આવી પાર્ટી આપવાનોય નથી અને અમે ફરી ક્યાંય મળવાનાય નથી. આતો ઈશ્વરે ઘરડા માણસને પ્રેમની યાદ ભેટ રૂપે આપી કે જેથી ઉપરવાળાને મળ્યા પછી હું કોઈ ફરિયાદ ના કરું"

અને હા તમે બધા કહેતા તા ને "મળી એ ગમી નહિ કે ગમી એ મળી નહિ" હકીકતમાં તો એવું બન્યું છે મયુરિયા કે "મળી એય ગમી નહિ કે ગમી એય મળી નહિ" મહેફિલના મહારાજા એવા મનસુખકાકા મનથી હારી ગયા...આજે ઘરનું વાતાવરણ વગર અવાજે પણ અશાંત હતું....આજે પણ રાત નામના રસ્તાઓની શરૂઆત આમ જ થઈને યાદોના વળાંકો આગળ વધ્યા.

અંતિમ સ્પર્શ:
પરિસ્થિતિ એવી સર્જાય ને મારે પ્રેમ વિશે બોલવાનું થાય,
કહેતા મારી જીભ થોથરાયને સાંભળી આંખો તારી શરમાય.
- નિશાંક મોદી

Saturday, November 3, 2018

ટૂંકી વાર્તા: બે મકાન, એક ઘર

'આજે રવિવાર હતો તું આવવાની હતી એટલે લે તારા માટે લાપસી બનાવી છે, તને બહુ ભાવે છે ને!' પાંચ વર્ષના વિરામ પછી ઘરે પાછી બોલાવેલી ઝંખનાને એની માએ હોંશે હોંશે વધાવી.

આજથી પાંચ વર્ષ પહેલાં ઝંખના પોતાના પ્રેમી અને હાલના પતિ માટે પોતાના માં બાપને છોડીને ભાગી ગઈ હતી. માં બાપ એટલા દુઃખી હતા કે એને કાયમી ભૂલી જવાનો નિર્ણય લઈ બેઠાતા. પણ માણસનો સ્વભાવ એટલે ઢાળ પર વહેતી લાગણી જે બાજુ વહે એ વહ્યા જ કરે અને એમાંય માં બાપ નો બાળક માટેનો પ્રેમ કઈ એમ થોડો ભૂલી જવા દે.

'તો તને પાંચ વર્ષમાં અમારી યાદ ક્યારેય ના આવી' ઝંખનાના મમ્મીએ આંખો ઝીણી કરતા સવાલ કર્યો.

'યાદ તો આવતી હતી પણ હું મારું ઘર લઈને બેઠી હતી અને સ્વરૂપે મને ક્યારેય આ ઘરની યાદ આવવા જ નથી દીધી. જેટલો પ્રેમ મને આ ઘરમાં મળતો હતો એટલો જ પ્રેમ મને સ્વરૂપના ઘરમાં જ મળતો. ધીરે ધીરે સ્વરૂપનું ઘર મારુ ઘર ક્યારે થઈ ગયું એ સમજાયું જ નહીં.' લાપસીનો સ્વાદ માણતા માણતા ઝંખના પાંચ વર્ષનો ભૂતકાળ પાંચ મિનિટમાં વર્ણવી રહી હતી.

'અરે પણ બાવીસ વર્ષથી તને ઉછેરી અને સ્વરૂપ સાથે લગ્નની ના પાડી એમાં તે આટલો મોટો ભાગી જવાનો નિર્ણય લીધો. જરાક અમારો તો વિચાર કરવો તો કે અમારા પર શું વીતશે'

'હું સ્વરૂપને ઓળખતી હતી અને તમને સમજાવતી હતી પણ તું અને પપ્પા બન્ને જીદ લઈ બેઠા તા કે ના આ છોકરા સાથે તારે પરણવાનું નથી. તું ખાલી વિચાર કર કે સ્વરૂપ કેટલો સારો માણસ અને પતિ સાબિત થયો છે કે મને તમારી કોઈ યાદ જ આવવા દીધી નથી અને તારા આજના એક ફોનથી એણે જ મને કીધું કે ના તું મળી આવ તારા માં બાપ ને, ગમે તેમ તોય તારા જન્મદાતા છે' ઝંખનાની વેદના હજુ અટકી નતી.

'બાકી શું કરે અમારી બાજુમાં રહેતી બહેનપણી, મેં સાંભળ્યું તું કે એના પણ લગ્ન થઈ ગયા તા મારા ભાગ્યા પછી' પડોશમાં રહેતી અને પોતાની ખાસ મિત્ર માલવિકાના ઝંખનાએ ખબર પૂછ્યા.

'એ પડી અહીંયા ચાર વર્ષથી ચાર વર્ષના છોકરાને લઈને' નિસાસાભર્યો એક શ્વાસ છૂટ્યો.

'હે શું, માલવિકા અહીં જ છે, પિયરમાં.'

'હાસ્તો એના માં બાપે ધામધૂમથી લગ્ન કરાવ્યા એક વર્ષમાં પુત્ર પણ આવ્યો અને એ પછી ભગવાન જાણે શું થયું તો એ હજી ચાર વર્ષથી રિસામણે જ છે.'

'માલવિકાનો સ્વભાવ જીદ્દી તો હતો પણ એને માણસ પણ એના જેવો મળ્યો હશે.'

'ઝંખના, હું અને તારા પપ્પા સ્વરૂપને તો નથી જાણી શકયા પણ માલવિકાના પતિને ઓળખી શક્યા છીએ. આ ચાર વર્ષમાં ઘણીવાર એ પોતાના પુત્રને મળવા આવતો. બે હાથમાં માય નહિ એટલી વસ્તુઓ લાવતો. ખાવા પીવા પહેરવા ઓઢવા રમકડાં અને તહેવારો પર મીઠાઈ બધું જ લાવતો અને આ બધી તો વસ્તુઓ જાહોજલાલીની લાગે પણ આંખોમાં એની વિરહના પ્રેમની લાગણી હતી બસ એ એક જ તેજ ઓછું કરી દેતી. માલવિકાએ કદાચ સોળ સોમવારના વ્રત કર્યા હોત તોય દેવરૂપી માણસ એને પતિના રૂપમાં ન મળત. આતો એ લોકો બહાર ગયા હોય તો અહીં આવતો અને સામાન મૂકી વીલા મોઢે પાછો ફરતો.'

'તો પછી એ લોકો છૂટાછેડા કેમ નથી લેતા'

'તાળી બે હાથે પડે, છૂટાછેડાના કાગળ પર દરેક વખતે એક સહીથી કામ ચાલી જતું હોત તો આજે અડધા પરિવાર તૂટેલા હોત, માલવિકાનો પતિ હજુય આશ લઈ બેઠો છે કે એનું ઘર થશે.'

'પણ કારણ શું?' હવે ખરો સવાલ ઝંખનાને આવ્યો.

'જાને એને મળીને પૂછને, આમેય આજે રવિવાર જ છે એને રજા હશે.'

અધૂરી વાત અને વાડકામાં અધૂરી લાપસી સાથે ઝંખના માલવિકાને મળવા પહોંચી.

'હાય હાય' પરસ્પર ગ્રીટિંગ્સની આપ લે થઈ.

'માલવિકા શું ચાલે છે, મમ્મીએ કહ્યું કે તું અહીં જ છે અને આમેય રવિવાર હતો એટલે મને ખ્યાલ હતો કે તારે ઓફિસે પણ નહીં જવાનું હોય. બોલ કેવુક છે'

'બસ જો ચાલ્યા કરે બેસ હું ગેસ પર લાપસી મૂકીને આવું' સામે ટૂંકો પણ લાંબો નિરાશાજનક જવાબ મળ્યો.

પાંચ વર્ષની ન વર્ણવેલી બધી જ સારી ખોટી વાતો બન્ને સહેલીઓએ વાગોરી. પછીની વાતો સહેજ ગંભીર બની.

'તો શું કરે અમારા જીજાજી' ઝંખનાએ ઝંખના જંજાવતો સવાલ કર્યો.

'બસ ખ્યાલ નહિ, હું ઓફિસ જાઉં પછી કદીક મારા પુત્રને મળવા આવી જાય, મજામાં જ હશે.'

'તમારા પુત્રને' ઝંખનાએ જવાબ સુધાર્યો.

'પણ તમારા જુદા થવાનું કારણ'

'કઈ નહિ હું ઘર અને ઓફિસ બન્ને સાચવી શકતી ન હતી અને થાકી જતી. બાળક, ઘરનું કામ અને ઓફિસની મગજમારી વચ્ચે મેં નક્કી કર્યું કે અમે જુદા રહીશું'

'એક મિનિટ, તમે નક્કી કર્યું કે તે નક્કી કર્યું' ઝંખનાએ વચ્ચે અટકાવી.

'મેં જ નક્કી કર્યું'

'સામેવાળા અને પિયરપક્ષનો વિચાર કર્યો'

'સામેવાળાનો શું વિચાર કરું અને મારા માં બાપ એ તો મને રાખવાના જ હતા ને, કઈ તારા માં બાપ જેવા થોડા હતા કે ભૂલી જાય' માલવિકાનો પ્રહાર થયો.

'આપણે દીકરી એટલે સાપનો ભારો એવું ઘરડા કહેતા, માં બાપ ઉછેરી તુલસીના ક્યારો બનાવે અને ધામધૂમથી લગ્ન કરી વિદાય આપે અને આ વિદાય પછી જો કોઈ દીકરી પાછી આવે તો એ પાછી સાપનો ભારો જ થઈ જાય. કોઈ મા બાપ એવા કઠોર ના થાય કે પાછી આવેલી દીકરી ને ના સ્વીકારે પણ અહીં ભૂલ માં બાપની નહિ દીકરીની છે.'

'તે ભૂલ નતી કરી, માં બાપને છોડીને' માલવિકાએ ટોણો માર્યો.

'કરી હતી સો ટકા, પણ એ બાબતે હું બદનામ થઈ હતી મારા માં બાપ નહિ. અહીં તું અને તારા મમ્મી પપ્પા બધા જ બદનામ થાય છે. જો તારો પતિ સારો ન હોત તો તને ક્યારનીય છોડી દીધી હોત. શું મેળવ્યું તે આટલો સારો પતિ ગુમાવી' ઝંખના સમજાવા બેઠી.

'લે આજે હું પગભર છું, લોન લઈ બે મકાન કર્યા, મારા છોકરાની ફી ભરું છું. સારું કમાવું છું અને ખુશ છું.'

'એ વાત સાચી કે લોન લઈ બે મકાન લીધા, છોકરાની ફી ભરી, સારું કમાય છે. પણ એ વાત માન્યામાં નથી આવતી તું ખુશ છે. કદાચ તું બે મકાન સાથે પગભર તો છે પણ કોઈનો સાથ માણી શકે એવું એકાદ ઘર છે તારી જોડે?'

'તો શું તારો પતિ નથી કમાતો, એની જોડે ઘર ન હતું, એ ફી ન ભરી શક્ત. હકીકતમાં તું બધી રીતે એડજસ્ટ ન થઈ શકી પણ સજા તે બધાને આપી. પોતાને, પતિને, સાસરીપક્ષ, પિયરપક્ષ. તું તો આટલું ગુમાવી ચુકી છે પણ હવે તું તારા પુત્રના નસીબમાંથી પિતાનો પ્રેમ પણ લૂંટી રહી છે. અને મારા ખ્યાલથી એ પ્રેમ લૂંટવાનો તારો કોઈ અધિકાર નથી.'

'બસ હું જ ખરાબ, તું સારી તારા માં બાપને છોડીને જતી રહી એ બધું યોગ્ય હતું.'

'ના હું ખોટી ન હતી હા મારી મા બાપને છોડી જવાની રીત ચોક્કસપણે ખોટી હતી. પણ મારા માં બાપના નિસાસા કરતા તારા માં બાપના તને ન સમજાવી શકવાના નિસાસા વધુ ભારરૂપી છે. ભલે તું એમની જોડે રહેતી હોય પણ તેમની એક જ આશ હશે કે દીકરી પોતાના ઘરે પાછી ચાલી જાય. હા પોતાના ઘરે કારણ કે આ તારું ઘર નથી આ તારા માટે એક મકાન છે જેમાં તું ક્યારેક પ્રસંગોપ્રાત રોકાઈ શકે.'

'મેં પતિ ખાતર માં બાપ છોડ્યા અને તું માં બાપ ખાતર પતિ છોડે છે. પણ એકવાર ખાલી તારા મમ્મી પપ્પાને બેસાડી પૂછી લેજે કે હું સાચી છું ને. જો એ મનથી હા પાડી દે તો સમજજે કે તું સાચી હોઈશ પણ જો કોઈ જવાબ ન આપે તો સમજજે કે તું ખોટી છે એ કદીય મોં પર ના નહિ પાડે.'

માલવિકાએ કોઈ જ જવાબ ન આપ્યો કદાચ એક તરફ એની લાગણીઓ મરી રહી હતી અને બીજી બાજુ ગેસ પર મુકેલી લાપસી બળી રહી હતી....

અંતિમ સ્પર્શ:
કોઈ એક ઘર કરી બેઠુંને, કોઈ બે મકાન કરી બેઠું છે,
રાખને કોઈ ફૂલ તો બાગને કોઈ સ્મશાન કરી બેઠું છે.
- નિશાંક મોદી