Monday, December 9, 2019

ટૂંકીવાર્તા: શિંગોડાની સ્ટ્રોબેરી

'ઓલી નીકળી ગઈ, મારી સ્ટ્રોબેરી?' હાંફતા ફાંફતા શ્રેણિકે બસ સ્ટેન્ડ પર મોડા પહોંચતા જ પૂછ્યું.

'ભાઈ તારા ચક્કરમાં મેં ત્રણ બસ જવા દીધી' સંતોષે અસંતોષ મનથી જવાબ આપ્યો. 'પણ લ્યા, તું બસને સ્ટ્રોબેરી કેમ કહે છે?'

'સંતોષીયા, હું કઈ બસને સ્ટ્રોબેરી નથી કહેતો, મારી રસમધુરી સારંગી નું પૂછું છું.'

'ક્યારેક ફ્રૂટના નામ, ક્યારેક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના નામ, ઓલી સારંગીને જોવા તું પહેલો આવે અને એ જે બસમાં બેસે એમાં તું ન જાય અને પછી બીજી બસ પકડે. ભાઈ તારી માયા તું જ જાણે, ચાલ હવે મને હેતયા ને ફોન કરવા દે, બસ તો જતી રહી છે, હેતયો જ કારમાં પીક કરતો જશે, કોલેજમાં આજનો પહેલો લેક્ચર તો ગયો.'

થોડીકવારમાં હેત બસ સ્ટેન્ડ પર પહોંચ્યો ને બોલ્યો, 'કમ ઓન મેન, તમારા રોજના નાટક છે' ને પછી રમરમાટ ગાડી કોલેજ તરફ દોડી. કોલેજ પહોંચતા જ હેત કાર પાર્ક કરવા ગયો, સંતોષ ખાલી પેટની ભૂખ સંતોષવા અને શ્રેણિક રસમધુરી સારંગીની શોધમાં.

ઓછી ઊંચાઈ પણ દેખાવે સુંદર, કોલેજની સર્વશ્રેષ્ઠ છોકરી એટલે સારંગી. કોઈ ફિલ્મી હિરોઈન જેવું નાજુક નમણું શરીર તો નહીં પણ મોટા ભાગના કોલેજના છોકરાઓને આંટા મારતા કરી દે એવી અદાઓ. કોઈના માટે ચાલુ માલ કે ફટકો, કોઈના માટે મેરેજ મટીરીયલ પણ શ્રેણિક માટે સ્ટ્રોબેરી. કોલેજનો દરેક છોકરો એની સાથે વાત કરવા બહાનું શોધે.

'મલી તારી સ્ટ્રોબેરી?' સંતોષે બર્ગરમાંથી ઢળતા ટામેટાના અધકચરા ટુકડાને ઝાલતા પૂછ્યું.

'આજે આવી જ નથી, એની ફ્રેન્ડ જોડે વાત થઈ.' શ્રેણિકે ઉદાસ ચહેરે કહ્યું. સામે છેડે સંતોષને ખાલી સૉસ ઢળ્યાનો જ અફસોસ હતો, બાકી શ્રેણિકનો ઉદાસ ચહેરો એને ઓડકાર ખાતા રોકે એમ ન હતો.

'વોટ આર યુ ડુંઈંગ ગાયસ? ક્લાસમાં નથી જવું?' હેત પાછો આવી પૂછવા લાગ્યો.

'આને સમજાવ સ્ટ્રોબેરીના ચક્કરમાં દેવદાસ થઈ બેઠો છે.' સંતોષ હાથ ધોઈ નીકળી ગયો.

'લિસ્ટન મેન, સારંગી ખૂબ સારી છોકરી છે, માત્ર દેખાવમાં નહિ પરંતુ બધી જ રીતે પણ હું એક સાચી સલાહ આપું, તું એને ભૂલી જા, તમારી જોડી નહિ જામે. હું તને ખોટી સાંત્વના નહિ આપું પણ એક વાત સમજી લેજે તારો રંગ શ્યામવર્ણી છે અને એ રાતી રૂપાળી ગાય. તમારા બંન્નેની જોડી ના જામે.' હેતે સાચા મિત્રની જેમ સાચો રસ્તો બતાવ્યો.

'અરે પ્રેમમાં ઊંચનીચ, રંગ, નામ, સરનામું કદીય આડું ના આવે' શ્રેણિકે રસ્તો પોતાના તરફ વાળ્યો.

'લોગ આંખો સે દિલ મેં ઉતર જાને કી બાત કરતે હૈ, સમજ લો એક બાત, લોગ આજ ભી ચહેરે સે પ્યાર કરતે હૈ.' કોઈકની કહેલી શાયરી સંભળાવી હેત નીકળી ગયો.

હેત જતા જતા મનમાં બબડયો કે 'આ શિંગોડાને સ્ટ્રોબેરીની પેટીમાં ફિટ થવું છે એને કોણ સમજાવે કે ક્યાં પેલી ખટ મીઠ્ઠી સ્ટ્રોબેરી અને ક્યાં આ સ્વાદ વગરનું શિંગોડુ'

કોલેજના બે વર્ષ પૂર્ણ થયાતા. બંને વર્ષમાં ટોપ રેન્ક પર રહી શ્રેણિકે, ઘણી છોકરીઓનો વિશ્વાસ જીતી લીધો તો અને મોટા ભાગના છોકરાઓ માટે એ ઉપહાસનો વિષય હતો. સારંગીનું રૂપ બે વર્ષમાં વધુ ખીલી ગયું હતું. કોલેજમાં બે જણ ફેમસ હતા. એક સ્ટ્રોબેરીને બીજું શિંગોડું.

ત્રીજા વર્ષના મધ્યમાં અનર્થ થયું. સારંગી શ્રેણિકનું સરનામું શોધતી સંતોષ પાસે આવી. 'શ્રેણિક ક્યાં મળશે મને, મારે કામ હતું એનું?'

'આજે તો એ સવારે બે લેક્ચર ભરીને નીકળી ગયો પણ મારી પાસે એનો ફોન નંબર છે. તું વાત કરી લે એવું હોય તો'

'સંતોષ તું ફોન લગાવી વાત કર, પછી મને આપ'

સંતોષે ફોન લગાવી કીધું કે, 'સારંગીને તારી સાથે વાત કરવી છે.'

'બે અત્યારે મજાક ના હોય સંતોષીયા, તમે નવરા પડ્યા હશો હું સિગ્નલ પર ઉભો છું, પછી વાત કરું'

'અરે સાચું કહું છું લે વાત કર સારંગી જોડે'

'હા શ્રેણિક, હું સારંગી' સામે છેડે મ્યુઝિકના બધા જ ઇસ્ટ્રુમેન્ટ હોર્ન સાથે વાગવા લાગ્યા. ટ્રાફિકની લાઈટ કલરફુલ સીરીઝ લાગવા લાગી, ટ્રાફિક પોલીસ લગ્ન કરાવનાર ભુદેવ જેવો લાગ્યો. અચાનક બધું સારું લાગવા લાગ્યું.

'હા શ્રેણિક સાંભળે છે?' સારંગી એ ખોવાયેલા ગિટારનો તાર ખેંચ્યો.

'હા બોલો, હા બોલ, હા સારં, હા સ્ટોબે' શ્રેણિક સ્વસ્થ હોવા છતાં સ્પષ્ટ ન હતો.

'મારે તને મળવું છે, તું પ્લીઝ કોલેજ આવી શકીશ'

'હા હું આવું જ છું' દિવાનાનો શાહરુખખાન દિવ્યા ભારતીને મળવા આતુર થઈ દોડ્યો.

થોડીકવારમાં શ્રેણિક આવી પહોંચ્યો. હેત, સંતોષ અને સારંગીને સાથે જોઈ થોડો મુંઝાયો.

સારંગીએ શ્રેણિકનો હાથ પકડ્યો અને કહ્યું 'તારો ખૂબ ખૂબ આભાર, તને ખ્યાલ નથી કે તે મારા પર કેટલું મોટું અહેસાન કર્યું છે.' 

'કઈ સમજાયું નહીં, સારંગી?'

'બે દિવસ પહેલાં, તે કોઈને સતકર્મ હોસ્પિટલમાં દાખલ કર્યા તા જ્યાં તે બ્લડ પણ આપ્યું તું.'

'હા પણ એ તને ક્યાંથી ખબર?'

'એ મારા સગા કાકા હતા, મારા માતાપિતાના મૃત્યુ પછી મને મારા કાકા કાકીએ જ ઉછેરીને મોટી કરી છે. એ મારા માટે પિતા તુલ્ય છે. ડૉકટર સાથે વાત થઈતી મારે, એમણે કહ્યું કે બસે કાકાના સ્કૂટરને ટક્કર મારીતી, લોહીલુહાણ હાલતમાં કોઈક અહીં લાવ્યું તું અને એજ વ્યક્તિએ બ્લડ પણ આપ્યું. તારી બ્લડ ડોનેટ એન્ટ્રી ફાઇલમાં કોલેજના તારા આઈકાર્ડની ઝેરોક્ષ મળી અને હું હેબતાઈ ગઈ, તારો ખૂબ ખૂબ આભાર' સ્ટ્રોબેરીની આંખોનો રસ (આંસું) ચાસણી બની શિંગોડાના કાળા રંગને ધોઈ રહી હતી અને ચોખ્ખા સફેદ મનવાળો એક માણસ ફરી પ્રેમમાં પડી રહ્યો હતો.

ઘટના સાવ સામાન્ય હતી પણ મન જીતી લેનાર હતી. સારંગીને મન શ્યામવર્ણ મહત્વનો ન રહ્યો અને એક રાતી રૂપાળી ગાય આંખોથી દિલમાં પહોંચી ગઈ હતી. ઊંચનીચ, રંગ, નામ, સરનામું બધું જ પ્રેમમાં ભૂંસાઈ ગયું હતું. જેમ કોઈ ખોવાયેલો બાળક મળે ત્યારે આખી સોસાયટી ભેગી થઈ જાય એમ કોલેજ કેમ્પસમાં ટોળે ટોળાં જામ્યા. બસ એક જ વાત, શિંગોડાને સ્ટ્રોબેરી મળી ગઈ. 

કોલેજ પુરી થતા થતામાં તો બંન્ને પરણી ગયા. સંતોષને લગ્નભોજન સમારંભમાં કોઈ મામા કે ફુઆને સોંપવામાં આવે એવી જવાબદારી સોંપી. હેતની ગાડીમાં જ જાન નીકળી. હેત મનમાં આજ ફરી બબડયો કે, 'શિંગોડામાં સ્વાદ તો નથી હોતો પણ કોણ જાણે લોકોને આજેય એ પસંદ છે, કંઈક તો હશે એનામાં.' કલરફુલ સિરીઝની લાઇટમાં, શરણાઈની ગુંજ સાથે અંતે શિંગોડું સ્ટ્રોબેરીની પેટીમાં ગોઠવાઈ ગયું ને સાચા ભુદેવના મંત્રોચ્ચાર વચ્ચે અચાનક બધું સારું લાગવા લાગ્યું.

અંતિમ સ્પર્શ:
એક અંધારી રાતને પૂનમનો ચાંદ મળી ગયો,
ને પછી રૂપેરી રાધાને એક શ્યામ મળી ગયો.
- નિશાંક મોદી

કથાબીજ: 
ફ્રિજમાં સ્ટ્રોબેરીના કન્ટેરમાં ગોઠવાયેલા શિગોંડા જોઈને સુઝેલી કથા