Sunday, December 30, 2018

ટૂંકી વાર્તા: સ્ત્રીનો પ્રેમ, પુરૂષનો પ્રેમ

ટૂંકી વાર્તા: સ્ત્રીનો પ્રેમ, પુરૂષનો પ્રેમ

"બે યાર, મને પ્રેમ કરતા શીખવાડને, એ કેમ થાય?" ગુલાબી ઠંડીમાં એક હાથ જેકેટના ખિસ્સામાં રાખી ગરમાવો લેતા, બીજા હાથમાં વરાળ નીકળતી ચા સાથે, રઘવાયેલા રાઘવે પરિમલને ધગધગતો સવાલ કર્યો.

"શું....એટલે કઈ ટપ્પી ના પડી દોસ્ત?" પરિમલની જીભ અને ચા બન્ને ઠરી ગઈ.

"અલા, તને તો ખબર છે, મારી સગાઈને હજુ બે મહિનાય નથી થયા, અને બધી ફરમાઇશો ચાલુ થઈ"

"કેવી ફરમાઇશો? વસ્તુઓની"

"અરે ના! વસ્તુઓની ફરમાઈશ હોત તો લાવી આપત પણ આ તો એવી ફરમાઇશો છે જેનો મને ખ્યાલ જ નથી આવતો"

"જો રાઘવીયા, કઈક સમજાય એવું બોલ, તું બોલે છે એમાં મને બધું જ બાઉન્સર જાય છે, મારે બીજી ચા પીવી પડશે." પરિમલે બીજી બે ચા નો ઓર્ડર કર્યો.

"બે તને યાર ચા ની પડી છે, મારું તો વિચાર"

"તું મને પુરી વાત કર આમ રમાડ નહિ, હવામાં વાતથી મને નહિ ખબર પડે"

"તારી જોડે હાલ કોની વાત હોય, હું આરઝૂની વાત કરું છું. સગાઈનો એકાદ મહિનો તો સારું રહ્યું, હવે ફરમાઇશો ચાલુ થઈ ગઈ છે અને એવી ફરમાઇશો કે જે મને સમજાતી નથી"

"મારી એક જ ફરમાઈશ છે કે તું મને ગોળગોળ ફેરવ્યા વગર સીધી વાત કર, હાલ તો મને કંઈ સમજાતું નથી" પરિમલે આટલું કહેતા રાઘવને શાંતિથી બેસાડ્યો.

"લે કાલની જ વાત કરું, હું ઓફિસથી થાકીને આયો તો, નવી જોબ છે, કામ વધારે રહે છે. વહેલો સુઈ ગયો. મારા પાર્સલની (આરઝૂની) વર્ષગાંઠ હતી અને એ રાતે બાર વાગે મારા ફોનની રાહ જોઈ બેઠી તી. અને એ તો ઠીક એને તો એમ હતું કે હું રાતે બાર વાગે કદાચ કૅક લઈને એના ઘરે પહોંચી જઈશ. અને આ બાપુ તો સુઈ ગયા તા. સવારે ઉઠીને ફોન કર્યો ત્યાં તો વરઘોડો ચાલુ થયો. રાતે ફોન કેમ ના કર્યો? તમને તો ઓફિસ સિવાય કશું દેખાતું જ નથી. એને કીધું સાંજે તને પાર્ટી આપીશ બસ...થોડી મનાવી સાંજે મળ્યા બહાર જમવા ગયા એના માટે એક કાંડા ઘડિયાળ લઈ ગયો તોય હું એનું મન ના જીતી શક્યો"

"કેમ શું થયું, બર્થડે પ્રેઝન્ટ ના ગમી?" પરિમલ મુંઝાયો

"ગમી તો ખરી પણ આપવાની રીત ના ગમી, મેં જઈને હાથમાં આપી દીધી, કઈ કીધું નહીં, એને એવી આશા હતી કે હું એને પહેરાવત, વ્હાલથી બે ચાર સારા શબ્દો કેત, કેન્ડલ લાઈટ ડિનર કરતી વખતે આઈ લવ યુ શબ્દોની આપ લે થાત, એ મસ્ત તૈયાર થઈને આવી તી પણ મેં કઇ નતું કીધું, એ પણ એને ન તું ગમ્યું. કોઈ કઈ ખોટું કરે તો ખોટું લાગે, અહીં તો વગર વાંકે કોઈને ખોટું લાગે એટલે જ તારી જોડે આ વાત છેડી, તું યાર કઈક બે ચાર રોમેન્ટિક વાત કરતા શીખવાડને, સ્ત્રીને કેમ કરી સમજવી? એનું મન કેમ કરી જીતવું? એને ખુશ કેમ કરી રાખવી?" લાંબી લચક પ્રણય વગરની કથા પછી રાઘવ પ્રશ્નાર્થ મૂડમાં આવ્યો.

પરિમલે સમજાવતા કહ્યું કે, "કઈ નથી, આ પ્રેમનો ઉભરો છે. તમારી સગાઈ હમણાં જ થઈ છે, આરઝૂને તારા પ્રતેય પ્રેમ છે અને તને પણ હશે પણ તું એને પ્રેમ દેખાડી શકતો નથી. આ સામાન્ય બાબત છે. હું તને ઓળખું છું, ધીરે ધીરે બંન્ને સેટ થઈ જશો. આ તારી નહિ દરેકના જીવનની સામાન્ય ઘટના છે. ઘણા છોકરા છોકરીઓ હોય છે જે પોતાની ફીલિંગ્સ એકબીજાને દેખાડી શકતા નથી. અને તારા સવાલોનો એક જ જવાબ છે મારી જોડે, છોકરીને સમજાવાની, મનાવવાની, ખુશ રાખવાની કોઈ રીત નથી. એને ખુશ થવું હશે તો તારા ગુસ્સા પર પણ થશે અને નહિ થવું હોય તો તારા મનાવવા પણ નહીં થાય. એટલે બધું સમય પર છોડી દે..." પરિમલને રાઘવ વાત પતાવી છુટા પડ્યા...

બીજા દિવસે પરિમલના મોબાઇલની રિંગટોન વાગી, નંબર જોયો તો રાઘવનો. "હા બોલ, શું થયું?" પરિમલે ફોન ઉપાડતા તરત પૂછ્યું...

"બે પરિમલ, મને નથી લાગતું કે અમારું ઝાઝું ટકે, કાલે તારી જોડે ચા પીવા બેઠો તો અને એને ફોન ન તો કર્યો, એને તો ખોટું લાગી ગયું કે ભાઈબંધ જોડે વાત કરવાનો સમય છે પણ એની જોડે નહિ. શું કરું સમજાતું નથી, લગ્ન પહેલા જ આટલી મગજમારી છે પછી શું થશે?, નાની નાની વાતમાં કેટલું ધ્યાન રાખવાનું યાર મારે તો"

"રાઘવ હું ઓફિસમાં છું, શાંતિથી મળીયે ત્યારે વાત કરીશું" પરિમલે વાત ટૂંકાવી.

ત્રણેક દિવસ રહી બંને મળ્યા અને પરિમલે રાઘવને સમજાવાની શરૂઆત કરી કે, "જો દરેક છોકરી પોતાના પતિમાં એક હીરો શોધતી હોય, સરસ મસ્ત હેન્ડસમ લાગવો જોઈએ, બે ચાર પ્રેમની વાતો કરતા આવડવી જોઈએ, એના રૂપના વખાણ કરતો હોય, એની દેખભાળ રાખતો હોય, એને ખબર જ છે બપોરે એની પ્રેમિકાએ જમી જ લીધું હશે તોય ફોન કરી પૂછે કે જમી લીધું ને? ક્યારેક તબિયત ના સારી હોય તો દિવસમાં દસબાર ફોન કરે અને એને બતાવે કે એના માટે કેટલી લાગણી છે. બનાવટી તો બનાવટી પણ એના માટે સારી વાતો કરે. પણ હજુય તને એક જ સાચી સલાહ આપું છું, તું આમાંનું કશું જ ન કરતો. તને જ્યારે લાગણી થાય ત્યારે જ ફોન કરજે. ખાલી બનાવટમાં ડહોળ થાય પ્રેમ નહીં. એટલે જેમ ચાલે છે એમ ચાલવા દે...સમય બધું સેટ કરી દેશે."

થોડા દિવસમાં આરઝૂની બધી ફરમાઇશો રાઘવ જોડે લગ્ન કરીને પુરી થઈ ગઈ. ચારેક વર્ષ વીતી ગયા અને બધું સમયે સેટ કરી દીધું. બંન્ને ખુશ હતા. અચાનક પરિમલ પર ફોન આવ્યો, નંબર જોયો તો રાઘવનો. "હા બોલ, શું થયું પાછું?" પરિમલે ફોન ઉપાડતા તરત પૂછ્યું...

"ના બસ જો બહુ દિવસે વાત થઇ તું તો ચાર વર્ષ પહેલાં લગ્નમાં આવ્યો પછી તો ભૂલી જ ગયો, મેં જોબ બદલી અને પછી આપણે મળ્યા જ નથી, ચલ આજે મળીયે પાછા" રાઘવનો અવાજ શાંત હતો.

સાંજે બંન્ને મળ્યા. ચા નો નશો કરતા કરતા વાતો નીકળી. રાઘવ બોલ્યો, "આજે મારા અને આરઝૂના લગ્નને ચારેક વર્ષ થઇ ગયા છે અને અમે એક મસ્ત સેટ થયેલા કપલની જેમ જીવન જીવીએ છીએ. ના કોઈ ફરમાઈશ અને ના કોઈ ફરિયાદ. અમારા લગ્ન પછી એક વખત આરઝૂના પપ્પાની તબિયત બગડીતી અને હું રાતોરાત પહોંચી ગયો, હોસ્પિટલમાં રાત રોકાઈ દેખભાળ કરી, સાજા સમાં ઘરે લાયો, ડોકટરોની ઓળખાણ લગાવી મેં બિલ પણ ઓછું કરાવ્યુંતુ. એ પછી આરઝૂ તરફથી કોઈ ફરિયાદ નથી આવી. તારી વાત સાચી નીકળી, સમયે બધું જ સેટ કરી દીધું."

પરિમલે ખુશ થતા કહ્યું કે,"કારણ કે તું આરઝૂની નજરમાં હીરો બની ગયો તો. એક છોકરી પોતાના ભાવિ પતિમાં એક ફિલ્મી હીરો શોધતી હોય અને એક સ્ત્રી પોતાના પતિમાં એક રિયલ લાઈફ હીરો શોધતી હોય જેમાં તું સફળ થયો. લગ્ન પહેલા તું એક છોકરી જોડે ફરતો હતો, લગ્ન પછી તું એક સ્ત્રી સાથે રહ્યો. છોકરી જ્યારે પત્નિ બની ઘરે આવે ત્યારે એ પોતાના જીવનની નવી શરૂઆત કરે છે, એની બધી જ ફરમાઇશો લગ્નના માંડવામાં પુરી થઈ જાય છે. પ્રેમ મેળવવાની લાલસા એની સાત ફેરા વખતે જ બળી જાય છે અને પ્રેમ આવવાની ભાવના શરૂ થાય છે. માતાપિતાનું ઘર છોડતી વખતે એનામાં ત્યાગની લાગણી જન્મે છે. હવે એ પ્રેમ માંગતી નથી આપે છે અને જો સામેથી થોડોક પ્રેમ મળી જાય તો એટલામાં ખુશ થઈ જાય છે. અને આ બધું એડજસ્ટ કરવાની ક્ષમતા કુદરતે સ્ત્રીને આપી છે, પુરૂષ નહિ"

"આ બધું તો ઠીક પણ એની સાથે રહેતા રહેતા ક્યારે એ આપણને પ્રેમ કરતા શીખવાડી જાય એની પણ આપણને ખબર નથી રહેતી. કદાચ એટલે જ પુરૂષોને પ્રેમ મેળવવા સ્ત્રી પાસે જવું પડે છે અને છોકરી કે સ્ત્રીના બનાવટભર્યા વખાણથી પણ છોકરી પ્રેમમાં પડી જાય છે પણ હજીય યાદ રાખજે ખાલી બનાવટમાં ડહોળ થાય પ્રેમ......." પરિમલે હુંફથી ગરમ થયેલો હાથ જેકેટની બહાર કાઢી રાઘવનો ગાલ પંપાળ્યો...

અંતિમ સ્પર્શ:
યુદ્ધ જીતવાની હોય, પ્રેમ કરવાની રીત નથી હોતી,
લાગણીઓમાં હોડ થાય પણ હારજીત નથી હોતી.
- નિશાંક મોદી