Sunday, February 25, 2018

હું, તું અને રમતિયાળ પ્રેમ

હું, તું અને રમતિયાળ પ્રેમ

'નિહારીકા, તને નથી લાગતું હવે આપણે પરણી જવું જોઈએ?' છઠ્ઠા સેમેસ્ટરમાં થયેલો અને આઠમા સેમેસ્ટર સુધી પાંગરેલો મિતેનનો પ્રેમ બોલ્યો.

'એ ભઈ હજુ આ ભણવાનું તો પૂરું થવા દે, પપ્પા મમ્મીને શું કહીશ કે મારી જોડે હજી ભણે છે, નોકરી શોધશે અને સેટ થશે, પહેલા લગ્ન કરવા દો. પહેલા ડિગ્રી લઈ લઈએ પછી તને વરરાજાની પદવી મળશે' નિહારીકાએ વ્યાજબી જવાબ આપ્યો.

'તો શું આપણે જેમ એક વર્ષથી મળીયે છીએ એમ જ મળતા રહેવાનું. વાતો કરી, નાસ્તા કરી, ઘરે પાછા' મિતેનને શાંત પાડતા નિહારીકા બોલી, 'જો આપણે પહેલા ભણી લઈએ સારી જોબ શોધી લઈએ પછી ઘરે વાત કરીશું, આપણા ઘરવાળા ક્યાં ના પાડવાના છે. તું શાંત થઈ જા, હું ક્યાં તને છોડીને જવાની છું'

કોલેજકાળ પૂર્ણ થયો અને મિતેન પાસે સારી જોબ હતી. દોઢ વર્ષના પ્રેમ પર હવે કોઈ જ પહેરો ન હતો. મિતેને ફરીથી લગ્નની વાત છંછેડી પણ હવે એ ઘડી આવી ગઈ તી જ્યારે નિહારીકા પાસે મિતેનને છેતરવાનો કોઈ જ ઉપાય ન હતો. તો પણ બનાવટ કરતા કહ્યું, 'એ ભઈ હજુ હાલ નોકરી ચાલુ થઈ છે, થોડું કમાઈ તો લે, ભાડાના મકાનમાં રાખીશ મને કે તારા પપ્પાની દુકાનના હપ્તા સાચવીશ'

આટલા વર્ષોમાં પહેલી વખત ભાડાનું મકાન અને હપ્તાની દુકાન મિતેનના લગ્નની આડે આવી. છએક મહિના થયા હશે અને મિતેન ફરીથી અકળાયો, 'હું બધું સંભાળી લઈશ બસ તું મારી સાથે લગ્ન કરી લે' નિહારીકા આ વખતે ગંભીર બની, 'મને તારી સાથે લગ્ન કરવામાં કોઈ જ વાંધો નથી પણ આપણી જ્ઞાતિ જુદી છે અને મારા મમ્મી પપ્પાને તારી જ્ઞાતિ સામે વાંધો છે.' મિતેન મુંઝવણમાં મુકાયો, 'અરે! મારી જ્ઞાતિ તો તમારી જ્ઞાતિ કરતાંય ઉચ્ચ છે તો તેમને શું વાંધો હોય?'

'એ બધું મને નથી ખબર પણ બસ આપણા લગ્ન શક્ય નથી. મારા મમ્મીપપ્પા જ્યાં કહેશે ત્યાં હું પરણી જઈશ, આપડા વચ્ચે જે સારો સમય વીત્યો એ આપડો સમજ જે અને મને ભૂલી જજે.' આખરે નિહારીકા એ મિતેન સાથેનો છેડો ફાડયો.

એકાદ વર્ષ વીત્યું અને મિતેનને ખબર પડી કે નિહારીકા કોઈ બીજા છોકરા સાથે ફરે છે. તપાસ કરતા ખબર પડી કે એ તો બહુ નીચી જાતિનો છે. અધીરો બનેલા મિતેને ટેક્સ મેસેજ કર્યો, 'હાઈ, શું ચાલે છે?' રેપ્લાયમાં જાણે કોઈ HR નો ટેમ્પલેટવાળો મેસેજ આવ્યો, 'વિલ કોલ યુ લેટર'

અને આ કોલ આવતા લગભગ એક વરસ લાગ્યું જેમાં અવાજ નિસાસાભર્યો હતો. નિહારીકાએ ફોનમાં જણાવ્યું કે એને પેટમાં ગાંઠ થઈ છે અને હાલ તો કોઈ ઉપચાર નથી લાગતો. આ કારણસર એના લગ્નની વાતો મોકૂક રહે છે. કેટલાંય મુરતિયા આવે છે પણ આની આ ગાંઠને લીધે પાછા પડે છે.

મિતેનના મનમાં પ્રેમ હજીય ઓછો ન હતો એણે તરત મળવાની વાત કરી. પાનખર પછી આ વસંત આવી. રોજબરોજ મુલાકાત વધતી ગઈ. મિતેનને હવે લાગતું હતું કે વરરાજાની પદવી મળવી જોઈએ. ભલેને કારણ એક ગાંઠ જ કેમ ના હોય. સમય સારો વીતતો હતો અને અચાનક એક દિવસ ખબર પડી કે નિહારીકા પોતાના ઈલાજ માટે ફોરેન ગઈ અને પાછી સાજીસમી થઈને ફરી. મિતેન હવે ખૂબ ખુશ હતો.

ફરીથી મિતેને લગ્નનો પ્રસ્તાવ મુક્યો. જવાબ હજીય નકારાત્મક જ મળ્યો. આ વખતે બહાનું પણ ગેરવ્યાજબી હતું કે, 'કદાચ આવી ગાંઠ ફરી થાય તો તારું જીવન બગડે, એટલે આપડા લગ્ન શક્ય નથી.' મિતેનને ફરી ધ્રાસકો પડ્યો. એને લાગ્યું કે હવે આ રમત થઈ રહી છે. ગમે ત્યારે મળે ગમે ત્યારે છોડી દે. નિહારીકા ફરી છોડીને ચાલી ગઈ.

આ વાતને બે વર્ષ વીતી ગયા. મિતેન સારી જોબમાં ખૂબ સેટ થઈ ગયો અને ઉચ્ચ હોદા પર પહોંચી ગયો. એક દિવસ એના પર ટેક્સ મેસેજ આવ્યો કે, 'મેં તારો રેફેરનસ આપ્યો છે, તારી કંપનીમાં ઓપનિંગ છે.જો જે તારાથી કઈ થાય એમ હોય તો' નિહારીકાએ વાત એટલી સરળતાથી કહી દીધી કે જાણે આટલા વર્ષોમાં કઈ જ બન્યું ન હોય.

મિતેને પોતાનો હોદાનો ઉપયોગ કરી નિહારીકાને જોબ અપાવી દીધી. થોડાંક દિવસો પછી મિતેનનો એક મિત્ર મિતેનને કહેવા લાગ્યો, 'યાર, આ નિહારીકા જોડે મેં ઘણો સમય વિતાવ્યો પણ જ્યારે જ્યારે હું લગ્નની વાત એની સમક્ષ મુકું છું એ વાત ઘુમાવી દે છે, હા પણ એક વાત એ ચોક્કસ કહે છે કે "તું શાંત થઈ જા, હું ક્યાં તને છોડીને જવાની છું" બસ યાર હવે રસ્તો સુઝાવ તો અમે બન્ને લગ્ન કરી સેટ થઈ જઈએ.'

મિતેન મલકાઈને મનમાં બોલ્યો, 'દોસ્ત તું પહેલાં નિહારીકાની જેમ પોતાના પાર્ટનર ફેરવવાની ડિગ્રી લઈ લે અને પછી તને વરરાજાની પદવી મળશે' અને જાણે મિતેનના પેટમાં પડેલી વર્ષો જૂની ગાંઠ છૂટી પડી.

અંતિમ સ્પર્શ:
વ્યક્તિત્વ કોઈનું હજી પણ શાણું છે
પ્રેમ છે કે રમત એ હજીય ઉખાણું છે.

- નિશાંક મોદી

Sunday, February 4, 2018

હા, સોલ્જર પણ રડે


'આજે કોઈની યાદ આવે છે?' દિવસભર ડ્યૂટી કરીને થાકેલાને તંબુચોકીમાં પથારી સરખી કરતા મેજર રામકિશનના આ શબ્દો મેજર રહીમના કાને પડ્યા. 'ક્યોં મિયાં, ભાભી સે દો મહિને પહેલે હી તો મિલે થે, બહોત જલ્દી યાદ આ ગઈ'

રહીમભાઈ એવી વાત નથી, સાચું કહું તો આ ખુલ્લા રણ મેદાનો એકલવાયા કરી દે છે ઉપરથી આપડી દેશ માટેની લાગણી આ જાતને જંજોળી દે છે. આપણે પણ માણસ છીએ, ટ્રેનીંગથી પોસ્ટિંગ સુધીનું દરેક કામ કેટલું હાડમારીવાળું હોય છે. બાળપણમાં જ માં બાપ અને ગુરુઓ કહેતા કે પ્રેમથી જીવો અને જીવવા દો. જ્યારે ટ્રેનિંગ ચાલુ થઈ ત્યારે કહ્યું કે દુશ્મન સામે આવે તો એને જીવતો ના છોડો. આતો આજે જેની યાદ આવે છે ને એ મારી પત્ની નહિ પણ મારી પ્રેમિકા છે.

રહીમભાઈને હવે રસ પડ્યો. 'અચ્છા તો આપ ભી કભી ઈશ્ક કે મેદાનમે ગોલીયા ચલાતે થે! તો ફિર આખિર કોન ઘાયલ હુઆ આપ યા વો જો ના બન પાયી હમારી ભાભી?' મારી દેશ માટે કઈક કરી છૂટવાની દાઝ એટલી બધી હતી કે હું ફોજમાં જોડાયો. મારું ખડતલ શરીરને મજબૂત મનોબળ તો ટકી ગયું પણ અમારા પ્રેમની તોપમાંથી છુટેલો વિખવાદ નામનો તોપગોળો એને વીંધી ગયો. એને મારા પ્રત્યે એટલી લાગણી હતી કે મને એ ફોજમાં આવતા રોકતી હતી. કહેતી કે 'આપણે સુખી જીવન વિતાવી શકીએ છીએ, દેશ માટે કંઈક કરવું હોય તો સમાજસેવા પણ થાય એના માટે જીવ જોખમમાં મુકવો ક્યાં જરૂરી છે.' હું ના માન્યો. એણે આજીવન કોઈ બંધનમાં નહિ બંધાય એવી પ્રતિજ્ઞા લઈ મને એના પ્રેમની સરહદ બહાર કરી દીધો. મારા માં બાપ ઘરડાં હતાને એમની દેખરેખ માટે કોઈ અંગત વ્યક્તિ જરૂરી હતું એટલે મેં લગ્ન કરી લીધા. હું મારી પત્નીને ચાહું છું પણ કાયમ દુવિધા અનુભવું છું. જેમ એક તરફ આપણે દેશના લોકોને પ્રેમ કરવાનો અને બીજી તરફ દુશ્મનને નફરત કરવાની એવી જ રીતે મારી પત્નીને ચાહવાની ને હૃદય સુધી પહોંચેલી કોઈ વ્યક્તિને ભૂલી જવાની. આ થોડુંક અઘરું લાગે છે કે હું અહીં ગોળી વાવું તો ગુલાબ નીકળે.

'બહોત રાત હો ગઈ હૈ રામકિશનજી લેકિન આપકી બાતેં સુનકર શાયદ નીંદ નહિ આયેગી, ફિર ભી સો જાતે હૈ, સુબહ ઉઠકર ડ્યૂટી ભી તો જોઈન કરની હૈ, પર કલ સુબહ હમારી યે બાતેં યહી સે શુરું હોગી, ગુડનાઈટ' ને પછી રહીમભાઈએ સપનાંઓની ચાદર ઓઢી...

બીજા દિવસે હાથમાં મશીનગન લઈ બંકરમાં ગોઠવાયેલા રહીમભાઈ એ રામકીશનને પૂછ્યું, 'કલ રાત આપને બહોત સારી બાતેં કી લેકિન આપકી માશૂકા કા નામ નહીં બતાયા?' એનું નામ હતું ગ્રીષ્મા કાવેરી. નામ લેતાની સાથે જ જાણે આખો ભૂતકાળ રામકિશનની નજર સમક્ષ ચિતરાઈ ગયો. અમે સાથે બેસી ખૂબ વાતો કરતા. ગ્રીષ્માને નાની છોકરીઓ બહુ ગમતી એ કહેતી કે આપડું પહેલું બાળક પરી જ હોવી જોઈએ. હું એની મજાક પણ કરતો કે એ પણ મોટી થઈ પોતાના પિતાની જેમ આર્મીમાં જોડાશે અને ગ્રીષ્મા રિસાઈ જતી. હું કઈક ભેટ આપીને મનાવતો. મારી આપેલી એક રાધાકૃષ્ણની મૂર્તિ એટલી ગમી ગઈ હતી કે એ કહેતી આ મૂર્તિમાંથી મને શક્તિ મળે છે અને જ્યારે હું નિરાશ હોવું છું ત્યારે આ મૂર્તિ મને પ્રસન્નતા તરફ ખેંચી જાય છે.

બીજા દિવસે દુશ્મન કે દુશ્મનની ગોળી તો ન આવી પણ ગ્રીષ્મા સાથે રામકિશને વિતાવેલી પળેપળ આવી ગઈ અને એનો સાક્ષી રહીમભાઈને બનવું પડ્યું. રાતે એક મિલિટરી હેડઓફિસથી કાગળ આવ્યો કે સવારે બે મેજર પોતાના દસ આર્મી ઓફિસર સાથે કલ્યાણ શાળામાં જવાનું છે જ્યાં તરછોડાયેલી આઠ થી દસ વર્ષની સિત્તેર થી એંસી બાળકીઓને સ્વરક્ષણ માટેની થોડીક ટિપ્સ આપવાની છે જેમાં મેજર રામકિશન અને મેજર રહીમ સિલેક્ટ થયા છે.

બન્ને જણા બીજા દિવસે કલ્યાણ શાળા પહોંચી ગયા. બધા જ આર્મી ઓફિસર અને બંન્ને મેજર નું સ્વાગત બાળકીઓ એ ગુલાબનું એક એક ફૂલ આપીને કર્યું. કલ્યાણ શાળાની સજાવટ અને ગોઠવણી સુવ્યવસ્થિત હતી. એક તરફ મેજર રહીમ આર્મી ઓફિસરની મદદથી બાળકીઓને ટિપ્સ આપી રહ્યા હતા ત્યાં રામકિશન રાતના વિચારોમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતા. રામકિશનની નજર એક આરસપહાણના મંદિર પર પડી જ્યાં રાધાકૃષ્ણની મૂર્તિ પ્રસન્ન હતી. હા આ એજ મૂર્તિ હતી જે ગ્રીષ્માને રામકિશને થોડા વર્ષો પહેલા આપી હતી. ત્યાં જ કલ્યાણ શાળાના પ્રિન્સિપાલ એવા ગ્રીષ્મા કાવેરી નું આગમન થયું. નજરો મળી ત્યાં બંન્ને એકબીજાને ઓળખી ગયા. આમેય પ્રેમ કદાચ ભુલાઈ જાય પણ પ્રેમી પ્રેમિકાને પ્રેમિકા પ્રેમીને ક્યારેય ભૂલી શકતા નથી.

'તું અહીં ક્યાંથી ગ્રીષ્મા?' રામકિશને સીધો સવાલ કર્યો. ઉત્તરમાં ગ્રીષ્મા બોલી, 'મારે તારી જેમ દેશ માટે કંઈક કરવું હતું પણ જીવ જોખમમાં મુક્યા સિવાય એટલે મેં આ સમાજસેવાનું કાર્ય ચાલુ કર્યું તું જે આજે સુખેથી ચાલી રહ્યું છે મારા જીવનની જેમ' ગ્રીષ્મા તે લગ્ન કર્યા, બાળકો કેટલા? જવાબ હતો, 'સિત્તેરથી એંસી બાળકીઓ અને એ પણ લગ્ન વગર, હું આ તરછોડાયેલી બાળકીઓની સંભાળ રાખું છું અને તેમને પોતાનું જીવન જીવવા સક્ષમ બનવું છું' વાતો ઘણી કરવી હતી પણ વિરહનો વચગાળો નડી ગયો. છુટા પડતી વેળાએ ગ્રીષ્માએ રાધાકૃષ્ણની એ મૂર્તિ રામકિશનને પાછી આપતા બોલી, 'તારી આપેલી મૂર્તિ તને પાછી આપું છું, કદાચ તારી આપેલી બધી જ વસ્તુમાંથી આ એકમાત્ર વસ્તુ મારી પાસે હતી જે તને સોંપવાની હતી. હું આને રોજ એક ગુલાબ ચડાવું છું પણ આજે આ ગુલાબ તને આપું છું. અને મૂર્તિ સમક્ષ એવી આશા રાખું છું કે આપણી આ છેલ્લી મુલાકાત હશે. જય હિંદ ફોજીસાબ' વર્ષો પહેલા છુટેલો પ્રેમ ફરી છૂટો પડ્યો.

પછીના દિવસે યુદ્ધ મેદાનમાં દુશ્મન તરફથી ગોળીઓની ભરમાર શરૂ થઈ પણ અંતરમનમાં પ્રસરેલી લાગણીઓ વધુ ઘાયલ કરી ગઈ. રામકિશન અને રહીમ બંકરમાં ગોઠવાઈ ગયા. દુશ્મનોની ગોળીઓ નામ સરનામાં વગર ઘુસવા માંડી. જેવો રામકિશન મશીનગન લઈ ગોળી ચલાવવા ઉભો થયો ત્યાં એના હાથ પેલી છેલ્લી મુલાકાતમાં મળેલા ગુલાબની યાદમાં અટક્યા અને દુશ્મનની એક ગોળી સીધી છાતી પર વાગી અને એ ઢળી પડ્યો. મેજર રહીમ તરત એની મદદે આવ્યા પણ આ વખતે મેજર રામકિશને ફક્ત એટલું જ કહ્યું કે, 'મેં ગુલાબ વાવ્યું અને કદાચ એટલે જ ગોળી ના નીકળી શકી.'

રામકિશનનું ખડતલ શરીરને મજબૂત મનોબળ બન્ને જાણે હારી ગયું તું. હૃદય પર વાગેલી ગોળીના ઘા માંથી લોહી અને રામકિશનની આંખમાંથી વર્ષો પહેલાનું બંધાયેલું પ્રેમનું આંસુરૂપી વાદળ છલકાઈ રહ્યા હતા અને મેજર રામકિશન પેલી રાધાકૃષ્ણની મૂર્તિ નિરાશાભરી નજરથી જોઈ રહ્યા હતા જેમાં આજે કોઈ જ પ્રસન્નતા ન હતી.....

પથ્થર જેવું શરીરને આંખમાં બાજ નજર છે,
મીણ જેમ વહે આંસુ..હૃદયને રસ્તો ખબર છે.
- નિશાંક મોદી