'આજે કોઈની યાદ આવે છે?' દિવસભર ડ્યૂટી કરીને થાકેલાને તંબુચોકીમાં પથારી સરખી કરતા મેજર રામકિશનના આ શબ્દો મેજર રહીમના કાને પડ્યા. 'ક્યોં મિયાં, ભાભી સે દો મહિને પહેલે હી તો મિલે થે, બહોત જલ્દી યાદ આ ગઈ'
રહીમભાઈ એવી વાત નથી, સાચું કહું તો આ ખુલ્લા રણ મેદાનો એકલવાયા કરી દે છે ઉપરથી આપડી દેશ માટેની લાગણી આ જાતને જંજોળી દે છે. આપણે પણ માણસ છીએ, ટ્રેનીંગથી પોસ્ટિંગ સુધીનું દરેક કામ કેટલું હાડમારીવાળું હોય છે. બાળપણમાં જ માં બાપ અને ગુરુઓ કહેતા કે પ્રેમથી જીવો અને જીવવા દો. જ્યારે ટ્રેનિંગ ચાલુ થઈ ત્યારે કહ્યું કે દુશ્મન સામે આવે તો એને જીવતો ના છોડો. આતો આજે જેની યાદ આવે છે ને એ મારી પત્ની નહિ પણ મારી પ્રેમિકા છે.
રહીમભાઈને હવે રસ પડ્યો. 'અચ્છા તો આપ ભી કભી ઈશ્ક કે મેદાનમે ગોલીયા ચલાતે થે! તો ફિર આખિર કોન ઘાયલ હુઆ આપ યા વો જો ના બન પાયી હમારી ભાભી?' મારી દેશ માટે કઈક કરી છૂટવાની દાઝ એટલી બધી હતી કે હું ફોજમાં જોડાયો. મારું ખડતલ શરીરને મજબૂત મનોબળ તો ટકી ગયું પણ અમારા પ્રેમની તોપમાંથી છુટેલો વિખવાદ નામનો તોપગોળો એને વીંધી ગયો. એને મારા પ્રત્યે એટલી લાગણી હતી કે મને એ ફોજમાં આવતા રોકતી હતી. કહેતી કે 'આપણે સુખી જીવન વિતાવી શકીએ છીએ, દેશ માટે કંઈક કરવું હોય તો સમાજસેવા પણ થાય એના માટે જીવ જોખમમાં મુકવો ક્યાં જરૂરી છે.' હું ના માન્યો. એણે આજીવન કોઈ બંધનમાં નહિ બંધાય એવી પ્રતિજ્ઞા લઈ મને એના પ્રેમની સરહદ બહાર કરી દીધો. મારા માં બાપ ઘરડાં હતાને એમની દેખરેખ માટે કોઈ અંગત વ્યક્તિ જરૂરી હતું એટલે મેં લગ્ન કરી લીધા. હું મારી પત્નીને ચાહું છું પણ કાયમ દુવિધા અનુભવું છું. જેમ એક તરફ આપણે દેશના લોકોને પ્રેમ કરવાનો અને બીજી તરફ દુશ્મનને નફરત કરવાની એવી જ રીતે મારી પત્નીને ચાહવાની ને હૃદય સુધી પહોંચેલી કોઈ વ્યક્તિને ભૂલી જવાની. આ થોડુંક અઘરું લાગે છે કે હું અહીં ગોળી વાવું તો ગુલાબ નીકળે.
'બહોત રાત હો ગઈ હૈ રામકિશનજી લેકિન આપકી બાતેં સુનકર શાયદ નીંદ નહિ આયેગી, ફિર ભી સો જાતે હૈ, સુબહ ઉઠકર ડ્યૂટી ભી તો જોઈન કરની હૈ, પર કલ સુબહ હમારી યે બાતેં યહી સે શુરું હોગી, ગુડનાઈટ' ને પછી રહીમભાઈએ સપનાંઓની ચાદર ઓઢી...
બીજા દિવસે હાથમાં મશીનગન લઈ બંકરમાં ગોઠવાયેલા રહીમભાઈ એ રામકીશનને પૂછ્યું, 'કલ રાત આપને બહોત સારી બાતેં કી લેકિન આપકી માશૂકા કા નામ નહીં બતાયા?' એનું નામ હતું ગ્રીષ્મા કાવેરી. નામ લેતાની સાથે જ જાણે આખો ભૂતકાળ રામકિશનની નજર સમક્ષ ચિતરાઈ ગયો. અમે સાથે બેસી ખૂબ વાતો કરતા. ગ્રીષ્માને નાની છોકરીઓ બહુ ગમતી એ કહેતી કે આપડું પહેલું બાળક પરી જ હોવી જોઈએ. હું એની મજાક પણ કરતો કે એ પણ મોટી થઈ પોતાના પિતાની જેમ આર્મીમાં જોડાશે અને ગ્રીષ્મા રિસાઈ જતી. હું કઈક ભેટ આપીને મનાવતો. મારી આપેલી એક રાધાકૃષ્ણની મૂર્તિ એટલી ગમી ગઈ હતી કે એ કહેતી આ મૂર્તિમાંથી મને શક્તિ મળે છે અને જ્યારે હું નિરાશ હોવું છું ત્યારે આ મૂર્તિ મને પ્રસન્નતા તરફ ખેંચી જાય છે.
બીજા દિવસે દુશ્મન કે દુશ્મનની ગોળી તો ન આવી પણ ગ્રીષ્મા સાથે રામકિશને વિતાવેલી પળેપળ આવી ગઈ અને એનો સાક્ષી રહીમભાઈને બનવું પડ્યું. રાતે એક મિલિટરી હેડઓફિસથી કાગળ આવ્યો કે સવારે બે મેજર પોતાના દસ આર્મી ઓફિસર સાથે કલ્યાણ શાળામાં જવાનું છે જ્યાં તરછોડાયેલી આઠ થી દસ વર્ષની સિત્તેર થી એંસી બાળકીઓને સ્વરક્ષણ માટેની થોડીક ટિપ્સ આપવાની છે જેમાં મેજર રામકિશન અને મેજર રહીમ સિલેક્ટ થયા છે.
બન્ને જણા બીજા દિવસે કલ્યાણ શાળા પહોંચી ગયા. બધા જ આર્મી ઓફિસર અને બંન્ને મેજર નું સ્વાગત બાળકીઓ એ ગુલાબનું એક એક ફૂલ આપીને કર્યું. કલ્યાણ શાળાની સજાવટ અને ગોઠવણી સુવ્યવસ્થિત હતી. એક તરફ મેજર રહીમ આર્મી ઓફિસરની મદદથી બાળકીઓને ટિપ્સ આપી રહ્યા હતા ત્યાં રામકિશન રાતના વિચારોમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતા. રામકિશનની નજર એક આરસપહાણના મંદિર પર પડી જ્યાં રાધાકૃષ્ણની મૂર્તિ પ્રસન્ન હતી. હા આ એજ મૂર્તિ હતી જે ગ્રીષ્માને રામકિશને થોડા વર્ષો પહેલા આપી હતી. ત્યાં જ કલ્યાણ શાળાના પ્રિન્સિપાલ એવા ગ્રીષ્મા કાવેરી નું આગમન થયું. નજરો મળી ત્યાં બંન્ને એકબીજાને ઓળખી ગયા. આમેય પ્રેમ કદાચ ભુલાઈ જાય પણ પ્રેમી પ્રેમિકાને પ્રેમિકા પ્રેમીને ક્યારેય ભૂલી શકતા નથી.
'તું અહીં ક્યાંથી ગ્રીષ્મા?' રામકિશને સીધો સવાલ કર્યો. ઉત્તરમાં ગ્રીષ્મા બોલી, 'મારે તારી જેમ દેશ માટે કંઈક કરવું હતું પણ જીવ જોખમમાં મુક્યા સિવાય એટલે મેં આ સમાજસેવાનું કાર્ય ચાલુ કર્યું તું જે આજે સુખેથી ચાલી રહ્યું છે મારા જીવનની જેમ' ગ્રીષ્મા તે લગ્ન કર્યા, બાળકો કેટલા? જવાબ હતો, 'સિત્તેરથી એંસી બાળકીઓ અને એ પણ લગ્ન વગર, હું આ તરછોડાયેલી બાળકીઓની સંભાળ રાખું છું અને તેમને પોતાનું જીવન જીવવા સક્ષમ બનવું છું' વાતો ઘણી કરવી હતી પણ વિરહનો વચગાળો નડી ગયો. છુટા પડતી વેળાએ ગ્રીષ્માએ રાધાકૃષ્ણની એ મૂર્તિ રામકિશનને પાછી આપતા બોલી, 'તારી આપેલી મૂર્તિ તને પાછી આપું છું, કદાચ તારી આપેલી બધી જ વસ્તુમાંથી આ એકમાત્ર વસ્તુ મારી પાસે હતી જે તને સોંપવાની હતી. હું આને રોજ એક ગુલાબ ચડાવું છું પણ આજે આ ગુલાબ તને આપું છું. અને મૂર્તિ સમક્ષ એવી આશા રાખું છું કે આપણી આ છેલ્લી મુલાકાત હશે. જય હિંદ ફોજીસાબ' વર્ષો પહેલા છુટેલો પ્રેમ ફરી છૂટો પડ્યો.
પછીના દિવસે યુદ્ધ મેદાનમાં દુશ્મન તરફથી ગોળીઓની ભરમાર શરૂ થઈ પણ અંતરમનમાં પ્રસરેલી લાગણીઓ વધુ ઘાયલ કરી ગઈ. રામકિશન અને રહીમ બંકરમાં ગોઠવાઈ ગયા. દુશ્મનોની ગોળીઓ નામ સરનામાં વગર ઘુસવા માંડી. જેવો રામકિશન મશીનગન લઈ ગોળી ચલાવવા ઉભો થયો ત્યાં એના હાથ પેલી છેલ્લી મુલાકાતમાં મળેલા ગુલાબની યાદમાં અટક્યા અને દુશ્મનની એક ગોળી સીધી છાતી પર વાગી અને એ ઢળી પડ્યો. મેજર રહીમ તરત એની મદદે આવ્યા પણ આ વખતે મેજર રામકિશને ફક્ત એટલું જ કહ્યું કે, 'મેં ગુલાબ વાવ્યું અને કદાચ એટલે જ ગોળી ના નીકળી શકી.'
રામકિશનનું ખડતલ શરીરને મજબૂત મનોબળ બન્ને જાણે હારી ગયું તું. હૃદય પર વાગેલી ગોળીના ઘા માંથી લોહી અને રામકિશનની આંખમાંથી વર્ષો પહેલાનું બંધાયેલું પ્રેમનું આંસુરૂપી વાદળ છલકાઈ રહ્યા હતા અને મેજર રામકિશન પેલી રાધાકૃષ્ણની મૂર્તિ નિરાશાભરી નજરથી જોઈ રહ્યા હતા જેમાં આજે કોઈ જ પ્રસન્નતા ન હતી.....
પથ્થર જેવું શરીરને આંખમાં બાજ નજર છે,
મીણ જેમ વહે આંસુ..હૃદયને રસ્તો ખબર છે.
- નિશાંક મોદી
No comments:
Post a Comment