Sunday, November 18, 2012

વહુ માનું કે દીકરી


       ‘હાશ કાર્તિક, ઘરે તો પહોંચ્યા, હવે બસ થોડો આરામ કરવો છે. પંદર દિવસના હનીમુન પરથી પાછા ફરેલા તુલસી અને કાર્તિક ખુબ થાકી ગયા હતા. કાશ્મીર જેવી જગ્યા છોડવાનું કોને મન થાય પણ ઘરમાં પાછા આવ્યા પછી જે પહેલો શબ્દ ઉચ્ચારાય એ ‘હાશ’ જ હોય ને અને ઘરને પણ કઈ જન્નતથી થોડું ઓછું અંકાય. એક મહિના પહેલા થયેલા લગ્નથી કાર્તિક અને તુલસી ખુબ ખુશ હતા અને લગ્ન પછી પતિ-પત્ની ઓછામાં ઓછું એક મહિનો તો ખુશ રહેતા જ હોય છે ને. તુલસી જેવી સુંદર પત્ની અને કાર્તિક જેવો ઉચ્ચ વિચારવાળો પતિ બંને એકબીજા માટે પ્રેરણારૂપ હતા. હનીમુનના રોમેન્ટિક થાક બાદ એક અઠવાડ્યું વીતી ચૂક્યું હતું.

          આમ તો દરેક ઘરમાં તપેલો અને તપેલી (એટલે કે પતિ અને પત્ની) તો ખખડતા જ હોય છે પણ ઘણીવાર ઘરના સભ્યો પણ આવા શીતયુદ્ધનો ભોગ બની જતા હોય છે. અને આજ રીતે તુલસી અને કાર્તિકની હળવી રકઝકમાં કાર્તિકના માતા સોનાક્ષીબેન વચ્ચે પડ્યા. ‘તમે વચ્ચે ના પડો બા અમારી બાબતમાં...’ તુલસીના એક વાક્યથી સોનાક્ષીબેનને ખસી જવું પડ્યું. એક ભૂલ માફ કરી દેવાય પણ વારંવાર સામા જવાબો આપતી વહુને કેમ કરી રોકવી એ કામ થોડું અઘરું હોય છે. કાર્તિકની હાલત પેલા સુડી વચ્ચે સોપારી જેવી થતી. સોનાક્ષીબેન તો વહુને દીકરી બનાવી ચુક્યાતા પણ તુલસીના પાનમાં હજીય કડવાશ બાકી હતી.

          છ મહિનામાં તો સાસુ-વહુ જાણે ભારત-પાકિસ્તાન બની ચુક્યાતા, જેમાં સરહદ પર રહેતો જવાન આપણો કાર્તિક રોજ સુલેહ કરવામાં મદદ કરતો. પણ આ સંબંધ ક્યાં કદીય સુધર્યો તો કે સુધરવાનો છે. તુલસીની કાર્તિક જોડે પણ રોજની રામાયણ ચાલ્યા કરતી પણ તુલસીની એના સાસુ જોડે થતી મહાભારત વધુ ગાઢ બનવા લાગી. કાર્તિકના પિતાની હાલતતો સંસારમાંથી નિવૃત થયેલા સાધુ જેવી હતી. આખો દિવસ મંદિરમાં ભજન કરે, બે વખત ઘરે જમવા આવે અને રાત્રે સાત કલાક ઊંઘવા. એમને આ ઝગડામાં સલાહસૂચન કે સુલહ કરવામાં કોઈ જ રસ ન હતો. એમને તો એ જ હાથમાં ભક્તિની માળા અને મુખમાં રામનું નામ એમાં જ રસ હતો.

          સાસુ-વહુના ઝગડાથી પડોશીઓ કંટાળી ગયા તા, કાર્તિકની તો વાત જ શું પૂછવી. રોજે રોજના ઝગડાથી કાર્તિક હવે કંટાળ્યોતો. એક દિવસ સોનાક્ષીબેન પતિ સાથે બહાર ગયા તા ત્યારે કાર્તિકે તુલસીને બોલાવી ને એક વાત પૂછી. ‘હું આ તારા અને મમ્મીના ઝગડાથી થાકી ગયો છું. મારી પાસે તો હવે બે જ રસ્તા છે. કાંતો હું તને છૂટાછેડા આપી દઉં કાંતો હું મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. આ સિવાય તારી પાસે જો કોઈ ઉપાય હોય તો કહે.’ કાર્તિકની આ વાત હચમચાવી દે તેવી હતી પણ તુલસી માટે જાણે આ ખુશીની વાત હોય એવું લાગ્યું.

          કાર્તિકને એમ કે તુલસી કદાચ કોઈ વચગાળાનો રસ્તો કાઢશે પણ એને તો મમ્મીને વૃદ્ધાશ્રમમાં મુકવાની વાતને પસંદગી આપી. કાર્તિકે બે દિવસ વિચાર કર્યો અને પછી એક દિવસ મમ્મી-પપ્પાને એકાંતમાં રૂમમાં બોલાવ્યા. બહાર ઉભેલી તુલસી સમજી ગઈ હતી કે હવે આ ઉપવન એનું જ છે. પાંચ-દસ મીનીટ બાદ રૂમમાંથી આક્રંદ રુદનનો અવાજ આવ્યો. તુલસીના છોડ પર જાણે ફૂલ આવ્યા હોય એમ તેનું મન ઝૂમી ઉઠ્યું.

          આંખો પાલવથી લૂછતાં લૂછતાં સોનાક્ષીબેન અને તેના પતિ બહાર આવ્યા. એમણે તુલસીના માથે હાથ મુકતા કહ્યું, દીકરી, આ કાર્તિક શું કહે છે. તું પણ આ જ નિર્ણય ઈચ્છે છે. હજુ પણ એકવાર વિચારી જોજે’ તુલસીના મૌનથી નકારાત્મક જવાબ મળી ચુક્યોતો. 

          ઘરના બે દિવસ તો એટલી શાંતિ છવાઈ કે જાણે ભારત-પાકિસ્તાન ફરી એક થઇ ગયા હોય પણ સરહદ પરનો કાર્તિક તો હજુય મૂંઝવણમાં હતો કે આ તોફાન પહેલાની તો શાંતિ નથી ને. અને પછી ત્રીજા દિવસે તોફાન થયું. આમ જુઓ તો સાસુ-વહુના ઝગડામાં ક્યારેય મોટો વિવાદ હોતો નથી પણ આ નાનો વિવાદ ઘરની બધી જ શાંતિ હણી લે છે. કાર્તિકે હવે પોતાના શસ્ત્રનો ઉપયોગ કરતો હોય એમ બોલ્યો, ‘કાલે તમે બધા જ તૈયાર રહેજો આપણે થોડી વકીલની ફોર્માલીટી પૂરી કરવા જવાની છે. હું હમણાં જ શ્રીધરને ફોન કરું છું’ તુલસીના ફૂલોમાં જાણે સુગંધ આવી હોય એમ સમજી ગઈ કે કાલે વૃદ્ધાશ્રમમાં એડમિશન પહેલાની ફોર્માલીટી કરવામાં આવશે.

          બીજા દિવસની સવાર પડી. તુલસી આજે મહેકતા બાગને પોતાના નામે કરવા જઈ રહી હોય એમ લાગતું. કાર્તિકના માતા-પિતાની હાલત પાનખરમાં ખરતા પાન જેવી થઇ ચુકી હતી. અને આ બાગનો માલિક કાર્તિક હજુ આજેય નિરાશ હતો. બાજુમાં પત્ની અને પાછળ બેઠેલા માતા-પિતાની સાથે કારમાં એ પુરપાટ વેગે જઈ રહ્યો હતો. એનું મન આજે નિરાશાજનક વિચારોથી વ્યસ્ત હતું.  આ વિચારોએ એના મગજની સાથે કારનું પણ બેલેન્સ ગુમાવ્યું અને કાર સીધી ડીવાઈડર સાથે અને કાર્તિકનું માથું ડીવાઈડર પર રહેલા થાંભલા જોડે અથડાયું. કાર્તિકને મોટી હેડ ઇન્જરી આવી. બાકીના ઘરના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી પણ કાર્તિકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

          પાનખરના પાન તો ખરી જ પડ્યાતા અને તુલસીનો છોડ લજામણી જેમ મુરજાઈ ગયો તો. ત્રણેય જણાએ શું કરવું એ સમજાતું ન હતું. કાર્તિકની હેડ ઇન્જરી સામાન્ય ન હતી અને તેને માટે તાત્કાલિક ઓપેરેશન કરવું પડે તેમ હતું. હોસ્પિટલના એક વોર્ડબોયે સોનાક્ષીબેનને ઓપેરેશન કરવાની સંમતી આપતા કાગળ પર સહી કરવાનું પૂછ્યું. ‘આ કાગળ પર કોણ સહી કરશે?’ ત્યાં જ કાર્તિકનો વકીલ અને જુનો મિત્ર શ્રીધર આવ્યો અને બોલ્યો, ‘શું થયું કાર્તિકને અચાનક? પહેલા તો એણે મને આવા કાગળ બનાવવા કહ્યું અને હવે એનું ઓપેરશન કરવાનું છે.’ શ્રીધરે કાગળ જેવા તુલસીના હાથમાં મુક્યા કે તુલસીના ચહેરાનો રંગ ઉડી ગયો.

          શ્રીધર જે કાગળ લાયો હતો એ કાર્તિક અને તુલસીના છૂટાછેડાના હતા. શ્રીધરે તુલસીને કહ્યું કે, ‘કાર્તિકે તેને આ ડાઈવોર્સ પેપર તૈયાર કરવાના કીધા હતા. એને મેં ખુબ સમજાવ્યો કે તું આવું શું કામ કરે છે.’ શ્રીધરે પોતાના અને કાર્તિક વચ્ચે થયેલી બધી જ વાત ઊંડાણથી કહી. કાર્તિકે શ્રીધરને કહ્યું હતું કે, ‘જો તુલસી મને એમ કહેત કે તું મને છૂટાછેડા આપી દે તો હું ક્યારેય એને છૂટાછેડા ના આપત પણ એણે મારા માતાપિતાને વૃધ્ધાશ્રમમાં મુકવાની વાતને મંજુર કરી ત્યારે જ હું એને મારી જિંદગીથી છૂટી કરવાનો નિર્ણય લઇ ચુક્યોતો.’

          ડાઈવોર્સના પેપરનું મહત્વ અત્યારે ખૂટી ગયું હતું પણ વોર્ડબોયે આપેલા ઓપેરેશનના કાગળ પર સહીની જરૂર હતી. સોનાક્ષીબેને તુલસીના હાથમાં ઓપેરેશનનું કાગળ મુકતા કહ્યું, ‘પેલા દિવસે કાર્તિકે અમને રૂમમાં તમારા જુદા થવાની વાત કરી હતી જે મેં તને પણ પૂછી હતી અને તે જવાબ ન તો આપ્યો. પણ દીકરી, હજુય તું મારા કાર્તિકની પત્ની અને અમારા ઘરની વહુ છે એટલે આ કાગળ પર તારે જ સહી કરવી પડશે.’ એક સહીનું મહત્વ કેટલી જિંદગી દાવ પર લગાવી દે છે પછી એ ડાઈવોર્સના પેપર હોય કે ઓપેરશનના કાગળ.....

          ચોધાર આંસુઓંની સાથે તુલસીએ ઓપેરશનને પરવાનગી આપતા કાગળ પર સહી કરી. ડાઈવોર્સના પેપર પર સહી કરવાની જરૂર જ ન પડી છતાંય તુલસી કાર્તિકથી વિખુટી પડી. કાર્તિકને ડોક્ટર ના બચાવી શક્યા. એક માળીના મૃત્યુથી જે દુઃખ ફૂલછોડ કે બાગને થાય એટલું જ દુ:ખ ઘરના બધા જ સભ્યોને થયું. એક જવાનના મૌતથી સાસુ-વહુ હવે જાણે એક થઇ ગયા તા, કાશ આ વસ્તુ ભારત-પાકિસ્તાન સમજી શકતા હોત તો કેટલાય જવાનો બચી જતા.

          તુલસીને હવે સુખમાં ખોયેલા પતિ કરતા દુઃખમાં મળેલા સાસુ-સસરા વધુ સારા લાગવા લાગ્યા. એને ગર્વમેન્ટ ઇન્સ્યોરન્સ એજન્ટની ટ્રેનિગ લીધી, પોતાનું ગુજરાન જાતે ચલાવવા લાગી, સાથે સાથે સાસુ સસરા જોડે કાયમી રહેવાનો નિર્ણય પણ લીધો. સાસુ સસરા ધારત તો એને અભાગી કહી કાઢી મૂકી હોત પણ એમણે સમય સાથે સોદો કરી લીધો હોય એમ પોતાના દીકરાના મૌતને ભૂલી ગયા. ધીમે ધીમે સંબંધો સુધારવા લાગ્યા અને એવું લાગવા લાગ્યું કે સોનાક્ષીબેનને તો ફક્ત એક દીકરી જ હતી. 

          ઘણીવાર આ દીકરીને પોતાના પતિ વગર એકલવાયું પણ લાગતું. ઇન્સ્યોરન્સવાળા પણ પૈસા આપવામાં ખુબ વાર લગાવી રહ્યા હતા. પોતાના પતિના મૌત બાદ મળતા ઇન્સ્યોરન્સના પૈસા તેણે શ્રીધરની મદદથી પાછા મેળવ્યા. જીવનમાં હવે પતિ સિવાય બીજી કોઈ જ ખોટ ન હતી.

          એક દિવસ સોનાક્ષીબેને તુલસીને બોલાવી પૂછ્યું કે, ‘તને આ શ્રીધર કેવો લાગે છે. તું કહે તો હું તારા માટે એની સાથે વાત કરું.’ તુલસી પહેલા તો ના પાડી. સાસુ અને સસરા એ ભેગા મળી તુલસીને સમજાવી, ‘બેટા, તું હજી ખુબ નાની છે. અમારો દીકરો તો હવે પાછો નથી આવવાનો, પણ તું તારી જિંદગીને ક્યાં સુધી આમ અમારી જોડે બાંધીને રાખીશ.’ સોનાક્ષીબેને શ્રીધરને વાત કરી. થોડાક વિચારબાદ શ્રીધરે હા પાડી. બંનેના લગ્ન સફળ થયા. બસ માત્ર વાંધો શ્રીધરના માતાનો હતો કે દીકરો બીજ-વહુને કેમ પરણ્યો.

          લગ્નવિદાય વખતે તુલસી અને સોનાક્ષીબેન શ્રીધરના માતાનો ચહેરો પાળખી ગયા હતા. પણ આ વખતે તુલસીએ સોનાક્ષીબેનને કહ્યું, ‘બા, તમે ચિંતા ન કરતા, હું આગળ બધું સંભાળી લઈશ’ અને ત્યારબાદ તુલસી પોતાના માતા પિતા જેવા સાસુ સસરાને છોડી નવા બાગમાં પહોંચી ગઈ અને પોતાના નામ મુજબ આખા ઘરને પવિત્ર સ્વભાવથી મહેકાવી દીધું. ઘરે પાછા ફરતાની સાથે જ સોનાક્ષીબેન અને એમના પતિના મુખમાંથી જે પહેલો શબ્દ ઉચ્ચારાયો એ ‘હાશ’ હતો. એ આજે એક વહુ નહિ પણ દીકરી પરણાવી આવ્યા હતા. થોડાક દિવસબાદ તુલસીની વર્તણુંકથી નવા સાસુએ પણ તેણે દીકરી તરીકે સ્વીકારી લીધી હતી કારણ કે હવે તુલસીના કોઈ પાનમાં કડવાશ ન હતી.....

અંતિમ સ્પર્શ
:
માં હોય, દીકરી હોય કે હોય એ પછી વહુ,
લાગણી સભર રહ્યા આ નારીના રૂપો સહુ
-          
- નિશાંક મોદી સ્પર્શ:’

Saturday, March 31, 2012

ખરો શૂરવીર


‘જયંતત્ત્ત્ત્ત્ત, કેટલીવાર લાગશે યાર, કોલેજ માટે મોડું થાય છે, હું ક્યારનો નીચે તારી રાહ જોઈને ઉભો છું. એકબીજાની પડોશમાં રહેતા અને કોલેજમાં સાથે ભણતા સમીરસિંગે પહેલા માળે રહેતા મિત્રને બુમ મારી. ટી-શર્ટ ચડાવતા, હાથમાં કાંસકાથી માથું ઓળતા અને પગથીયા ઉતરતા જયંત બોલ્યો, સેમ, તું તો યાર કાયમ દોડાદોડ કરાવે છે, આપણે કોલેજ જઈએ છીએ કોઈ જંગમાં નથી જતા કે તું આટલી ઉતાવળ કરાવે છે. રાજા રજવાડાના ખાનદાનનો સમીરસિંગ મિત્રો માટે સેમ જ હતો. સેમથી ઓળખાતો આ ગરમ લોહીનો યુવાન કોણ જાણે કેમ લડવૈયાની જેમ હમેંશા લડવા તૈયાર જ રહેતો. એણે પોતાનો પરચો, કોલેજના પહેલા વર્ષમાં જ આપી દીધો હતો. જ્યાં કોલેજમાં રેગીંગ વખતે જ તેણે બે સીનીયરના હાથ ભાંગી નાખ્યા હતા. ત્યારપછી કોઈ પણ સીનીયર તેને કે તેના મિત્રોને પરેશાન ન કરતા. કોલેજમાં કોઈને પણ કઈ મુશ્કેલી હોય તો આપણો શૂરવીર સેમ હાજર જ હોય. પછી કામ લડવાનું હોય કે સમજાવાનું એ કરી આપતો. એ પ્રેમની વાત પણ જાણે દાદાગીરીથી કરતો હોય એવું લાગે. એક જ જગ્યાએ એ ઢીલો પડતો, મોસમ આગળ. મોસમને એ ખુબ ચાહતો પણ તેણે એ જણાવી ન શકતો. મનથી મજબુત અને શરીરથી અડીખમ આ આપણા શૂરવીરનું ખાલી હૃદય નબળું પડતું હતું. પણ આ મામલામાં જયંત પાછો પડે તેમ નતો.

ફુરસતના સમયે મોસમ અને તેના બધા મિત્રો કોલેજ પાર્કિંગમાં ગોલગપાટા કરતા. પણ બે ચાર દિવસથી થોડાક બીજી કોલેજના મવાલીઓ બાઈકો લઈને આ લોકોની આજુબાજુ ફરતા. થોડાક દિવસ તો છોકરીઓ એ તેમની પરવા ના કરી પણ હદ ત્યારે વટી જયારે એક મવાલીએ મોસમનો હાથ પકડ્યો અને પોતાની તરફ ખેંચી. પછી અકળાયેલી મોસમે એક સટાક કરતો લાફો મવાલીના ગાલે ચોઢી દીધો. ગુસ્સે થયેલા મવાલીએ પણ સામે એક લગાવી દીધી ને ત્યાંથી જતો રહ્યો. મોસમના ગોરા ગાલ પર લાલ આંગળાના નિશાન જલ્દી લુછાય એમ ન હતા. જયારે જયંતને આ વાતની ખબર પડી ત્યારે એ સીધો એ મોસમ પાસે ગયો અને બોલ્યો, ‘ચલ, આપણે પ્રિન્સીપાલ પાસે જઈએ અને કમ્પ્લેન કરીએ’ તેઓ પ્રિન્સીપાલ પાસે ગયા અને પ્રિન્સિપાલે સિક્યોરીટી ગાર્ડને કોલેજ કેમ્પસમાં અજાણી વ્યક્તિને પ્રવેશતા રોકવાની મંજૂરી આપી. જયંતને એમ કે હવે બધું શાંત થઇ જશે પણ મવાલીએ ગાલ પર ખાધેલો લાફો હજુ ભૂલ્યો નતો. હવે એ કોલેજના ગેટની બહાર રાહ જોઈ ઉભો રહેતો અને મોસમને પરેશાન કરવાના રસ્તા શોધતો રહેતો. જયંતને ખબર પડતા જ એ મોસમ પાસે ગયો અને કહ્યું, ચલ ફરી પ્રિન્સીપાલ જોડે, આપણે કમ્પ્લેન કરીએ’ પણ આ વખતે પ્રિન્સિપાલે કોલેજ બહારનો મામલો હોઈ હાથ ઉંચા કરી દીધા. મોસમે જયંતને પૂછ્યું, ‘હવે, શું કરીશું આપણે?’. મોસમના ચહેરાના હાવભાવ સ્પષ્ટ પૂછતાં હતા કે, ‘હવે, શું કરીશ તું’. જયંત વાત સમજી ગયો અને બોલ્યો, ‘જો મોસમ, કોઈના પર હાથ ઉઠાવવાનું અમારા ખુનમાં નથી, એટલે એની સાથે ઝગડવામાં મારું કામ નહિ, હા આપણે એનો ઉકેલ લાવી દઈશું પોલીસ કમ્પ્લેન કરીને’. મોસમ પોલીસમાં ફરિયાદ કરવા નતી માંગતી અને જયંતની વાતને નકારી. આવું થોડા દિવસ ચાલ્યું.

એક દિવસ મોસમ રડતી રડતી કોલેજ આવી અને તેની સાથે થયેલા અભદ્ર વ્યવહારની વાત બધાને જણાવી. પણ આ વખતે વાત સાંભળનારાઓમાં એક વધુ વ્યક્તિ હાજર હતી. –સમીરસિંગ- પછી શું થવાનું હતું. એક ઘા ને બે કટકા. લોહીનો પારો સમીરસિંગના શરીર નામના થર્મોમીટરને તોડી બહાર આવ્યો. હવે રડવાનો વારો પેલા મવાલીનો હતો. સમીરસિંગે મવાલીને એવો માર્યો કે પેલો મવાલી પોતાની કોલેજમાં પણ જવાનું ભૂલી જાય. મોસમે પણ સેમનો આભાર માન્યો. મજબુત મનનો માણસ અને શરીરથી અડીખમ એવા સેમના પોચા દિલે ફરી એને સાથ ના આપ્યો. પણ માણસના ચહેરા પરથી પ્રેમની ઓળખ થઇ જાય છે. મોસમને ખ્યાલ આવી ગયો કે, સેમને તે ખુબ ગમે છે પણ કહી નથી શકતો.

એક દિવસ ગ્રુપમાં પ્રેમની રજૂઆત અંગેની વાત ચાલતી હતી. ત્યારે મોસમે સેમ સામે નજર દોડાવતા કહ્યું કે, ‘હું તો એવા છોકરાને પરણું કે જે પોતાના ઘૂંટણિયે બેસી, મારી સામે હાથમાં રીંગ ધરીને પ્રપોસ કરે. સેમ તું મને કરીશ એવી રીતે.’ એની વાત સાંભળી સેમ અકળાયો અને બોલ્યો, ‘એવું કામ મારા જેવા શૂરવીરોનું નહિ, આ બધી લપ્પન છપ્પનમાં હું ના પડું. અહી તો સામે જઉં અને પુછું કે લગ્ન કરીશ મારી સાથે. હા પાડે તો ઠીક નહીતર બીજું કોઈ. એક ઘા ને બે કટકા’. ત્યાં બેઠેલા બધા હસી પડ્યા અને બોલ્યા, ‘આ તો પ્રેમની વાત કરે છે કે ધમકી આપે છે. ટોળું વિખરાઈ ગયું. જ્યાં માર કામ ના કરે ત્યાં પ્યાર કામ કરે છે બસ એ જ રીતે બ્રાહ્મણનો દીકરો જયંત કામ કરી ગયો. એણે કોલેજમાં બધાની વચ્ચે પોતાના ઘૂંટણિયે બેસી, હાથમાં રીંગ ધરીને મોસમને પ્રપોસ કર્યું. જે રીતે જયંતે મોસમને પ્રપોસ કર્યું, મોસમનો ના પાડવાનો સવાલ જ ઉભો નથી થાતો. કોલેજ પૂરી થતાની સાથે જ તેઓ પરણી ગયા. અને સેમે પણ પોતાના મજબુત મનથી પોતાના દિલને હરાવી દીધું હતું. અને વિધિકા સાથે લગ્ન કરી દીધા.

સેમ અને જયંતના ઘર એકબીજાની નજીક હતા એટલે અવારનવાર મળવાનું થતું. કોલેજ પૂરી થયે એકાદ વર્ષ થયું તું, પણ આ મિત્રો ઘણીવાર મળતા. હવે તો વિધિકા પણ મોસમની સારી ફ્રેન્ડ બની ચુકી હતી. જેમ ઇતિહાસ ફરી પાછો રચાયો હોય એવી એક ઘટના બની. મોસમ અને વિધિકા શાકમાર્કેટમાં ભેગા થઇ ગયા. બે સખીઓ વાતો કરતા કરતા પકોડીની લારી પાસે પહોંચ્યા. હજુ પહેલી પકોડી મોં સુધી પહોંચી હશે ને પાછળથી એક અવાજ આવ્યો, ‘કભી હમે ભી ખીલા દો મેરી જાન.’ એક ટપોરીએ બંનેની મજાક ઉડાડી. મોસમનું સૌંદર્ય હજુ આટલી મોસમો બાદ પણ એવું જ રૂપાળું હતું. અને વિધિકા પણ દેખાવમાં સારી લાગતી. એટલે ઘણીવાર છેલબટાઉ માણસો મળી રહેતા. મોસમ અને વિધિકાએ આ વાતની પરવા ન કરી. ઘટના બે-ત્રણ વાર બનતા મોસમે આ વાતની જાણ જયંતને કરી. જયંત દર વખતની જેમ જ કોઈ લડવાની તૈયારી ના બતાવી. વિધીકાએ ઘરે પહોંચીને આ વાત સમીરસિંગને કરી. પછી શું થવાનું હતું. એ જ એક ઘા ને બે કટકા. લોહીનો પારો સમીરસિંગના શરીર નામના થર્મોમીટરને તોડી ફરી બહાર આવ્યો. હવે રડવાનો વારો પેલા ટપોરીઓનો હતો. દર વખતની જેમ આપણો શૂરવીર ફરી કામ કરી ગયો. મોસમને આ વાતની ખબર પડતા જયંતને કહ્યું, ‘જોયું, આવું મજબુત મનોબળ અને ખડતલ શરીર હોવું જોઈએ જે ક્યારેય લડી શકે.’ જયંત પાસે આ વાતનો કોઈ જ જવાબ ન હતો.

થોડાક દિવસ પછી મોસમ અને જયંતની સેકન્ડ મેરેજ એનીવર્સરી આવી અને મોસમ ખુબ ખુશ હતી. વિધિકા અને મોસમ ફરી એકવાર શાકમાર્કેટમાં મળ્યા. વિધિકાનો ચહેરો આજે કઈક જુદો લાગતો હતો. મોસમે પૂછ્યું કે, ‘તારો ચહેરો આટલો સુજેલો કેમ લાગે છે?’ વિધિકાએ દર્દ ભરેલા અવાજમાં કહ્યું, ‘કાલે અમારી મેરેજ એનીવર્સરી હતી અને મેં બહાર જવાનું કહ્યું, એમની ના હતી. મારે થોડીક રકઝક થઇ અને એમણે મારા ચહેરા પર લાફો ચોઢી દીધો. અમારે તો આવું અવારનવાર બને છે. આના કરતા જયંતભાઈનો સ્વભાવ સારો, ક્યારેય લડવાની તો વાતો ના કરે.’ વિધિકાના છેલ્લા શબ્દો સાંભળી મોસમને જયંત માટે ફરી માન ઉપજ્યું.

મોસમ ઘરે પહોંચી અને જયંતને મનગમતું ભોજન બનાવ્યું. જયંત ઓફિસથી આવ્યો કે તરત જ મોસમ જયંતને વળગવા દોડી. ત્યાં જ જયંત પોતાના ઘૂંટણિયે બેસી, હાથમાં ફરી એકવાર રીંગ ધરીને પૂરી જિંદગી સાથે રહેવાના વચન સાથે મોસમને પ્રપોસ કર્યું. મોસમને આજે પહેલી વખત લાગ્યું કે, ‘માણસ પાસે મજબુત મનોબળ કે ખડતલ શરીરના હોય તો કઈ નહિ પણ એકાદ પ્રેમાળ હૃદય તો હોવું જોઈએ જે બધું સમજી શકે. અને મોસમ જયંતને ખુશીથી વળગી પડી. રણમેદાનમાં ભલે ધારદાર શસ્ત્રથી જીતાય પણ લવ-મેદાનમાં તો પ્રેમ નામનું જ શસ્ત્ર ચાલે. અને શસ્ત્ર ઉઠાવ્યા સિવાય, આજે એક શૂરવીર ફરી જીતી ગયો......

હાર્ટ-સ્પર્શ

તાકાત જોઈ મારી દુશ્મનના પગલાં પાછા પડે,
પણ કેમ હૃદય આગળ મનના સપના ઝાંખા પડે.

- નિશાંક મોદી ‘સ્પર્શ’

Friday, January 27, 2012

કર્મફળ


‘અરે..રે! વિનસ, આજે તો તે હદ કરી નાખી, આ શું કર્યું તે? નિશા સુંદર, સુશીલ, ગુણવાન, સારું ભણેલીને વળી આપણી જ્ઞાતિની હતી, બે-ચાર મુલાકાત તો કરવી તી, પછી આપણે ફૈસલો કરત. પણ તે તો આજે જ આટલી સરસ છોકરીને લગ્ન માટે ના પાડી દીધી.’ એકલવાયું જીવન ગાળતા સુનંદાબેને, પિતા વિનાના પોતાના દીકરા વિનસને કહ્યું. વિનસ માથું હલાવતા બોલ્યો, ‘જો મમ્મી, આમાં વાત એમ હતી કે એ નિશા બધી જ રીતે સારી છે પણ એની સાથેની મુલાકાતમાં જે વાત થઇ તે બાદ મેં મારો નિર્ણય બદલ્યો.’ સુનંદાબેન તાડુક્યા, ‘એવી તો વળી શું વાત થઇ તારે?’ ‘મમ્મી, એને કોઈ બીજા છોકરા સાથે પ્રેમ છે. અને તે વાત તે તેના માતા-પિતાને જણાવી શકે તેમ નથી. આ બાબત તેનો મોટો ભાઈ અને નાની બહેન પણ જાણે છે. જો મારી હા હોત તો એ ખુશીથી મારી સાથે લગ્ન કરત પણ એનું દિલ તોડવાનો મારો કોઈ ઈરાદો ન હતો. એથી મેં જ ના પાડી દીધી. મારા નામ મુજબ હું શુક્રનો તારો અને એ નિશા એટલે કે રાત મળી તો જઈએ પણ ચાંદના પ્રકાશ વિના બંને વેરાન જ છીએ ને.’ આટલું બોલી એ અટક્યો.

માથે હાથ ફેરવતા સુનંદાબેન બોલ્યા, ‘તને શું લાગે છે? એને જે છોકરાઓ જોવા આવે છે, એ બધા તારા જેવું જ વિચારતા હશે. આજે નહિ તો કાલે એ છોકરીએ આ વાતનું નિરાકરણ લાવવું તો પડશે ને.’ ‘એ આપણો પ્રશ્ન નથી, પણ હવે નિશા મારા લીધે તો દુઃખી નહિ થાય ને.’ આટલું કહી વિનસે શબ્દોને વિરામ આપ્યો. રસોડામાં જતા જતા સુનંદાબેને શબ્દો વિખેર્યા, ‘દીકરા તું ખુબ જ ભોળો છે, તું કાયમ બીજાના લીધે પોતાનું ગુમાવી દે છે.’ વિનસ બોલ્યો, ‘હંમેશા આપણને જ ફાયદો થાય એ પણ જરૂરી તો નથી ને. કર્મનું ફળ મોડું પણ મળે તો છે જ.’ તેના આ શબ્દો સુનંદાબેન માટે કઈ નવા ન હતા.

થોડાક દિવસ પહેલા જ એ પોતાના મિત્ર ઉદય સાથે નોકરી માટે ઇન્ટરવ્યું આપવા ગયો તો ત્યાં પણ તેનું અને ઉદયનું સીલેક્શન થઇ ગયું હતું. પણ નોકરી માટે એક જ જગ્યા ખાલી હતી. અને એ વખતે પણ વિનસે પોતાના પગ પાછા પાડ્યા તા. ઘરે આવી તેણે આ વાત કરી ત્યારે સુનંદાબેન ખુબ અકળાયાતા. ત્યારે પણ વિનસે તેમને મનાવતા કહ્યું હતું કે, ‘ઉદયને આ નોકરીની મારા કરતા વધુ જરૂર હતી.’

હજુ બે દિવસ પહેલા જ છાપામાં માનસિક અસ્થિરતાને કારણે એક ગુમ થયેલ વ્યક્તિની ખબર છપાઈ તી. એમાં લખ્યું તું એવું કે, ‘માહિતી આપનાર ને યોગ્ય બદલો આપવામાં આવશે.’ સંજોગોવશાત આ વ્યક્તિને વિનસે પોતાના ઘરથી થોડેક નજીક જોઈ અને તે એને ઘરે લઇ આવ્યો. બાદમાં એના પરિવારજનોનો સંપર્ક કર્યો. તેના પરિવારજનો આવી પહોંચ્યા. અને વળતર ના બદલામાં તેને વીસ હજાર રૂપિયા આપ્યા. સુનંદાબેન પોતાના દીકરાનો સ્વભાવ જાણતા હતા તેમણે ધીરેકથી એનો હાથ દાબ્યો. સામેવાળા એ ખુબ આગ્રહ કર્યો, પણ વિનસે આ રૂપિયા ના લીધા. વ્યક્તિના પરિવારજનો જેવા ઘરની બહાર પહોંચ્યા ત્યાં જ સુનંદાબેન બોલ્યા, ‘હે ભગવાન! આ મારો દીકરો અસ્સલ એના બાપ પર ગયો છે. એ પણ આવા જ હતા. સામે ચાલીને આવેલી લક્ષ્મીનો અસ્વીકાર કર્યો.’ ‘હંમેશા આપણને.....’ પણ આ વખતે સુનંદાબેન કશું જ સાંભળવા ત્યાં ઉભા ના રહ્યા. એ વિનસનું વાક્ય જાણતા જ હતા.

આમ ને આમ બે વર્ષ વીત્યા પણ વિનસના સ્વભાવ અને વર્તનમાં સહેજે બદલાવ ન આવ્યો. નોકરીમાં પણ એ સેટ નતો થયો ને પોતાનો સંસારમાં પણ. સુનંદાબેનને દુઃખ બહુ થતું પણ તેમણે વિનસના સ્વભાવ સાથે મેળ કરી દીધો હતો. સુનંદાબેન એને સમજાવવામાં નિષ્ફળ ગયા. એક દિવસ સાંજે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાને કારણે વિનસે પોતાનું બાઈક ઉભું રાખ્યું હતું. ત્યાં જ તેની પાછળથી આવતી ગાડીના હોર્ને એને પરેશાન કર્યો. સિગ્નલ ખુલ્યું અને ચાર રસ્તા પાર કરીને રોડના બીજા છેડે ઉભો રહ્યો. તેની પાછળ આવી રહેલી ગાડી પણ ઉભી રહી. ગાડીનો દરવાજો ખુલ્યો અને અંદરથી ઉદય બહાર નીકળ્યો.

બે વર્ષના સમયગાળામાં વિનસમાં તો કઈ બદલાવ ન હતો પણ ઉદય થોડો જાડો થઇ ગયો હતો. બંને એકબીજાને ઓળખી ગયા. ઉદયે એના ખભા પર હાથ મૂકી કહ્યું, અરે દોસ્ત, ક્યાં હતો યાર તું તો મળ્યો જ નહિ પછી. મારા લગ્નમાં પણ તું નતો આવ્યો.’ ઉદયના પ્રશ્નોનો વિનસ પાસે કઈ જવાબ ન હતો. ઉદયે પૂછ્યું કે, ‘જોબ કેવી ચાલે છે? અને તે તો મને તારા લગ્નમાં પણ ન બોલાવ્યો.’ વિનસના જવાબે ઉદયને વિસ્મયમાં મૂકી દીધો. ‘બસ દોસ્ત, જોબ શોધું છું અને મારે લાયક છોકરી પણ.’ મોબાઈલ નંબરોની આપ-લે થઇ અને બંને છુટા પડ્યા.

એક અઠવાડિયા બાદ વિનસનો મોબાઈલ રણક્યો. મોબાઈલમાં જોયું તો કોલ ઉદયનો હતો. વિનસ ફોન ઉપાડી બોલ્યો, ‘બોલ દોસ્ત, શું ચાલે છે?’ સામે છેડેથી ઉદયે કહ્યું, ‘અરે વિનસ, હું તને ઘણી બધી સરપ્રાઈઝ આપવા માંગું છું. તું આજે સાંજે આઠ વાગે મારા ઘરે આવી જજે. ચલ મારું અડ્રેસ લખી લે.’ ફોન મુકાયો અને વિનસે મનમાં વિચાર્યું, ‘હશે કોઈ સારા સમાચાર. પણ આપડે તો બીજાની ખુશીમાં ખુશ રહેવાનું.’ સાંજે આઠ વાગે વિનસ ઉદયના ઘરે પહોંચ્યો. તેને પહેલી સરપ્રાઈઝમાં ખબર પડી કે જે નિશાને તેને ના પાડી હતી તેણે પોતાના ગમતા છોકરા સાથે પોતાના જીવનનો ઉદય કરી દીધોતો. એ ઉદય જ હતો. બીજી સરપ્રાઈઝ એ હતી કે જે નોકરી એને ઉદય માટે છોડી હતી એ જ કંપનીમાં ઉદય પ્રમોશન મેળવી ઉંચા સ્થાન પર પહોંચી ગયો હતો અને તેને નવા એમ્પ્લોઇશ હાયર કરવાની ઓથોરીટી પણ મળી ગયી હતી. જેમાં તેણે વિનસનો અપોઈન્ટમેન્ટ લેટર પણ તૈયાર કરી રાખ્યો તો. પણ છેલ્લી સરપ્રાઈઝ જે મળી તે નવાઈ લગાવે તેવી હતી.

ઉદય બોલ્યો, ‘તને યાદ છે કે નિશા અને તેના પરિવારજનો તને જોવા તારા ઘરે આવ્યા હતા અને તે ના પાડી હતી. નિશાએ બધી જ વાત મને કરી હતી.’ ત્યાં જ અંદરના રૂમમાંથી સુનંદાબેન, નિશા બહાર આવ્યા. સુનંદાબેનને અહી જોઈ વિનસને નવાઈ લાગી. તેમની સાથે એક નવી જ વ્યક્તિ જોવા મળી તે હતી નિશાની નાની બહેન ચાંદની. જેને વિનસ ખુબ પસંદ પડી ગયો તો અને તેની સાથે પોતાનો સંસાર શરુ કરવાની હા પાડી દીધી હતી. સુનંદાબેનને તો આ વાતની ખુબ ખુશી હતી. વિનસ પણ બધી જ બાબતો સાથે સહમત હતો અને શુક્ર નામના આ અનમોલ ગ્રહને રાતના લીધે ચાંદની મળી ગયી હતી. આજે સૌથી વધુ ફાયદામાં વિનસ હતો પણ સુનંદાબેનના મનમાં તો વિનસના કહેલા શબ્દો જ હતા, ‘હંમેશા આપણને જ ફાયદો થાય એ પણ જરૂરી તો નથી ને...કર્મનું ફળ મળે જ છે’

મુસીબતના વમળમાંથી કુદરત એને જ તારે છે,
જે માણસો ભૂલી પોતાનું, બીજાનું વિચારે છે.

- નિશાંક મોદી