7 પાત્રો (4 બહેનો + 3 બહેનો ભાઈઓના પાત્રમાં)
*વિરોધ*
_(બેકગ્રાઉન્ડમાં બાળકીનો રડવાનો અવાજ)_
નિરુબેન: અલી મણી આ અવાજ શાનો? પેલા વગડામાંહી આવે સે.
મણીબેન: હા નિરુ, મેંય હોભર્યો હ.
નિરુબેન: તો પછી રાહ સેની જુવેસો. હેંડો એ બાજુ.
_(બધી બહેનો એક તરફ જાય છે. ત્યાંથી એક બાળકી મળે છે.)_
ભારતીબેન: નખ્ખોદ જાય મારા રોયાઓનું, આવી ફૂલ જેવી સોડીને કાંટાની વાડમાં નાખી દીધી. અરે રે!
અર્ચનાબેન: આય હાય! એવી તો ચેવી માં? જીવ કેમ કરી હાલે એનો. ઈશ્વર પણ ખરું કરે સે નહિ, જેને જોઈએ સે એને આલતા નહી ને આલે સે એને પડી નહિ.
નિરુબેન: બીચારી આમાં સોડી નું શું વાંક? અરે એને પહેલા ધાબળામાં વીંટાળો. એને ઠંડીમાં કોંક થઈ ન જાય.
મણીબેન: હાલો આને ગામના પોલીસ ચોકીએ લઈ જઈએ. પોલીસવાળા જ નક્કી કરશેહ હું કરવું.
_(ચારે જણા પોલીસ સ્ટેશને જાય છે)_
ભારતીબેન: અરે સાહેબ! સાંભળો છો. અમે સ ન, કૂવે પાણી ભરવા જ્યાં ત્યા. ત્યાં અમને આ સોડી મળી, કૉકે તરસોડી દીધી લાગે સે. લો હાચવો.
પોલીસમેન: અરે આમ કઈ થોડી અમારાથી રખાય. મારે શહેરમાં રિપોર્ટ કરવું પડે. ત્યાંથી મહિલા બાળ આયોગ વાળા આવશે અને કેસ પ્રમાણે વાત આગળ વધશે. એમાંય આપડા ગામમાં કોઈ મહિલા પોલીસ નથી કે એ સાચવે.
હવાલદાર: તો હે સાહેબ, આ બહેનો જ કોને કે એમના ઘરે લઈ જાય અને કેસ પતે નહિ ત્યાં સુધી રાખે. હું ત્યાં સુધી રિપોર્ટ તૈયાર કરું અને શહેરમાં પોલીસ સ્ટેશને જાણ કરું.
અર્ચનાબેન: લ્યો સાહેબ આ તો અમે મદદ કરી અને તમે તો અમને જ કામે વળગાડયા
પોલીસમેન: બહેનો, તમે સમજો. અમે અહીં બે જ પુરુષકર્મી પોલીસ છીએ ને અમે અહીં બાળકીને નહિ રાખી શકીએ.
હવાલદાર: સાહેબ સો બસો આલી દો ને એટલે, દૂધબુધની વ્યવસ્થા કરી દે.
નિરુબેન: મારા રોયા! દૂધના પૈસા લેવાતા હશે. અમારી છાતીનું ધાવણ લજવાય. બે ટાઇમનું જમવાનું કરી લઈએ એટલું તો અમારો વર કમાઈ લેહે. હાલ, હું જ એને મારા ઘરે જ લઈ જવું. તમનેહ ભાળ મળહ તો ગામમાં કોઈ ન પણ પૂછજો કે લાખાનું ઘર ક્યાં? આ સોડી મળી જશે.
_(નિરુબેન બાળકીને લઈ ઘરે જાય છે એમના વર લાખા ને મળે છે.)_
લાખો: અલી નિરુ આ કુંણ સ?
નિરુબેન: કોઈની કમનસીબીને આપણી ખુદનસીબી.
લાખો: એટલે?
નિરુબેન: લાખા, કોઈએ આ સોડીને મરવા માટે ત્યજી દીધી તી. મને મળી.
લાખો: તો અહીંયા ચમ લાઇ.
નિરુબેન: લે તો વળી, આવી રૂપાળી સોડીને કઈ મરવા છોડી દેવાય!
લાખો: નિરૂડી, અલી આ કોઈનું પાપ હશે. તારે શું? મેલી આય જા, ત્યો જ.
નિરુબેન: ખબરદાર લાખા, કઈ આડુંઅવળું બોલ્યો સ તો, મારા જેવું ભૂંડું કોઈ નહિ હોય.
લાખો: પણ તું સમજ તો ખરી, કોણ સ આ, ચ્યો થી આઈ, રઝળી છે કે કોઈએ ફેંકી દીધી છે.
નિરુબેન: જો લાખા, હું શું કહુશું, એવું પણ બન ન કે, પરમેશ્વર ને આટલા વર્ષે અફસોસ થયો હોય ને આ મારું વાંઝણાપણું દૂર કરવા માટે આ દેવીને ઓપડા ઘરે વળાવી હોય.
લાખો: તારી કશિય વાત મારે ન થ હાભળવી, તું મેલી આય ઓને.
નિરુબેન: ના લાખા, મેં નક્કી કર્યું સ, મું જ આને ઉછેરીશ, ભલહ તું મનહ સાથ દે કે નો દે.
લાખો: તું જીદ નહિ મેલે એ તો મનેહ ખબર સ. અને તને એય ખબર સ કે આ લાખો તારી જીદ પુરી પણ કરશે. તો સાંભળ, આજથી આ માત્ર તારી નહીં પણ આપડી સોડી સ. અને કાલહ ગામ પંચાયતમાં આપડો આ સોડીને ખોળે લેવાનો વિરોધે થશે. પણ યાદ રાખજે, આ ગામ સોડીને જવાનું થાય તો પણ ભલે થાય પણ આ સોડીને હવે એના નવા માં બાપ થી કોઈ જુદું નહિ કરી શકે.
_(લાખો, નિરુબેન ખભે હાથ રાખી દે છે અને બાળકીને હાથમાં રાખે છે)_
Narrator Speech (અંતિમ સ્પર્શ:): એમ બને કે પહેલાં ઈશ્વર કદીક આપવાનું ભૂલી જાય અને પછી મન મુકીને આપે. એમ બને કે પોતાના હોય કે પારકા બધા વિરોધ કરે પણ સતકર્મ અને શુદ્ધ મન જ્યાં ભળે ત્યાં, અંત સુખદ જ હોય છે.
જ્યાં આ જમાનો આખોય મારી વિરોધમાં હતો,
ને ત્યાં કદાચ મારો ઈશ્વર જ મારી શોધમાં હતો.
- નિશાંક મોદી