ટૂંકી વાર્તા: નૈનધારા- ભાગ્યનું ચુંબન
શિયાળાની ગુલાબી સવાર પોતાનું સરનામું ગુમાવી રહી હતી, સવારના નવ વાગે સૂરજે આકાશમાં બાંગ પોકાળી દીધી હતી, એનું તેજ સીધુ જ ઘરમાં આવી રહ્યું હતું અને મખમલી મરૂન પડદો હટાવતાની સાથે જ નીલાબેને પોતાની જુવાન છોકરી નૈનધારાને વ્હાલથી ઉઠાડતા બોલ્યાં, 'દિકુ, ચલ ઉઠ તારે મોડું થાય છે. કોલેજ નથી જવાનું!'
ઉઠતાંની સાથે જ નૈનધારાની આંખમાંથી ચૌધાર અશ્રુની ધારા વહેવા લાગી. પૂછ્યું તો જવાબ મળ્યો કે, 'ત્રેવીસ વર્ષમાં આવું કદીય નથી બન્યું કે પપ્પાએ મને સવારમાં વ્હાલ ના કર્યું હોય અને આજે એ મને કપાળમાં ચુંબન કરવાનું કઈ રીતે ભૂલી ગયા!'
નીલાબેન માથે હાથ ફેરવતા કહ્યું કે, તારો 'પપ્પો' કદાચ મને વ્હાલ કરવાનું ભૂલી જાય પણ તને વ્હાલ કરવાનું ના ભૂલે. સવારે પાંચ વાગ્યાની ફ્લાઈટથી એમને મુંબઈ જવાનું હતું એટલે રાતે ત્રણ વાગે જ એ નીકળી ગયા અને જતા પહેલા ત્રેવીસ વર્ષથી જે તને મળે છે એ આપીને જ ગયા છે રાતે પાછા આવવાના જ છે, કદીય એવું બન્યું છે કે તારા વગર એ ક્યાંય બહાર રહ્યા હોય. તું રાતે પિક્ચર જોઈને મોડી સૂતી અને સવારે સખ્ખત ઊંઘમાં હતી એટલે તને કઈ જ યાદ નથી. ચાલ ઉઠ હમણાં તારી ફ્રેન્ડ હર્ષિતા આવશે અને નીચેથી નીલામાસી નીલામાસીની બુમો પાડશે. ઘણીવાર તો વિચાર આવે કે એ તારી ફ્રેન્ડ છે મારી કોઈ ગયા જનમની બહેનપણી...
હર્ષિતાનો આ નિત્યક્રમ હતો કે એ કોલેજ નૈનધારાની જોડે જ જાય અને કોઈ એક રજા પાડે એટલે બંને રજા પાડી દે. દરરોજની જેમ હર્ષિતા આજેય નીચે આવીને નીલામાસી નીલામાસીની બુમો પાડવા લાગી. થોડીક ઝડપથી તૈયાર થઈને નૈનધારા નીચે ઉતરી અને હર્ષિતાના માથામાં સહેજ ટપલી મારી બોલી કે મને બોલાવતા શરમ આવે છે કે રોજ મારી મમ્મીને જ બુમો પાડે છે.
'તને બોલાવતા શરમ નથી આવતી પણ મારા જીભને એક લાંબી સફર ખેડવી પડે છે, અલી આટલું લાંબું તો કોઈ નામ હશે, નૈનધારા...બે વાર બોલો તો એટલે કોઈક ને સાયોનારા કહેતા હોઈએ એવું લાગે' સ્ફુટી અને બન્ને બહેનપણીઓની વાતો આગળ વધી.
'એય! મારા નામ વિશે કઈ જ નહીં કહેવાનું' હર્ષિતાને પ્રેમથી ધમકાવતા નૈનધારા બોલી.
'કેમ અપ્સરાનું નામ છે?'
'ના પણ મારા પપ્પા એ આપેલું નામ છે જે મારા જન્મ વખતે એમને થયેલી ખુશી અને આંખમાંથી વહેતા મીઠા ઝરણાં જેવા આંસુઓનું પરિણામ છે, શરૂઆતમાં બધાને નામ લાંબું લાગતું પણ પપ્પા એમ જ કહે કે ના એના જન્મ વખતે હું ખુશીના મારે ખૂબ રડ્યો છું અને એ યાદ હું ભૂલવા નથી માંગતો.' બસ ત્યારથી આપડું નામ પડ્યું નૈનધારા....
હર્ષિતાનું સ્ફુટી ચાર રસ્તા પર ગ્રીન સિગ્નલ હોવા છતાંય રોકાઈ ગયું. કારણ પૂછ્યું તો કીધું કઈ નહિ જવા દે. પછી હર્ષિતા આખા રસ્તે કઈ જ ના બોલી. આખો દિવસ કોલેજના એક બે લેક્ચર ભર્યા અને એક બે બંક માર્યા અને સાંજે ઘરે જવા પાછા ફર્યા.
'સવારનું શું થયું છે તને...બોલતી જ નથી' નૈનધારાએ શરૂઆત કરી.
'કઈ નહિ યાર, ઘણીવાર મને તારી ઈર્ષ્યા આવે છે કે તું તારા પિતાનો કેટલો પ્રેમ પામી છે અને હું ક્યારેય મારા પિતાને જોઈ પણ નથી શકી. મારા જન્મ પહેલાં જ મારા પિતા અમને છોડીને ઈશ્વરના ચરણમાં જતા રહ્યા. અને જ્યારે જ્યારે તું તારા પપ્પા દ્વારા મળતા તારા કપાળના ચુંબનની વાત કરે છે ત્યારે ત્યારે હું એ હૂંફ, લાગણી, હેત, બંધન મહેસુસ તો કરી શકું છું પણ પામી નથી શકતી.' શિયાળાની સાંજ પોતાનું વર્ચસ્વ જમાવી રહી તી, સૂરજ થાકીને સુવાની તૈયારી કરી રહ્યો તો અને મખમલી મરૂન પડદો હર્ષિતાના હતાશાભર્યા શબ્દો આગળ ઝૂકી રહ્યો તો.
બીજી સવાર અને એ જ વ્હાલનો દરિયો ઓઢાવતો ને વાત્સલ્ય છલકાવતો પિતા, પોતાની દિકરીના ભાગ્ય પર ચુંબન કરી પોતાની છાતી ગદગદ ફુલાવતો ને કહેતો મારી દીકરી નૈનધારા મારી આંખોનું નૂર નૈનધારા. બસ એજ નિત્યક્રમ, કપાળનું ચુંબન, નીલામાસીની બુમો, સ્ફુટી પર કપાતો રસ્તો અને અંતે પિતાની છત્રછાયા ગુમાયેલા હર્ષિતાનો અફસોસ.
કોલેજ પૂર્ણ થઈ હવે નૌકરી અને પરણવાની વાતો ચાલુ થઈ. ફુલબહાર વાતાવરણ હતું, ફરી એક તાજગી ભરેલો સૂરજ ઉગેલો અને નૈનધારા ઉઠીને ચા નાસ્તો કરી રહી હતી. થોડીક થાકેલી લાગતી હતી. નીલાબેને પૂછ્યું શું થયું તો બોલી, 'ખ્યાલ નહિ કેટલાય દિવસથી જલ્દી થાકી જવું છે, હાલ ઊંઘ પુરી કરીને ઉઠી તોય થાક લાગ્યો હોય એવું લાગે છે. ઘણીવાર ચક્કર પણ આવે છે.' આવી જશે તું હમણાંથી ઉંઘ ટાઈમ્સર નથી લેતી ને એટલે એવું લાગે છે. તું બસ ઉઘનું ટાઇમટેબલ સેટ કરી દે આવી જશે, નીલાબેને દરેક મા જે સલાહ આપે એમ સલાહ આપી.
નૈનધારાનો આજે નૌકરીનો એક ઇન્ટરવ્યૂ હતો સાથે હર્ષિતા પણ ગઈ. મજાની વાત એ હતી કે બંને સિલેક્ટ થઈ ગયા. ખુશીથી ઘરે ફોન કરતા નૈનધારા બોલી, મમ્મી અમને બન્ને ને જોબ મળી ગઈ છે, સેલેરી સારી છે, વધુ માહિતી ઘરે આવીને આપીશ, હાલ તો હું અને તારી જુના જનમની બહેનપણી બહાર પાર્ટી કરવા જઈએ છીએ.
ચાર કલાક પછી નીચેથી નીલામાસી નીલામાસીની બુમો સંભળાયી. આ વખતે અવાજમાં ડૂમો હતો. 'જલ્દી નીચે આવો, નૈનધારાને કઈક થઈ ગયું છે' ઘરના કપડાં પહેરેલા નીલાબેન નીચે દોડ્યા ને પૂછ્યું કે શું થયું ક્યાં છે નૈનધારા. રડતાં રડતાં હર્ષિતા બોલી, ખ્યાલ નહિ માસી, અમે કોફી પીતા હતા અને અચાનક એ બોલી મારાથી શ્વાસ નથી લેવાતો અને આટલું બોલતા બોલતામાં તો એ ત્યાં જ ઢળી પડી. હું હાલ હોસ્પિટલમાં એડમિટ કરીને આવી છું તમારો અને કાકાનો ફોન જ નતો લાગતો. તમે ચાલો મારી સાથે અને કાકાને પણ ફોન કરતા રહો અને લાગે તો કહો કે હોસ્પિટલ પહોંચે, મને ખુબ ડર લાગે છે.
બધા હોસ્પિટલમાં ભેગા થયા અને જોયું તો એક કાળ ફરી ગયો તો. ત્રણ ડોકટરની ટીમ એક પલંગની આસપાસ ગોઠવાઈ ગઈ હતી અને ત્રેવીસ વર્ષની નૈનધારાને બચાવાની કોશિશ કરી રહ્યા હતા. રીપોર્ટ્સની વણઝારો થઈ ગઈ અને માલુમ પડ્યું કે ઈસ્કીમિક કાર્ડિયોમાયોપેથીના કારણે હૃદયની દીવાલો પાતળી થઈ ગઈ હતી અને એ જ કારણથી હાર્ટ ફેઈલ થઈ ગયું તું. ખૂબ પ્રયત્ન કર્યા પણ નૈનધારાનો જીવ ન બચ્યો. નીલામાસી અને એમના પતિ પડી ભાંગ્યા. ત્રેવીસ વર્ષથી જે ફૂલને ઉછેર્યું એ અચાનક આમ કરમાઈ ગયું અને વાત હજુ માન્યામાં નતી આવતી કે જેના માટે માંગુ શોધાઈ રહ્યું હતું એની કન્યાવિદાય આવી રીતે થશે.
નૈનધારાના પિતાને આ બધું ખરાબ સ્વપ્ન જેવું લાગી રહ્યું હતું અને એમનું મન હજુય માનવા તૈયાર જ ન હતું કે આવી કોઈ ઘટના બની છે. વર્ષોથી પોતાની દીકરી માટે જે આંખમાંથી અમીઝરણું વહી રહી હતું એમાંથી આજે નમીઝરણું વહી રહ્યું હતું. રડતાં રડતાં કહેતા કે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. કશું આગળ બોલવા જાય ને ડૂમો ભરાઈ જાય. ડેડબોડીને ઘરેથી લઈ જતી વખતે પોતાની દીકરીને કપાળમાં આખરી ચુંબન આપતા કહ્યું કે અમે તો તને આટલો પ્રેમ આપ્યો પણ તારા હૃદયની દીવાલો અમારા સ્નેહની આગળ નબળી પડી, દીકરી આ અમારું દુર્ભાગ્ય જ છે કે અમે તને આ રીતે વિદાય કરીએ છીએ. મનમાં વસવસો, આંખોમાં આંસુ, શરીરમાં ધ્રુજારી છોડી નૈનધારા લોકોની વચ્ચેથી વહી ગઈ....
છ મહિના વીત્યા પણ નૈનધારાની યાદો નહિ. હવે નીચેથી નીલામાસી નીલામાસીની બુમો સંભળાતી બંધ થઈ ગઈ. હર્ષિતા સીધી જ ઉપર આવી જતી અને નીલામાસી જોડે આખો દિવસ રહેતી. એમની સાથે વાતો કરતી, એમના દુઃખને ભુલાવવામાં મદદ કરતી. સ્ત્રી તો એડજસ્ટ કરતા શીખી જાય એ એના સ્વભાવની ખાસિયત છે પણ પુરુષ આમાં પાછળ છે. નૈનધારાના પિતા હજીય આ શોકમાં જ હતા. હર્ષિતા એ ખૂબ પ્રયત્ન કર્યો પણ કાકાને નૈનધારાની યાદમાંથી પાછા ના વાળી શકી. ત્રેવીસ વર્ષના કોઈના ભાગ્ય પર કરેલા ચુંબન કઈ એમ જ થોડા ભૂંસાઈ જાય. આ કઈ શર્ટ પર લાગેલી ધૂળ થોડી હતી કે ખંખેરી દેવાય આ તો શરીરની ચામડી હતી જે નીકળે પછી પણ પીડા ન છોડે.
બીજા છ મહિના વીત્યા અને સમયે પોતાનું કામ ચાલુ કર્યું. જખમ હળવા થવા લાગ્યા. નીલાબેન અને એમના પતિએ નૈનધારાના લગ્ન માટે જે માળીયા ભરીને સામાન, રૂપિયા, દાગીના ભેગા કર્યા તા એ દાનમાં આપવાનું નક્કી કર્યું પણ આપે કોને એ સવાલ સામે હતો. એક જ જવાબ સામે આવ્યો કે પિતા વગરની હર્ષિતાને.
નીલાબેને હર્ષિતાના મમ્મીને વાત કરી કે તમે દીકરી માટે સારો મુરતિયો શોધવા માંડો અમે એના લગ્નનો બધો જ વ્યવહાર કરીશું. અમે મનને એમ મનાવીશું કે અમે નૈનધારાના લગ્ન કરાવ્યા. હર્ષિતાના મમ્મીએ હા પાડી અને થોડાક દિવસમાં એક સારો મુરતિયો મળી ગયો.
લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલવા માંડી. નૈનધારાના પિતા જાણે નૈનધારાના લગ્ન કરાવતા હોય એમ તૈયારી કરવા લાગ્યા. દોડધામમાં ભૂલી જ ગયા કે એકાદ વર્ષ પહેલાં એમની દીકરી મૃત્યુ પામી છે, એક વર્ષમાં એ હર્ષિતાની એટલા નજીક આવી ગયા તા કે એ હર્ષિતાને જ પોતાની દીકરી સમજવા લાગ્યાતા.
બધી જ લગ્નની વિધિ સમયસર પતી ગઈ. દીકરી વિદાયનો સમય નજીક આવ્યો. કદીય પિતાનો ચહેરો ન જોયેલી હર્ષિતા આજે એક હારી ગયેલા માણસમાં પોતાના પિતાને જોઈ રહી હતી. અને એક હારી ગયેલો પિતા એક વર્ષ બાદ કોઈ છોકરીમાં પોતાની દીકરીને જીવંત જોઈ રહ્યો હતો.
વિદાયવેળાએ એક પિતાએ પોતાની ગુમાવેલી દીકરીને ભૂલી, જયારે હર્ષિતાને કપાળમાં ચુંબન કર્યું અને કહ્યું કે 'દિકુ, સુખી થજે' ત્યારે ચોવીસ વર્ષથી પિતાના પ્રેમ માટે તડપતું હતું એવું હર્ષિતાનું ભાગ્ય ખીલી ઉઠ્યું. એક તો એક પણ ભાગ્યનું જે ચુંબન નસીબમાં હતું એ હર્ષિતાને આખરે મળ્યું. આટલા વર્ષે કોઈને પિતાનો પ્રેમ પામતા જોઈ ત્યાં ઉભેલી દરેક દીકરીની આંખોમાંથી નૈનધારા છલકાઈ રહી હતી અને ત્યાં ઉભેલા દરેક પિતાની આંખોમાં નૈનધારા મલકાઈ રહી હતી. બાજુમાં નીલામાસી મનમાં એટલું જ બોલતા રહી ગયા કે 'હર્ષિતા મારી કોઈ ગયા જન્મની બહેનપણી જ હોવી જોઈએ, જે નૈનધારાના ભાગ્યનું છેલ્લું ચુંબન લેવા આવી હતી' અંતે ચાંદ જેવી મલકાતી હર્ષિતા મખમલી મરૂન રંગની જાજમ પર ચાલતા જતા સાયોનારા કહી રહી હતી અને શિયાળાની કોઈ એક ગુલાબી સાંજ પોતાનું સરનામું શોધી રહી હતી....
અંતિમ સ્પર્શ:
મુક્તિ મળી જાય કોઈને પૂર્વજનમના બંધનથી,
સિંચાય સુકાયેલું પુષ્પ એકાદ ભાગ્યના ચુંબનથી.
- નિશાંક મોદી