“પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ પંડ્યા” પ્રેમે પાછળથી આવી ધીરેક થી ખુશીના કાનમાં કહ્યું. ખુશી સહેજ ગભરાઈ ગઈ. પણ અવાજ પરથી ખુશીને ખ્યાલ આવી ગયો કે, આવી મજાક પ્રેમ સિવાય બીજું કોઈ ના કરી શકે. પ્રેમ- એક એવો છોકરો જે જીવન જીવવાની કળાનો જાણકાર અને જેના માટે જિંદગી એક મજાક અને વળી પાછો કહેતો કે, “જિંદગી આપણી જોડે મજાક કરી જાય તે પહેલા આપણે જ જિંદગીમાં મજાક કરી લેવી જોઈએ.” ક્યારેક તેના દોસ્તો તેની આ વાત પર હસતાં તો ક્યારેક કહેતા, “હા, યાર, તારી વાત વિચારવા જેવી તો ખરી.” તેના જીવનનો એક જ મંત્ર, “ખુશ રહેવું અને બધાને ખુશ રાખવા”. અને તે પોતાના આ મંત્ર ને અનુસરતો પણ ખરો. કોલજમાં ખુશીનું ગ્રુપ ખુબ જ મોટું. ખુશી- કોલેજની સૌથી સુંદર અને નિખાલસ છોકરી. પ્રેમ અને ખુશીને સારું બનતું. તે બંનેનો એક ખુબ જ સારો મિત્ર એટલે સિદ્ધાર્થ. સિદ્ધાર્થ સ્વભાવે શાંત, શરમાળ અને ગંભીર વ્યક્તિ. એ ક્યારેય મજાક ના કરે પણ પ્રેમની દરેક મજાક પર હસી પડે. પ્રેમને એ કહેતો, “પ્રેમ મારો સ્વભાવ તારા જેવો હોત તો કેટલું સારું.” ત્રણેય ના સ્વભાવ જુદા પણ એક વાત સમાન હતી તે હતું તેમનું જ્ઞાન. એ ત્રણેય એન્જીયરીંગના વિધાર્થીઓં અને ભણવામાં ખુબ જ હોશિયાર. વળી કેમ્પસમાંથી સારી કંપનીઓમાં સેલેકટ થઇ ચુકેલા એટલે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ નૌકરી શોધવાની ઝંઝટ ન હતી. અને છેવટે કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ થયું.
આખરે પ્રેમે ખુશી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ખુશીથી ના પાડવાનો સવાલ જ ન હતો. એને ખ્યાલ હતો કે પ્રેમથી વધુ ખુશ એને કોઈ ના રાખી શકે. તેને લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો. બંનેની વચ્ચેથી સમય ખુબ સારી રીતે પસાર થતો અને ખુશીઓ તેમની આસપાસ ફરતી. બોયસ હોસ્ટેલમાં રહેતો સિદ્ધાર્થ આખો દિવસ વાંચ્યા કરતો. એક દિવસ સિદ્ધાર્થ લેક્ચરમાં ના આવ્યો. સિદ્ધાર્થ ભણવામાં ખુબ જ ગંભીર જેથી પ્રેમને વિચાર આવ્યો કે કઈક કારણ હોવું જોઈએ નહીતર સિદ્ધાર્થ લેક્ચરમાં બંક ના મારે. લેક્ચર પુરો થતાની સાથે જ પ્રેમ સિદ્ધાર્થ ના રૂમ પર પહોંચ્યો અને ધડામ લઇ બારણું ખોલ્યું. સિદ્ધાર્થ ત્યારે કશુક લખી રહ્યો હતો. પ્રેમે રમત કરતા તેના હાથમાંથી કાગળ લઇ લીધો અને બોલ્યો, “બોસ, કોને લવલેટર લખાઈ રહ્યો છે?” સિદ્ધાર્થે પ્રેમ ને દર્દભર્યા અવાજે કહ્યું કે, “પ્લીસ મને એ કાગળ પાછો આપી દે” પ્રેમે કાગળ વાંચ્યો અને ચોંકી ઉઠ્યો. કારણ કે એણે જે વાંચ્યું એ વર્ણવી શકાય તેમ ન હતું. પ્રેમ જીવનમાં પહેલી વાર થોડો ગંભીર બન્યો. એ કોઈ લવલેટર ન હતો પણ સિદ્ધાર્થની જિંદગી ટુંકાવતી એક સુસાઇડ નોટ હતી. પ્રેમે આ વાંચી સિદ્ધાર્થને આ સુસાઇડ નોટ વિષે પૂછ્યું. સિદ્ધાર્થે રડમસ અવાજમાં એટલું જ કહ્યું કે, “પ્રેમ, હું તારા જેવો ન બની શક્યો અને કદાચ એટલે જ ખુશી ને ન પામી શક્યો. પ્રેમને આખી વાત સમજાઈ ગઈ.” આખરે પ્રેમે સિદ્ધાર્થ ને કહ્યું કે, “હવે હું તને જે કહું તે તું કરજે.”
એક દિવસ લેક્ચર પુરો થયો અને ખુશી કેન્ટીનમાં બેઠેલા સિદ્ધાર્થ અને પ્રેમ પાસે પહોંચી. તે કશું બોલે તે પહેલા જ પ્રેમે કહ્યું કે, “ખુશી મને માફ કરી દે. મેં તારી જોડે જીવનની સૌથી મોટી મજાક કરી છે. તને યાદ છે કે મેં તને લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે તારીખ શું હતી. પહેલી એપ્રિલ. અને મેં તને આખું વર્ષ એપ્રિલફૂલ બનાવી. અને આ વાત મેં સિદ્ધાર્થ ને પણ નતી કરી.” ખુશી સહેજ મલકાઈને બોલી, “પ્રેમ, હું તારો સ્વભાવ જાણું છું પણ અત્યારે આવી મજાક ના હોય.” પ્રેમે કહ્યું, “આ વખતે હું સાચું કહું છું અને જો આ મારા આગળ ભણવા જવા માટેનું આમંત્રણ. હું એકાદ મહિનામાં ઓસ્ત્રેલીયા જઈ રહ્યો છું. તું મને માફ કરી દે જે મેં તારી સાથે ખુબ મોટી મજાક કરી છે.” ને બસ પછી બે-ચાર હૃદયને સ્પર્શે એવી શાયરીઓ સંભળાવવા લાગ્યો. આજે પ્રેમ પોતાના જ મંત્ર ને ખોટો પાડી રહ્યો હતો. ના આ વખતે એ ખુશ હતો કે ના ખુશી ખુશ હતી. ખુશીના ચેહરા પરનું નૂર ઉડી ગયું હતું. અત્યારે તેને સહારાની જરૂર હતી. અને તે સહારો આપ્યો સિદ્ધાર્થે. પ્રેમની યોજના પ્રમાણે સિદ્ધાર્થ ખુશી પાસે પહોંચ્યો. અને બોલ્યો, “હું તારી સાથે થયેલ આ ઘટના ને બદલી તો નથી શકતો પણ જો તું મને તારા લગ્ન માટે યોગ્ય વ્યક્તિ ગણતી હોય તો મારા આ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારજે. અને તું મારો સ્વભાવ જાણે છે. હું ક્યારેય મજાક નથી કરતો.” કોઈ વેલને એક વૃક્ષ તરછોડે ત્યારે તે બીજા વૃક્ષનો સહારો લે છે. બસ આમ જ બન્યું. એક હતાશ થયેલી ખુશીને સિદ્ધાર્થ નો સાથ મળ્યો ને બસ પછી બધા છુટા પડ્યા. સાંજે સિદ્ધાર્થ પ્રેમને મળવા પહોંચ્યો અને કહ્યું કે, “દોસ્ત હું તારા જેવો ન બની શક્યો. પણ તે જે મારા માટે કર્યું છે એ કોઈ ના કરી શકે. તું ચિંતા ના કરતો હું ખુશીને હંમેશા ખુશ રાખીશ. પણ મને તારો વિચાર આવે છે.” પ્રેમ સહેજ મલકાતા બોલ્યો, “તું મારી ચિંતા ના કરીશ. હું મારો સ્વભાવ નહિ બદલું. આજે પણ હું કહું છું કે “જિંદગી આપણી જોડે મજાક કરી જાય તે પહેલા આપણે જ જિંદગીમાં ....” પણ આ વખતે એ પોતાનું વાક્ય પૂરું ન કરી શક્યો અને રડી પડ્યો. સિદ્ધાથે તેના ખભા પર હાથ મુક્યો. પ્રેમ સિદ્ધાર્થનો હાથ પકડીને બોલ્યો, “ખુશી મળે તને એટલે મારી છાપ ખરાબ કરું છું, તારા માટે દોસ્ત હું મારા પ્રેમની મજાક કરું છું.”
બસ આમ જ એન્જીયરીંગ પૂરું થયું. સિદ્ધાર્થ અને ખુશી એ લગ્ન કરી લીધા. અને કેમ્પસમાં સેલેક્ટ થયેલા ત્રણે જણાએ જોબ ચાલુ કરી. આટલો સારો અને રમુજી સ્વભાવ હોવા છતાંય પ્રેમ ને સ્વસ્થ થતા એક વર્ષ લાગી ગયું. પ્રેમના મનમાંથી ખુશી નામ હવે વિસરાઈ રહ્યું હતું ને હૃદય ને એક નવું નામ સંભળાઈ રહ્યું હતું. જે નામ હતું ‘અક્ષિતા’. અક્ષિતા- એક સુંદર છોકરી જે કદાચ ખુશી ને પણ ભુલાવી દે. પણ એક જ ખામી હતી અને તે હતો તેનો સહેજ વહેમી સ્વભાવ. જે જગ્યાએ પ્રેમ જોબ કરતો હતો તે જ ઓફિસમાં તેની મુલાકાત અક્ષિતા સાથે થઇ હતી. અક્ષિતા હજુ હમણા જ કોલેજ પાસ કરીને નવી નવી જોબમાં લાગી હતી. જ્યારથી અક્ષિતા પ્રેમના પરિચયમાં આવી ત્યારથી જ પ્રેમમાં થોડો બદલાવ આવવાનો શરુ થયો હતો. એક વર્ષ પહેલા જે સ્મિત પ્રેમના ચેહરા પરથી ઉડી ગયું હતું તે પાછું ફર્યું તુ. એક વર્ષથી ગુમશુમ રહેલ પુતળામાં સહેજ જીવ આવ્યો હોય તેવું લાગતું. એક બાજુ સિદ્ધાર્થ અને ખુશી પોતાના લગ્નજીવનથી ખુશ હતા ને બીજી બાજુ પ્રેમ પોતાના પ્રેમના વાદળો અક્ષિતા પર વરસાવી રહ્યો હતો. થોડાક દિવસોમાં પ્રેમ અને અક્ષિતા ખુબ નજીક આવ્યા. જૂની બધી યાદો હવે વિસરાવા માંડી તી નવી વાતો ની શરૂઆત થઇ હતી. બંને એકબીજાને ખુબ પ્રેમ કરવા લાગ્યા. અને હંમેશા ખુશ રહેતો અને ખુશ રાખતો પ્રેમ ફરી એક વાર આનંદમાં રહેવા લાગ્યો અને મજાક કરવા લાગ્યો. આમેય કોમેડી એ જ કરી શકે જેને જીવનમાં ટ્રેજેડી જોઈ હોય. એક દિવસ સવારે પ્રેમ પર અક્ષિતાનો ફોન આવ્યો અને બોલી, “પ્રેમ, તું સાંજે આઠ વાગે ગ્રીન ગાર્ડન રેસ્ટોરંટમાં આવી જજે. મારે તારું ખાસ કામ છે.” સાંજે દર વખતની જેમ પ્રેમ પોતાની પ્રેમિકા અક્ષિતાએ કહ્યું તું તેમ પહોંચી ગયો. થોડીકવારમાં અક્ષિતા પણ ત્યાં આવી પહોંચી. પ્રેમ હજુ મનમાં એવું બોલ્યો કે, “આ વ્યક્તિ એ જ તારા જીવનમાં ખુશી લાવી છે.” ત્યાં જ તે ભોઠો પડ્યો. કારણ કે અક્ષિતા જે વ્યક્તિને મળાવવાની હતી એ બીજું કોઈ નહિ પણ ખુશી હતી. પ્રેમ મનમાં ને મનમાં હસવા લાગ્યો કારણ કે જે ભૂતકાળ તે ભૂલી ચુક્યો હતો તે ફરી એક વાર વર્તમાનમાં ઉભો હતો. ખુશી અને અક્ષિતાની મુલાકાત એક કવિ સંમેલનમાં થઇ હતી અને તેઓ સારા ફ્રેન્ડ્સ હતા. વધુ ઓળખાણ પીછાણ કરવાની જરૂર જ નતી પડવાની. ડીનર પૂરું કર્યા બાદ પ્રેમ અક્ષિતા ને ઘરે મુકવા ગયો. સારો દિવસ પુરો થયો ને ખરાબ રાત શરુ થઇ.
રાત્રે અક્ષિતા નો પ્રેમ પર છેલ્લીવાર ફોન આવ્યો અને બોલી, “મારે તને મળવું છે અત્યારે જ” પ્રેમ ને ખ્યાલ આવી ગયો હતો કે ખુશી એ તેની ખુશીઓ પર પાણી વેડી દીધું હશે. તે અક્ષિતાને મળ્યો. પોતાના સહેજ વહેમી સ્વભાવ પ્રમાણે અક્ષિતા બોલી કે, “મને ખુશીએ બધી વાત કરી છે. હું તારો સ્વભાવ જાણી ચુકી છું. તું મને પણ એક મજાક માટેનું રમકડું બનાવે છે. આજથી એક વર્ષ પહેલા તારી વાતોથી ખુશી ભોળવાઈ ગઈ હતી. હવે તું મને શિકાર બનાવવા માંગે છે.” પ્રેમે અક્ષિતાને ખુબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પ્રેમના પ્રેમ કરતા ખુશીની વાતોનું વધુ જોર પડ્યું. છેવટે અક્ષિતા એ પ્રેમ ને કહ્યું કે, “મને તને ભુલાવામાં થોડો સમય લાગશે પણ જિંદગીભરના દુઃખ કરતા થોડું દર્દ સારું. અને તને તો મને ભુલવાની જરૂર જ નહિ હોય. તું ફરી એકાદ વ્યક્તિ ને તારી રમતનું સાધન બનાવી દઈશ. અને આ આપણી છેલ્લી મુલાકાત છે. હવે આપણે ક્યારેય નહિ મળીએ.” ત્યારબાદ અક્ષિતા ત્યાંથી ચાલી ગઈ. પ્રેમ મૂંઝાયેલા અવાજથી બોલ્યો, “સમક્ષ મારી એકવાર ફરી ઇતિહાસ રચાયો છે, આજે સમયે મને મારો ભૂતકાળ બતાવ્યો છે.” એકાદ દ્રષ્ટિકોણ કેટલાંય જીવન વેડફી નાખે એ આજે અક્ષિતા ને ખુશીએ સાબિત કરી દીધું તું. ત્યારબાદ પ્રેમે અક્ષિતાનો સંપર્ક કરવાના ખુબ પ્રયત્નો કર્યા પણ વ્યર્થ રહ્યા. એક દિવસ ખુશી અને સિદ્ધાર્થના ઘરે એક કાગળ આવ્યો. એ કાગળ ખુશી એ વાંચ્યો અને સિદ્ધાર્થને કહ્યું કે, “આ માણસ ક્યારેય નહિ સુધરે, એને મન જિંદગી એક મજાક જ છે. જો તો ખરો આ વખતે એણે કેવું લખ્યું છે.” સિદ્ધાર્થે કાગળ વાંચીને પ્રેમને કોલ કરવાના પ્રયત્નો કર્યા પણ તેનો મોબાઈલ સ્વીચ ઓફ જ આવતો હતો. હવે આ સમય આવી ગયો હતો જ્યાં સિદ્ધાર્થે ખુશીને બધી વાતો કરવી પડી. ખુશી પાસે માત્ર ને માત્ર અફસોસ હતો. ખુશી અને સિદ્ધાર્થ બંને જણા પહેલા અક્ષિતા ને ઘેર પહોંચ્યા. તેમને અક્ષિતા ને બધી વિગતવાર જાણકારી આપી. હવે તો અક્ષિતાને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. ત્યારબાદ ત્રણે જણા પ્રેમના ઘરે જવા નીકળ્યા.
આજે પ્રેમના ઘરનું વાતાવરણ થોડું બદલાયેલું લાગતું હતું. ત્રણે જણાયે ત્યાં જે જોયું તે અકલ્પનીય હતું. ત્યાનો માહોલ જોઈને ત્રણે જણા વિચારમાં પડ્યા. બસ એક જ વ્યક્તિ વિચારમાં નતી પડી. અને વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ પ્રેમ હતી. કારણ કે વિચારવા માટે મગજની સાથે હૃદયનું પણ ધડકવું જોઈએ ને. સિદ્ધાર્થે જે પોતાના ઘરે આવેલા કાગળનો ડૂચો મારી જમીન પર ફેક્યો. કાગળમાં લખ્યું તું, “ખુશી તને જણાવી દઉં કે મેં તારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે પહેલી એપ્રિલ ન હતી. જો તે એ વખતે યાદ કરીને વિચાર્યું હોત તો આજે પરિણામ જુદું હોત. મેં યોજના તો ઘડી તી તને અને સિદ્ધાર્થ ને મળાવવા માટેની પણ એ પછી હું જ તમારા બેથી દુર થઇ ગયો. ઔસ્ત્રેલિયા જવાની વાત કરતી વખતે મેં તને એક શાયરી સંભળાવીતી કે, “હર વક્ત કોઈ યુ કિસી સે ઇસ તરહ ખફા નહિ હોતા, કુછ તો મજબુરીયા રહી હોગી યુહી કોઈ બેવફા નહિ હોતા". જો તું એ વાત ને સમજી હોત તો તારા મનમાં મારા વિષે એક સારી છાપ હોત. તમે બંને જણાએ તો પોતાના લગ્નજીવનમાં પગલા ભર્યા. પણ એકાદ વર્ષ સુધી મારા માટે બે-ચાર પગલા ભરવા પણ મુશ્કેલ હતા. હતાશા મારા જીવનનો એક ભાગ બની ગઈ હતી. તમે બંને જણાએ મને હંમેશા ખુશ જ જોયો છે. પણ જીવનમાં કરુણતા સાથે હતી ત્યારે એ જોવા તમે ત્યાં હાજર ન હતા. એ માત્ર ને માત્ર મેં જ જોઈ છે. આ અંધારી જિંદગીમાં અક્ષિતા સોનાનું કિરણ બનીને આવી ત્યારે મને ફરી જિંદગી જીવવાનો ઉમળકો થયો. પરિસ્થિતિ બદલાવવા માંડી હતી ને ત્યાં જ ખુશીએ જુના પુસ્તકો ઉથલાવ્યા. કદાચ એક વર્ષ પહેલા મેં તેને જાણી જોઈને નાખુશ કરી હતી તેના બદલામાં આજે તેને મને અજાણતા નાખુશ કર્યો. ઈશ્વરે “જેવું કરો તેવું ભરો” ની ભાવના સ્પષ્ટ કરી બતાવી. કદાચ મારા સ્વભાવે જ મને દર વખતે ખોટો પાડ્યો છે. આજે આ મજાકિયા સ્વભાવની સાથે આ જીવનના નાટક પર પણ હું પડદો પાડું છું. મને જિંદગી એ ઘણું બધું આપ્યું ને છીનવી લીધું. હવે હું આ જિંદગી ને કઈક આપવા માંગું છું.” દર્દ ભર્યો પત્ર વાંચી સૌની આંખો ભીંજાયેલી હતી. સિદ્ધાર્થ બોલ્યો, “પ્રેમ, હું આજે પણ તારા જેવો ન બની શક્યો. તે મને મરતા બચાવ્યો તો પણ હું તને ના બચાવી શક્યો.” બસ, ત્યાં હવે બે જ વસ્તુ હતી, દિલમાં અફસોસ ને આંખોમાં આંસું. દર વખતની જેમ બધાને લાગ્યું કે, આ પણ એક પ્રેમની મજાક જ હશે. હા, આ એક મજાક જ હતી જે પ્રેમે નતી કરી. આતો જિંદગી એ પ્રેમ જોડે કરી હતી........
“પ્રેમે જિંદગીની અઢળક મજાક કરી,
પછી સાલી જિંદગીએ શરૂઆત કરી.”
નિશાંક મોદી