ટૂંકી વાર્તા: હારતો જુગારી
વાત આ લગભગ દસ વર્ષ પહેલાંની છે જ્યારે શેરબજારમાં સેન્સેક્સ પોતાની નિમ્નકક્ષાએ હતું પણ આવા માર્કેટમાંથીય રૂપિયા બનાવી જાણે એવું નામ એટલે મનુ સટોડીયો. મનીયામાંથી મનુ અને પાછળથી મનુભાઈ આમ એના નામની ચઢતી એને શેરબજારની પડતી ની જ દેન હતી.
કુદરતી બક્ષિસ કહો કે એનું એનાલિસિસ, સાંજ પડે એ બે-પાંચ હજાર કે બે-પાંચ લાખ લઈને જ ઘરે ફરે. અઠવાડિયાના પાંચ દિવસ ખૂબ મહેનત કરે (ખાલી કહેવા પૂરતી) અને બે દિવસ ભરપૂર આનંદ કરે. એની ટીપ એવી હોય કે સો ના એ ઘડીકમાં બસો બનાવી દે.
લોકો એને સોનાનું ઈંડુ આપતી મરઘી કહે. સવારે સામાન્ય શર્ટ પેન્ટ અને સાદા ચપ્પલ પહેરીને ઘરેથી જાય અને સાંજે એ જ પરિસ્થિતિમાં ઘરે પાછા આવે ફરક એટલો જ હોય કે એના બધા જ ખિસ્સા રૂપિયાના ઢગલાથી ખદબદતા હોય. ઘરમાં આ માણસ કદીય પત્તાં ના રમે પણ શેરબજારનો એ એક્કો.
ખાલી શેરબજારનો જ એક્કો નહીં, પત્નીના મૃત્યુ બાદ એકલા હાથે દીકરાને ભણાવ્યો ગણાવ્યો અને પૂરતું કમાવવા સક્ષમ બનાવ્યો. પોતે શેરબજારમાં એટલો પારંગત હોવા છતાં પોતાના દીકરાને આનાથી દૂર જ રાખ્યો. એનો પુત્ર જયારે શેરબજારમાં આવવાની વાત કરે એટલે મનુભાઈ એટલું જ કહે કે, તું દૂર રહે... તારું કામ નહીં શેરબજારમાં....
પાંચ વર્ષ બાદ દીકરાના ધામધૂમથી લગ્ન કરાવ્યા. કોઈની પણ આંખને ઉડીને વળગે એવી સુંદર કન્યા પસંદ કરી. ઘટઘાટીલું શરીર, સૂરજને ઝુકાવે એવુ આંખોમાં તેજ, ગોરો વાન, મખમલ જેવી ત્વચા અને આ બધાથી ઉપર મદમસ્ત છલકાવતું યૌવન....અભિમાનથી છલકાઈ આખા ગામને મનુભાઈ કહેતા ફરે કે અપ્સરા શોધી લાયો છું હું મારા દીકરા માટે...લોકોએ એમને પાછા એવા મળે કે મનુભાઈ તમે તો હીરા પારખું છો જે કાઈ પણ કરશો પ્રોફિટ જ હશે.
મનુભાઈની એક જ ઈચ્છા કે દીકરો સેટ થઈ જાય એટલે પોતે રિટાયર્ડ થઈ શાંતિથી જીવન જીવશે અને લોકોને જીવન જીવવાની ટીપ આપશે. પણ કદીય સાંભળ્યું છે કે શેરબજારમાં રીટાયમેન્ટની કોઈ ઉંમર હોય એમાં તો જેમ ઉંમર વધે એમ અનુભવ વધે. કદાચ શેરબજાર જ એવું હશે જેમાં એ તમને કે તમે એને રીટાયમેન્ટ ના લેવા દે. આવતો રૂપિયો કોણ રોકે. અને મનુભાઈના કેસમાં તો કેશ જ કેશ હતી અને પૈસા ટકા લેખે ક્યારેય એમને મંદી જોઈ જ નથી.
લગભગ એકાદ વર્ષ વીત્યું હશે અને રૂપસુંદરીનું અસલી સ્વરૂપ છલકાવા લાગ્યું. ઘરમાં મનુભાઈને લઈ એમના દીકરા જોડે અવારનવાર ઝગડવાનું થતું. મનુભાઈ કોઈ પારકા બહેરાં જોડે વાત કરે તો પણ દીકરાની વહુ શંકાકુશંકા કરે, એના પતિને કહે કે પપ્પા શું લોકો જોડે લપ્પન છપ્પન કરે છે. બીજીબાજુ મનુભાઈ નવરા હોય એટલે ગપ્પા મારે એને શું ફરક પડે સામે બહેરાં હોય કે ભાયડાં, આમતેમ કરી સમય પસાર કરે...એ પણ પાછા પોતાની આવડતના રૂપિયા કમાવીને....ખર્ચામાં વધુ માં વધુ બે કપ ચા એ પણ કોઈને ટીપ આપે તો ફ્રી થઈ જાય. સામેવાળો એ દસ રૂપિયાની ચા થી સો બસો કમાઈ જાય.
એક દિવસ ઘરકંકાસથી કંટાળીને દીકરાએ મનુભાઈને રૂમમાં બોલાવીને બેસાડ્યા અને કહ્યું કે પપ્પા ખોટું ના લગાડતા પણ તમારી વહુને તમારી સાથે આ ઘરમાં રહેવું નથી ફાવતું. એણે ખૂબ પ્રયત્ન કર્યો પણ તમારી સાથે ખબર નહિ આ ઘરમાં એડજસ્ટ નથી થઈ શકતી. વધુ ઝગડા ના થાય એટલે એ કહે છે કે કાં તો પપ્પાને ઘરડાઘરમાં મૂકી દો કે કાં તો એને છોડી દો. પપ્પા મેં એને સમજાવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ હવે હું થાકી ગયો છું...તમે જ કંઈક ઉપાય સૂઝવો....
ત્વરિત નિર્ણય લેતા મનુભાઈએ કહ્યું કે હું તો નવરો માણસ છું અને હવે લાગે છે કે તું સેટ થઈ ગયો છે. એક કામ કર મારા ઘરડાઘરના એડમિશનની તૈયારી કર આમેય એજ એવી જગ્યા છે કે જ્યાં હું આ શેરબજાર છોડી શકું એ મારા માટે રિહેબીટેશન સેન્ટર જેવું કામ કરશે. તું કોઈ પણ તારા મનમાં સંકોચ ના રાખતો કે તે તારા પિતાને ઘરડાઘરમાં મુક્યા છે. આ વાત સાંભળતા લાગ્યું કે, મનુભાઈ ખરેખર એક્કા નીકળ્યા, કઈ રીતે બધે જ જીતવું એ જાણતા હતા.
થોડાક દિવસમાં એ ઘરડાઘરમાં સેટ થઈ ગયા, ત્યાં કોઈકે પૂછ્યું કે તમે ખરેખર દીકરાના આ નિર્ણયથી ખુશ છો? હસતાં હસતાં મનુભાઈ બોલ્યા કે દોસ્ત ઘરડાઘરમાં કોઈ એક વ્યક્તિ શોધી લાવો જે ખુશ હોય આ તો નવી પેઢી છે, કાઢી મુક્ત તોય શું કરી શકતા. અંતે એ લોકોને દુઃખી કરીને ક્યા માં બાપ ખુશી અનુભવે. પણ એક વાત છે કે હું મારા દીકરાને શેરબજારમાં ન તો લાવવા માંગતો પણ ભગવાન જાણે કયારે એ જિંદગીના દાવ પેચ શીખી ગયો, કદાચ મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેમ કરી ઉગળવું અને દરેક વસ્તુમાંથી પ્રોફિટ કેવી રીતે મળે એને એ વાત વારસામાં મળી હશે, મારા તરફથી.
આખા ગામને શેરબજારની ટીપ આપનાર અને ઢગલો પૈસા કમાનાર બધું જ છોડી ઘરડાઘરમાં હવે લોકોને જીવન જીવવાની ટીપ આપે છે, હવે સાંજ પડે એ બે-પાંચ હજાર કે બે-પાંચ લાખ તો નથી કમાતા પણ બે-ચાર જણાના હાલ સુધારી દે છે પોતાની વાતોથી...પછી એને ચાહે ભલે લોકો એને કુદરતી બક્ષિસ કહે કે એમનું જીવ જીવવાનું એનાલિસિસ....
શેરબજારનો એક્કો હવે બંધ કવરમાં ગોઠવાઈ ગયો છે અને શેરબજાર ઉપર ચઢે કે નીચે પડે એને કોઈ ફરક પડતો નથી કેમ કે સવારે સામાન્ય શર્ટ પેન્ટ અને સાદા ચપ્પલ પહેરીને ઘરેથી જાય અને સાંજે એ જ પરિસ્થિતિમાં ઘરે પાછો આવે હવે તો ખિસ્સા રૂપિયાના ઢગલાથી ખદબદતા હોય એવોય ફરક રહ્યો નથી.....જીવનબજારે એમને શેરબજારમાંથી રીટાયમેન્ટ અપાવી દીધું તું અને હવે અઠવાડિયાના સાત દિવસ ઘરડાઘરમાં પોતાના મિત્રો સાથે પત્તાં રમીને ભરપૂર આનંદ કરે છે અને હા એ અહીં રોજ હજીય એ પત્તાંની બાજી જીતે જ છે.....અને આ એક્કાના ભાગમાં હજુય એક્કો આવે છે....
અંતિમ સ્પર્શ:
જીતનારને હરાવી કોઈ બાજી મારી ગયો,
એક્કો હોવા છતાંય એ બાજી હારી ગયો.
- નિશાંક મોદી
No comments:
Post a Comment