Wednesday, July 25, 2018

અત્તરની જાત

ટૂંકી વાર્તા: અત્તરની જાત

'બે યાર, આ ભદ્રેશભાઈ પર મને ક્યારેક શંકા જાય છે કે એ નોર્મલ તો છે ને!' ઓફિસમાં પોતાની જગ્યા પર પાછા બેસતાં રશ્મિને એના ખાસ મિત્ર જયદેવને કહ્યું. 'કેમ શું કર્યું ભદ્રેશભાઈએ રશ્મિન?', 'બે કઈ નહિ યાર જો ને હું એમની પાસે એક કામ માટે ગયો તો, ઓછી જગાને કારણે ખુરશીઓ બહુજ એકબીજાને અથડાતી હતી અને ઉભા રહેવાની જગ્યાએ ન હતી તો એમના ખભા નજીક મારું માથું ગયું અને મારું માથું ફાટી જાય એવી પરફ્યુમની ગંધ આવી, કેમ જાણે આવી ગંધને એ સુગંધ માને છે' રશ્મિન ની વાત સાંભળી જયદેવ સહેજ મલકાયો.

'તું યાર હસે છે, અરે, આ માણસ પિસ્તાલીસ વયની ઉંમરે લેડીઝ પરફ્યુમ લગાવે છે તો શંકા તો જાય ને, ટોમી ગર્લ નામનું આ સખત સ્ટ્રોંગ લેડીઝ પરફ્યુમ જાણે નાહવામાં વાપરતા હોય એવું લાગે છે. આ તો એમની ઉંમર ના લીધે કઇ કહી શકાતું નથી નહિતર તો આવી નાની અમથી બાબતમાય હું ઝગડી જાત' માથું ચડેલો રશ્મિન હજુય અત્તરની માથજીકમાં પડ્યો તો.

'ચાલ છોડ બધું, નીચે જઈ વિજયભાઈની કીટલી એ ચા પીને આવીએ, તારું માથું અને અત્તર બન્ને ઉતરી જશે' જયદેવ રશ્મિનને લઈ નીચે ગયો. 'માણસ તો યાર નોર્મલ લાગે છે, કામ સારું કરે, કોઈ દિવસ કોઈની જોડે મગજમારી નહિ, ખોટી ઓફિસની ગોસીપિંગ નહિ, જવાબ આપવામાંય શાંત, ના કોઈ છોકરી પ્રત્યેની ખોટી નજર કે ના કોઈ આડીઅવળી વાત. પાછા ગાળોય ના બોલે...આમ તો બધુંય સારું જ છે બસ એક આ અત્તર પત્તર ઠોકે છે યાર!' રશ્મિન કીટલી પર ચાની ચૂસકી સાથે આડકતરી રીતે ભદ્રેશભાઈના વખાણ જ કરતો રહ્યો.

ચા ની મજા લઈ પાછા ઉપર આવી બધા કામે વળગ્યાં, ત્યાં જ મનાલીએ આવી અને પૂછ્યું 'મજામાં છો ને બધા?' ભદ્રેશભાઈ સહિત બધાનો એક જ જવાબ, 'હોવવવવ...' ગુજરાતી ભાષાય કેવી સરસ છે જેમાં કેટલાંક શબ્દો શબ્દકોશમાં જ નથી પણ એનો અર્થ બધાને ખબર પડી જાય એવો છે, હોવવવવ...શબ્દ પણ આવો જ હશે નહિ? વાહ ભદ્રેશભાઈ ટોમી ગર્લ પરફ્યુમની સુગંધ આવે છે, તમારું ફેવરિટ? મનાલીએ વાવાઝોડું છેડયું. રશ્મિન તાડૂકતા બોલ્યો, 'સુગંધ કે ગંધ?'  હવે મલકાવાનો વારો ભદ્રેશભાઈનો હતો.

દિવસ, અઠવાડિયું, મહિનો વીતી ગયો, બધું જ બદલાઈ ગયું ફક્ત બે વસ્તુ ના બદલાઈ, ભદ્રેશભાઈનું ફેવરિટ ટોમી ગર્લ પરફ્યુમ અને ગંધથી અકળાયેલ રશ્મિનનું માથું કે મગજ....મનાલીએ બર્થ ડે પાર્ટીમાં આખી ઓફિસને નોતરી, બધાય આવ્યા સિવાય ભદ્રેશભાઈ. હા પણ એમના તરફથી ગિફ્ટ જરૂર આવી ગઈ અને ગિફ્ટમાં બીજું કંઈ નહીં પણ એજ ટોમી ગર્લ પરફ્યુમની મોટી બાટલી....

અકળાયેલો રશ્મિન બીજા દિવસે સીધો જ ભદ્રેશભાઈ જોડે પહોંચી ગયો અને પૂછ્યું કે 'યાર ભદ્રેશભાઈ જીવનમાં આ પરફ્યુમ સિવાય કશું જોયું છે કે નહીં અને તમે યાર પુરુષ થઈ આવું લેડીઝ પરફ્યુમ કેમ લગાવો છો? બધું નોર્મલ તો છે ને...'  ભદ્રેશભાઈ પહેલીવાર સહેજ મલકાઈને બોલ્યા,'એકદમ નોર્મલ છે બધું', 'તો પછી આ અત્તર કેમ બદલાતું નથી?' રશ્મિન મુંઝાયો...

ભદ્રેશભાઈએ કીધું કે 'જયારે હું ભદ્રેશ હતો એટલે કે બાવીસથી પચીસ વર્ષની ઉંમર હશે ત્યારે મેં આ અત્તરની સુગંધ માણી, જાતે લગાવીને નહીં પણ કોઈની હૂંફથી. સૌથી પહેલાં આ સુગંધ જે તમને લોકોને ગંધ લાગે છે એ મને પણ નતી ગમતી પણ કુસુમને બહુ ગમતી, એ જ્યારે મળતી તો આજ પરફ્યુમ લગાવીને આવતી અને હું દૂર રહેવા માંગતો તોય કુસુમના સાથથી આ અત્તરની નજીક આવી જતો.' રશ્મિનને રસ પડ્યો,'યાર તમે તો લવસ્ટોરી લાયા!' 'કુસુમ કપડાં, આભૂષણો, મૂડ, સંબંધ, જૂતા બધું જ બદલતી બસ એક આ પરફ્યુમ ન બદલતી. ધીરે ધીરે હું આ ગંધની નજીક રહી સુગંધમાં ફેરવાઈ ગયો.' ચોક્કસ એ પાર્ટી એ તમારું દિલ તોડ્યું લાગે છે, રશ્મિનના શબ્દો ગૂંથાયાં...ના રશ્મિન એવું જ કઈ જ નથી થયું, ઉપરથી અમે તો લગ્ન કર્યા તા. પાંચ વર્ષના સુગંધભર્યા લગ્નજીવન પછી એની તબિયત લથડી અને કુસુમ નામનું ફૂલ મુર્જાવા લાગ્યું, એવો રોગ થયો કે જેનો ઈલાજ ભારતમાં જ ન હતો. મૃત્યુ ના પહેલેથી ખબર હોવાથી એને પોતાની આખરી માંગ એક જ રાખી કે મારી ડેડબોડી પર સુખડનું તેલ નહિ આ અત્તર જ છાંટજો. બસ એ જ એના છેલ્લા દિવસે જે મેં અત્તર છાંટયું તું એનાથી હું જુદો ના થઇ શક્યો. છેલ્લા પંદર વર્ષમાં કેટલાંય લોકો મળ્યા, આડીઅવળી વાતો કરી પણ હું નતો કહેતો કારણ કે બધાને આ અજુગતું લાગે. પ્રેમમાં તો લોકો પાગલ થઈ જાય હું તો ખાલી પરફ્યુમ જ છાંટુ છું અને જે સુગંધ આવે છે એ મને એ મારી પત્નીની હૂંફની યાદ અપાવે છે. તું જ કહે, લોકોની બે-ચાર વાતોથી શું હું મારી કુસુમની સુગંધથી અલગ થઈ જવું....

ભદ્રેશભાઈની વાત સાંભળી, રશ્મિનનું માથું ઉતરી ગયું તું એને આ અત્યંત તીવ્ર સુગંધમાં એક શાંત વાતાવરણની મહેક આવવા માંડી તી. ઘરે જતી વખતે રશ્મિન પોતાની પત્ની માટે ટોમી ગર્લ પરફ્યુમ લઈ ગયો અને ઓફિસમાં ખાલી ખુરશીઓ ઓછી જગા હોવા છતાંય અથડાતી ન હતી....કોઈકની સુગંધથી મહેકાતી હતી...

અંતિમ સ્પર્શ:
મુઠ્ઠીમાં બંધ રાખેલી કોઈક ફૂલોની યાદ પૂછી ગયો,
કેમ જાણે હું એમને યાર અત્તરની જાત પૂછી ગયો.

- નિશાંક મોદી

No comments:

Post a Comment